શહેરમાં જયા પાર્વતીના વ્રત નિમિતે યુવતીઓએ પાંચ દિવસ સુધી ગૌરી પૂજા કરી વ્રત કરી અંતિમ દિવસે આખી રાતનું જાગરણ કરતી હોય છે. જાગરણ શરૂ થાય તે પૂર્વે જ વરસાદ થયા બાદ જાગરણ દરમિયાન વરસાદનું કોઇ વિઘ્ન આવ્યું ન હોવાથી વ્રત કરતી યુવતીઓ પોતાના પરિવાર સાથે મોટી સંખ્યામાં રેસકોર્ષ ફરવા આવી હતી. જાગરણ દરમિયાન યુવતીઓની પજવણી કરવા કેટલાક આવારા અને લુખ્ખા શખ્સો પણ વિના કારણે ઉજાગરા કરતા હોવાથી પોલીસે એન્ટી રોમીયો ટીમ બનાવી શહેરના કિશાનપરા ચોક, જિલ્લા પંચાયત ચોક, મહિલા કોલેજ અંડર બ્રીજ, કોટેચા ચોક, કેકેવી ચોક અને આજી ડેમ સહિતના સ્થળોએ પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દીધો હતો. ડીસીપી ઝોન-૨ મનોહરસિંહ જાડેજા પેટ્રોલીંગમાં નીકળ્યા હતા. પરિવાર સાથે ન હોય અને માત્ર યુવકો મોડીરાતે પોલીસની નજરે પડે તેઓને કાયદાનું ભાન કરાવવા જાહેરમાં ઉઠક બેઠક કરાવી હતી અને નશો કરેલા શખ્સો સામે કાયદેસર કાર્યવાહી કરી જાગરણ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બનવા દીધો ન હતો.



