ગાંધી પરિવાર બહારની વ્યક્તિને રાહુલની જગ્યાએ અધ્યક્ષ બનાવવામાં આવે તો બેફામ બનેલી આંતરિક જુથબંધીના કારણે પાર્ટી નાના ટુકડાઓમાં વહેંચાય જાય તેવી અનિલ શાસ્ત્રીને ભીતિ
તાજેતરમાં યોજાયેલી લોકસભાની ચૂંટણીમાં કારમો પરાજય મળ્યા બાદ કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ પોતાની જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું છે. રાજીનામું પરત ખેંચવા રાહુલને થયેલા મનામણા નિષ્ફળ રહેતા હવે પાર્ટી હાઈકમાન્ડ રાહુલના ઉતરાધિકારી શોધવામાં વ્યસ્ત થઈ ગઈ છે. કોંગ્રેસ પાર્ટીમાં સ્થાનિકથી લઈને રાષ્ટ્રીય કક્ષા સુધી જે રીતે આંતરીક જુથબંધી વ્યાપેલી છે. તેને જોતા ગાંધી પરિવારા સિવાયના નેતાને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવામાં આવે તો ભૂતકાળની જેમ પાર્ટી નાના ટુકડાઓમાં વેંચાય જાય તેવી સંભાવના છે.
ભૂતકાળમાં સોનિયા ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવાતા કોંગ્રેસના તત્કાલીન વરિષ્ટ આગેવાન શરદ પવારે બળવો પોકારીને મહારાષ્ટ્રમાં પોતાનો અલગ રાજકીય પક્ષ નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી બનાવી હતી મમતા બેનર્જીએ પણ પાર્ટી હાઈકમાન્ડ સામે બળવો પોકારીને પશ્ર્ચિમ બંગાળમાં તૃણમુલ કોંગ્રેસ પાર્ટી બનાવી હતી. આવી રીતે ભૂતકાળમાં કોંગ્રેસ પાર્ટીના અનેક નાના ટુકડાઓમાં વહેચાય હતી જેનું સીધુ નુકશાન કોંગ્રેસ પાર્ટીને થયું છે. જેથી, રાહુલના ઉતરાધિકારી તરીકે ગાંધી પરિવારના જ અને લોખંડી મહિલા વડાપ્રધાન ઈન્દીરા ગાંધી જેવું કરિશ્માઈ વ્યકિતત્વ ધરાવતા પ્રિયંકા ગાંધીને રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવીને પાર્ટીને ફરીથી બેઠી કરવા માંગ ઉઠવા પામી છે. કોંગ્રેસના વરિષ્ટ નેતા અને પૂર્વ વડાપ્રધાન લાલ બહાદૂર શાસ્ત્રીના પુત્ર અનિલ શાસ્ત્રીએ પ્રિયંકાને કોંગ્રેસના નવા રાષ્ટ્રીય અધ્યક્ષ બનાવવા માંગ કરી છે. તેમને દાવો કર્યો હતો કે પ્રિયંકા દેશના તમામ નેતાઓ, કાર્યકરોમાં ૧૦૦ ટકા સ્વીકાર્ય છે. રાહુલના સ્વૈચ્છિક રાજીનામા બાદ પ્રિયંકા ગાંધી જ પાર્ટીને એકજૂટ રાખી શકશે. આ માટે પ્રિયંકા રાજકીય રીતે પરિપકવ હોવાનો પણ શાસ્ત્રીએ દાવો કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે પ્રિયંકા સિવાય કોઈ પણ પાર્ટીન્સ અન્ય નેતા કોંગ્રેસના તમામા આગેવાનો, કાર્યકરોમાં ૧૦૦ ટકા સ્વીકાર્ય નથી તેથી જ નવા અધ્યક્ષની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે.
લોકસભાની ચૂંટણીમાં મળેલા કારમાં પરાજય બાદ કોંગ્રેસના નેતાઓ, કાર્યકરોનું મનોબળ તળીયે ગયું છે. ત્યારે કોંગ્રેસને પ્રિયંકાજેવા મજબુત નેતૃત્વની જરૂર છે. રાહુલ બાદ પ્રિયંકા સર્વસ્વીકૃત નેતા હોય કોંગ્રેસના આગેવાનો, કાર્યકરોમાં નવુ જોમ ફૂંકી શકે તેમ છે. તેમ જણાવીને શાસ્ત્રીએ વધુમાં ઉમેર્યું હતુ કે કોંગ્રેસ રાહુલની લાગણીની કદર કરે છે. હું પણ તેમને માન આપુ છુ હાલની પરિસ્થિતિમાં કોંગ્રેસને મજબુત નેતૃત્વની જરૂર છે. અને પક્ષને તુરત નવા અધ્યક્ષ મળે તે સમયની માંગ છે. નવા અધ્યક્ષની પસંદગીમાં વિલંબ થઈ રહ્યો છે. તે દર્શાવે છે કે પાર્ટીને એક રાખી શકે તેવા ગાંધી પરિવાર સિવાયના કોઈ નેતા નથી. જો કોઈ અધ્યક્ષક બનાવવામાં આવશે તો બીજા નેતા ઓ તેને સ્વીકારશે નહી જેથી વિખવાદના કારણે પાર્ટી નાના ટુકડાઓ વહેચાઈ જશે.
ભૂતકાળમાં કોંગ્રેસમાં મનદુ:ખથી છૂટા પડેલા શરદ પવારે એનસીપી, મમતા બેનર્જી એ તૃણમુલ, જગમોહન રેડ્ડીની એ વાયએસઆરસી વગેરે પાર્ટીની સ્થાપના કરી હતી કોંગ્રેસમાંથી છૂટી પડીને બનેલી આ પાર્ટીઓનાં કારણે કોંગ્રેસને જ વધારે નુકશાન થયાનું જણાવીને શાસ્ત્રીએ અંતમાં ઉમેર્યું હતુ કે પાર્ટીને નવા અધ્યક્ષ પદે શકિતશાળી પ્રભાવશાળી નેતાની હાલ જરૂર છે. જે માટે ગાંધી પરિવાર સિવાય કોઈ વિકલ્પ નથી જેથી પ્રિયંકા ગાંધીને તુરંત રાહુનો વિકલ્પ જાહેર કરીને પાર્ટીને તુરંત બચાવીને એક જૂટ રાખવી જોઈએ.