બપોરે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની ઉપસ્થિતિમાં બન્ને ભાજપમાં જોડાશે
લાંબા સમયથી ચાલી આવતી અટકળોનો આજે બપોરે અંત આવી જશે. ઠાકોર સમાજના કદાવર નેતા અને ધારાસભ્ય અલ્પેશ ઠાકોર તથા ધવલસિંહ ઝાલા આજે બપોરે ૨ કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ પ્રમુખ જીતુભાઈ વાઘાણીના હસ્તે કેસરીયો ખેસ ધારણ કરી વિધિવત રીતે ભાજપમાં જોડાય જશે. ગુજરાતમાં કોંગ્રેસને એક પછી એક મરણતોલ ફટકા પડી રહ્યાં છે. ત્યારે સનિક નેતાગીરી સામે અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
ગત વિધાનસભાની ચૂંટણીમાં રાધનપુર બેઠક પરી અલ્પેશ ઠાકોર અને બાયડ વિધાનસભા બેઠક પરી ધવલસિંહ ઝાલા કોંગ્રેસના પ્રતિક પરી ચૂંટણી લડી વિજેતા થઈ ધારાસભ્ય બન્યા હતા. વિધાનસભાની ચૂંટણી પૂર્વે ભાજપને જોરદાર ટક્કર આપનાર ઠાકોર સમાજના કદાવર નેતા અલ્પેશ ઠાકોર છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસથી ભારોભાર નારાજ છે. તેઓ ગમે ત્યારે ભાજપમાં જોડાય જશે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. ભાજપમાં જોડાયા બાદ તેને કેબીનેટ મંત્રી બનાવવામાં આવે તેવી વાત ચાલતી હતી. ગત તા.૨૩મી જૂનના રોજ યોજાયેલ રાજ્યસભા બે બેઠકો માટે અલ્પેશ ઠાકોર અને ધવલસિંહે પક્ષની વ્હીપ છતાં ભાજપના ઉમેદવારોના તરફેણમાં મતદાન કર્યું હતું અને ત્યારબાદ બન્નેએ કોંગ્રેસમાંથી રાજીનામુ પણ આપી દીધુ હતું.
આજે બપોરે ૨ કલાકે પ્રદેશ ભાજપ કાર્યાલય કમલમ્ ખાતે પ્રદેશ ભાજપ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીની હાજરીમાં અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા વિધિવત રીતે ભાજપનો કેસરીયો ખેસ ધારણ કરી લેશે. આ તકે ઓબીસી એકતા મંચના હોદ્દેદારો પણ ઉપસ્થિત રહેશે.
આ બન્નેને ફરી ભાજપ ટીકીટ આપે તેવું પણ માનવામાં આવી રહ્યું છે. જો કે, ભાજપમાં જોડાનાર અલ્પેશ ઠાકોરને હાલ મંત્રી પદમાં સન આપવામાં ન આવે તેવી પણ સંભાવના દેખાઈ રહી છે.