જાણી જોઈને પાઈપલાઈનનાં વાલ્વ તોડવાનો પ્રયાસ કરાયો હોવાની શંકા: પોલીસ ફરિયાદની તજવીજ: પાઈપલાઈન તુટી તે સ્થળે ૧૦ ફુટ પાણી ભરાયું: ચેકડેમ તોડી પાણીનો નિકાલ કરાયો
મોરબી નજીક આવેલા મચ્છુ-૧ ડેમથી ભાદર ડેમ તરફ જતી સૌની યોજનાની મહાકાય પાઈપલાઈનમાં કોઈ વ્યકિતએ જાણી જોઈને વાલ્વ તોડવાનો પ્રયાસ કરતાં પાઈપલાઈનમાં ભંગાણ સર્જાયું છે જેનાં કારણે ૮૫ લાખ લીટર જેટલા મહામુલા પાણીનો વેડફાટ થઈ ગયો છે. જે સ્થળે વાલ્વ લીકેજ થયો છે ત્યાં ૧૦ ફુટ જેટલું પાણી ભરાઈ ગયું હોવાનાં કારણે રીપેરીંગની કામગીરી પર અસર પડી રહી છે. પાણીનાં નિકાલ માટે ચેકડેમનો પાળો તોડવામાં આવ્યો છે. દરમિયાન અજાણ્યા શખ્સો સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે.
મચ્છુ-૧ ડેમથી ભાદર સુધી જતી સૌની યોજનાની પાઈપલાઈનમાં ખોખડદડ નજીક પરવડા તરફ જવાનાં રસ્તે મુખ્ય પાઈપલાઈનનાં વાલ્વનાં નટ બોલ તોડવાનો પ્રયાસ આજે હાથ ધરવામાં આવ્યો હોવાનાં કારણે જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાય જવા પામી છે. અંદાજે ૩ એમસીએફટી એટલે કે ૮૫ લાખ લીટર જેટલા પાણીનો વેડફાટ થયો છે. રીપેરીંગની કામગીરી શરૂ થઈ શકી નથી કારણકે જે સ્થળે પાઈપલાઈનમાં ભંગાણ થયું છે ત્યાં ૧૦ ફુટ પાણી ભરાઈ ગયું છે અને વાલ્વ પણ દેખાતો નથી. આ પાણીનો નિકાલ કરવા માટે નજીકમાં આવેલા ચેકડેમનો પારો તોડવામાં આવ્યો છે. પાણીનો નિકાલ થયા બાદ રીપેરીંગની કામગીરી શરૂ કરવામાં આવશે. પાણીની પાઈપલાઈન તોડનાર સામે પોલીસ ફરિયાદ દાખલ કરવાની પણ તજવીજ શરૂ કરાઈ છે.