દિવ્યાંગોને પગભર બનાવતી સમાજ સુરક્ષા ખાતાની દિવ્યાંગ સાધન સહાય યોજના
રાજય સરકારના સમાજ સુરક્ષા ખાતા દ્વારા અનાથ બાળક, દિવ્યાંગો સહિત નિરાધાર જરૂરિયાતમંદ વર્ગોને ધ્યાને રાખી વિવિધ કલ્યાણકારી યોજનાઓ અમલી બનાવવામાં આવી છે. આવી યોજનાઓ અન્વયે લાભાન્વિત થતાં લાભાર્થીઓ સમાજમાં પોતાનું આગવું સ્થાન બનાવી માનભેર જીવન જીવે છે.
રાજય સરકારે દિવ્યાંગોના કલ્યાણ અર્થે દ્રઢ અને સંગીન પ્રયાસો કર્યા છે. છેવાડાના જરૂરિયાતમંદો માટે રાજય સરકારની કલ્યાણકારી યોજનાઓ ટેકારૂપ બની રહી છે. આ યોજનાઓ પૈકીની એક યોજના એટલે દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવાની યોજના. રાજય સરકારની આ યોજના અંતર્ગત સુરેન્દ્રનગર જિલ્લા દિવ્યાંગ વ્યક્તિઓને સાધન સહાય આપવામાં આવી રહી છે. જિલ્લા સમાજ સુરક્ષા કચેરી દ્વારા સતત પ્રયત્નો કરીને સુરેન્દ્રનગર જિલ્લાના જરૂરિયાતમંદોને લાભાન્વિત કરવામાં આવી રહયાં છે.
આ યોજના અન્વયે વર્ષ ૨૦૧૮-૧૯ માં સમાજ સુરક્ષા કચેરી દ્વારા સુરેન્દ્રનગર જિલ્લાના ૨૧૩ લાભાર્થીઓને રૂપિયા ૧૩.૯૨ લાખની સહાય ચૂકવવામાં આવી છે. તેમ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી જીતેન્દ્ર મકવાણાએ જણાવ્યું હતુ. સમાજ સુરક્ષા કચેરી દ્વારા દિવ્યાંગોને સાધન સહાય કરી આર્થિક રીતે પગભર બનાવવાના શુભ આશય સાથે અમલી બનાવવામાં આવેલ આ યોજનાનો લાભ મેળવવા માટે લાભાર્થીએ તેમની જરૂરિયાત મુજબ સાધન સહાય મેળવવા માટે અરજી કરવાની હોય છે.
આ યોજના અન્વયે ૪૦ ટકા કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા, દ્રષ્ટિહિન તેમજ મૂકબધિર વ્યક્તિ કે જે ગુજરાત રાજયના વતની હોય, વિકલાંગ ઓળખકાર્ડ ધરાવતા હોય તેઓને આર્થિક સાધન સહાયમાં રૂપિયા ૧૦ હજારની મર્યાદામાં સાધન સહાય મળવાપાત્ર છે. દિવ્યાંગોને કૃત્રિમ અવયવ, ઘોડી કે કેલીપર્સ (બુટ), ત્રણ કે બે પૈડાંવાળી સાયકલ, સ્વરોજગારી માટે હાથલારી, સિલાઇ મશીન, મોચી કામ માટેના સાધનો, ઇલેકટ્રિક – કોમ્પ્યુટર રિપેરીંગના સાધનો, સાયકલ રિપેરીંગના સાધનો, ભરતગૂંથણ મશીન, એમ્બ્રોઇડરી મશીનની સહાય મળી રહે છે. મૂકબધિર માટે હિયરીંગ એઇડ તથા સાધનસહાય, ફોલ્ડીંગ સ્ટીક, બ્રેઇલ કિટ, મંદબુધ્ધિ માટે એમ.આર. ચાઇલ્ડ કિટ, ટેબ્લેટ જેવા અદ્યતન સાધનો આપવામાં આવે છે.
આ સહાય મેળવવા માટેનું અરજીપત્રક જિલ્લા સમાજ સુરક્ષા કચેરી, બહુમાળી ભવન, સુરેન્દ્રનગર ખાતે રજૂ કરવાનું રહે છે. આ અરજીપત્રક સાથે વિકલાંગ ઓળખકાર્ડ તેમજ આધારકાર્ડની નકલ ઉપરાંત સક્ષમ અધિકારીનો આવકનો દાખલો જોડવાના રહે છે. આ માટેની વધુ વિગતો માટે જિલ્લા સમાજ સુરક્ષા કચેરીનો સંપર્ક કરવા વધુમાં જણાવાયું છે.