ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ-૨૦૧૯ના નિયમની અમલવારી
ગુજરાત રાજય સરકાર દ્વારા ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ-૨૦૧૯ને અમલી બનાવવામાં આવ્યો છે જેમાં રી-ડેવલોપ માટે તૈયાર થનારા ફલેટસનાં મુળભુત સભ્યોએ રી-ડેવલોપમેન્ટ થયા બાદ નવેસરથી દસ્તાવેજ કરવાનો રહેશે નહીં. તેઓએ જુની સોસાયટી માટે પહેલેથી જ જે દસ્તાવેજ કરેલો હોય તેમનો જુનો જ દસ્તાવેજ અમલી રહેશે. જયારે નવા ઉમેરાતા સભ્યોએ આ અંગે દસ્તાવેજ કરવાનો રહેશે તેમ જાણવા મળી રહ્યું છે. રી-ડેવલોપ માટેનાં કાયદામાં સુધારા કર્યા બાદ ગુજરાત સરકારનાં શહેરી વિકાસ વિભાગે તેનાં નિયમો સુચિત કરીને તેમાં સુધારા માટે લોકો પાસેથી સુચનો પણ મંગાવ્યા છે.
શહેરી વિકાસ વિભાગનાં હાઉસીંગ સેક્રેટરી લોચન સહેરાએ જણાવ્યું હતું કે, જુના સભ્યોએ પહેલેથી જ દસ્તાવેજ કર્યા હોવાથી તેને નવા દસ્તાવેજ કરવાની અને સ્ટેમ્પ ડયુટી ભરવાની જરૂર નહીં રહે જયારે નવા સભ્યોએ દસ્તાવેજ કરાવવાનો રહેશે. સ્માર્ટ સિટીની વાત કરતાં ગુજરાત સરકારે રી-ડેવલોપમેન્ટ અંગે જાહેર કરેલા નિયમો માત્ર જર્જરીત મકાનોને જ આવરી લેવાનો નિર્ણય કર્યો હોવાથી રી-ડેવલોપમેન્ટનાં નિયમો આવ્યા બાદ ૨૫ વર્ષ જુનાં મકાનોને રી-ડેવલોપમેન્ટમાં લઈ જવા ઈચ્છનાર હવે તેમનાં મકાનો રી-ડેવલોપમેન્ટમાં લઈ જઈ શકશે નહીં. સરકારી તંત્ર દ્વારા ઉભા કરેલા મકાનો અને તેમાં પણ ખાસ કરીને જુના મકાનોને આ કાયદાનો લાભ મળશે પરંતુ અન્ય ખાનગી મકાનો તેનાં લાભથી વંચિત રહી જશે. હાલ સરકાર દ્વારા જે જોગવાઈઓ નકકી કરવામાં આવેલી છે તેમાં માત્ર અત્યંત જોખમી કેટેગરીમાં આવતી ઈમારતોને જ આવરી લેવામાં આવશે.
ગુજરાત ઓનરશીપ ફલેટ એકટ-૨૦૧૯ હેઠળ એ પણ નિર્ણય લેવામાં આવ્યો છે કે કોઈપણ મેનેજીંગ કમિટી કો-ઓપરેટીવ સોસાયટી કે બિલ્ડીંગની કોઈ કામગીરી સંભાળતું હોય તે અંગેની કોઈ અરજી મળે તો તેને રી-ડેવલોપમેન્ટમાં લેવું ફરજીયાત બનશે. સાથોસાથ કાયદામાં એ જોગવાઈ પણ કરવામાં આવી છે કે ડેવલોપર લેખિત પરવાનગી વગર બિલ્ડીંગનાં પ્લાનમાં કોઈપણ પ્રકારે સુધારા-વધારા નહીં કરી શકે અને જો તેમ કરવું હોય તો મેનેજીંગ કમિટી પાસેથી લેખિત પરવાનગી લેવાની રહેશે.