આઈસીસી વર્લ્ડ ઈલેવનમાં ભારતીય ટીમમાંથી માત્ર રોહિત અને બુમરાહનો જ સમાવેશ
વિશ્વકપનાં પ્રથમ સેમીફાઈનલમાં ન્યુઝીલેન્ડ સામે હાર્યા બાદ ભારતીય ટીમની પસંદગી વેસ્ટ ઈન્ડિઝ ટુર માટે થવાની છે જેમાં ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ સામે ૩ ટી-૨૦, ૩ ઓડીઆઈ અને ૨ ટેસ્ટ મેચ રમશે ત્યારે વાત એ પણ સામે આવી રહી છે કે, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહને ટુર્નામેન્ટમાં આરામ આપવામાં આવે ત્યારે હાલ મહેન્દ્રસિંહ ધોનીની નિવૃતિને લઈ હજી કોઈ નકકર નિર્ણય લેવામાં આવ્યો નથી જે અંગે ટીમ સિલેકટર મુંબઈ ખાતે ૧૯ જુલાઈનાં રોજ ભેગા થઈ ટીમની પસંદગી કરશે. શિખર ધવનને પણ ટીમમાં સ્થાન મળશે કે કેમ તેનાં પર હજી પ્રશ્ર્નાર્થ યથાવત રાખવામાં આવ્યો છે. જયારે વેસ્ટ ઈન્ડિઝ તરફથી ક્રિસ ગેલની પણ આ છેલ્લી ઘરેલું સિરીઝ રહેશે ત્યારબાદ યુનિવર્સલ બોસ પણ ક્રિકેટમાંથી નિવૃતિ લેવાની વાત કરી હતી.
વિશ્વકપ પૂર્ણ થયા બાદ વર્લ્ડ ઈલેવનની ટીમ માટે માત્ર ભારતીય ટીમનાં બે જ ખેલાડીઓને સ્થાન પ્રાપ્ત થયું છે જેમાં રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહનો સમાવેશ કરવામાં આવ્યો છે ત્યારે ટીમનાં સુકાની વિરાટ કોહલીને ટીમમાં સ્થાન મળ્યું નથી. ઈંગ્લેન્ડ અને વેલ્સમાં રવિવારે સંપન્ન થયેલા આઈસીસી પુરુષ વર્લ્ડ કપના ૧૨ એડિશન બાદ આઈસીસીએ પોતાની વર્લ્ડ કપ ટીમ ઘોષિત કરી છે. આ ટીમમાં ભારતના બે ખેલાડીઓને સ્થાન મળ્યું છે પણ ભારતીય ટીમના કેપ્ટન વિરાટ કોહલીને ટીમમાં સમાવાયો નથી. ભારત તરફથી આ ટૂર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં રહેલા રોહિત શર્મા અને જસપ્રીત બુમરાહને ટીમમાં શામેલ કરાયા છે. આઈસીસીએ પોતાની વર્લ્ડ કપની ટીમના કેપ્ટન તરીકે કેન વિલિયમ્સનને પસંદ કર્યો છે. આ ટીમમાં સૌથી વધુ ૪ ખેલાડીઓ ઈંગ્લેન્ડથી, ૨ ભારત, ૨ ઑસ્ટ્રેલિયા, ૧ બાંગ્લાદેશથી જ્યારે કેપ્ટન વિલિયમ્સન સહિત ત્રણ ખેલાડીઓ ન્યૂઝીલેન્ડથી છે. જોકે, ટ્રેન્ટ બોલ્ટને ૧૨ ખેલાડી તરીકે આ ટીમમાં સ્થાન મળ્યું છે.આઈસીસીએ પોતાની ટીમમાં એવા ખેલાડીઓને પસંદ કર્યા છે જેમણે ૭ સપ્તાહ સુધી ચાલેલી આ ટૂર્નામેન્ટમાં પોતાની રમતથી સતત બધાને પ્રભાવિત કર્યા. ભારતના ઓપનિંગ બેટ્સમેન રોહિત શર્માએ ટૂર્નામેન્ટમાં ૫ સદી સહિત સૌથી વધુ ૬૪૮ રન બનાવ્યા. ત્યારબાદ બીજા ઓપનર તરીકે ઈંગ્લેન્ડના જેસન રોયને સિલેક્ટ કરાયો. રોયે ટૂર્નામેન્ટમાં ૧૧૫.૩૬ના સ્ટ્રાઈક રેટથી ૪૪૩ રન નોંધાવ્યા. વર્લ્ડ કપની કેટલીક મેચોમાં તે ઈજાને કારણે રમી શક્યો નહોતો. નંબર ત્રણ પર કીવી કેપ્ટન કેન વિલિયમ્સનને સ્થાન મળ્યું છે. તેને આ ટીમનો કેપ્ટન પણ બનાવાયો છે. તેણે આ ટૂર્નામેન્ટમાં ૮૨.૫૭ રનની એવરેજથી ૫૭૮ રન નોંધાવ્યા છે. તેણે એક એડિસનમાં સૌથી વધુ રન બનાવનારા કેપ્ટન તરીકેની ઉપલબ્ધિ પણ મેળવી. નંબર ૪ પર બાંગ્લાદેશના શાકિબ અલ હસનને ટીમમાં સ્થાન મળ્યું છે. બાંગ્લાદેશ માટે ટૂર્નામેન્ટમાં નંબર ૩ પર બેટિંગ કરી ૫૬.૫૭ની એવરેજથી ૬૦૬ રન બનાવનારા શાકિબે ૧૧ વિકેટો પણ ઝડપી હતી.
ટૂર્નામેન્ટમાં ૫૫૬ રન બનાવનારા ઈંગ્લિશ બેટ્સમેન જો રુટને ૫મા સ્થાન માટે સિલેક્ટ કરાયો છે. આ ઉપરાંત છઠ્ઠા નંબર માટે બેન સ્ટોક્સ, ૭મા નંબર પર ઑસ્ટ્રેલિયન વિકેટકીપર એલેક્સ કેરી, ૮મા નંબરે તેની જ ટીમના મિચેલ સ્ટાર્કને ટીમમાં સમાવાયો છે. આ ઉપરાંત વર્લ્ડ કપ પહેલા જ પોતાનું ઈન્ટરનેશનલ કરિયર શરૂ કરનારાના જોફ્રા આર્ચરને ૯મા નંબરે ટીમમાં સ્થાન મળ્યું છે. ૧૦મા નંબરે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર લોકી ફર્ગ્યુસન જ્યારે ૧૧મા સ્થાને ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહને સમાવાયા છે. ૧૨મા ખેલાડી તરીકે કીવી બોલર ટ્રેન્ટ બોલ્ટને શામેલ કરાયો છે. આશ્ચર્યની વાત એ છે કે, વન-ડે રેંકિંગમાં પ્રથમ સ્થાને રહેલા વિરાટ કોહલીને આ વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મળ્યું નથી. કોહલીએ વર્લ્ડ કપમાં ૪૪૨ રન બનાવ્યા હતા. આ દરમિયાન તેણે સતત પાંચ હાફ સેન્ચુરી પણ લગાવી હતી પણ તે પોતાની કોઈપણ ઈનિંગને મોટી સેન્ચુરીમાં ફેરવી શક્યો નહોતો.