અમદાવાદના કાંકરિયા તળાવના બાલવાટિકાના ગેટ નંબર 4 પાસે આવેલી રાઇડ્સ તૂટવાની ઘટના બની હતી. આ ઘટનામાં 2 લોકોના મોત થયા છે જ્યારે 29 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. તમામ ઇજાગ્રસ્તોને એસજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એલજી હોસ્પિટલમાં અમદાવાદ મેયર, કમિશ્નર સહિતના ઉચ્ચ અધિકારીઓ દોડી આવ્યા હતા. તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ઉઠાવશે.
સીએમ વિજય રૂપાણીએ અમદાવાદની કાંકરિયામાં રાઈડ્સ તૂટવાની ઘટના મામલે તપાસના આદેશ આપ્યા છે. સમગ્ર ઘટનાનો સીએમઓએ રિપોર્ટ માંગ્યો છે. ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ મ્યુનિસિપલ કમિશનર સાથે ઘટના બાબતે ચર્ચા કરી જવાબદારો સામે પગલાં ભરવા સૂચના આપી હતી. તો બીજી તરફ એફએસએલની ટીમ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
આ ઉપરાંત રાજ્યગૃહ મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ પણ એલજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. ત્યારે આ ઘટનામાં પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથધરી છે. અને આ ઘટનામાં કોઇપણ જવાબદાર હશે તેને બક્ષવામાં આવશે નહીં. તેમજ તમામ ઇજાગ્રસ્તોની સારવારનો સંપૂર્ણ ખર્ચ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન કરશે.
એલજી હોસ્પિટલમાં ઇજાગ્રસ્તોની મુલાકાત લીધા બાદ શહેર મેયર બીજલ પટેલે મીડિયા સાથે ઘટનાની માહિતી આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ ઘટનામાં 29 લોકોને લાવવામાં આવ્યા હતા. 2 લોકોના મોત થયા હતા. ગણતરીના કલાકોમાં તાત્કાલિક પગલા લેવાનો કડકમાં કડક આદેશ આપવામાં આવ્યા છે.
તેમણે જણાવ્યું હતું કે ટેકનિકલ ખામીના કારણે અકસ્માત સર્જાયો છે ત્યારે આ ઘટના ઉપર કોઇ પ્રકારનું રાજકારણ ન કરવાની પણ અપિલ કરવામાં આવી છે.