સંયુકત રાષ્ટ્ર સંઘની સામાન્ય સભામાં ભાગ લેવાની સાથે વડાપ્રધાન મોદી ટ્રમ્પ સહિતના મહાનુભાવો સાથે દ્વિપક્ષીય મંત્રણાઓ કરશે: ભારતીય સમુદાયના અમેરિકનોને સંબોધશે
તાજેતરમાં સતારૂઢ થયેલી કેન્દ્રની મોદી સરકારે હવે વૈશ્ચિકસ્તરે ભારત છવાય જાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા છે. આગામી દાયકામાં ભારતને ફરીથી ‘વિશ્ર્વ ગૂરૂ’ બનાવવાના ધ્યેય સાથે કાર્ય કરતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વિશ્ર્વભરના દેશો સાથે વેપારી, રાજકીય, સામાજિક સહિતના સંબંધો મજબુત કરવા કમર કસી છે. જેના ભાગરૂપે હવે વડાપ્રધાન મોદીએ વિશ્વભરનાં દેશોનાં પ્રવાસ શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. જેની શરૂઆત અમેરિક્થી કરી રહ્યા છે. આગામી સપ્ટેમ્બરના ત્રીજા અઠવાડીયામાં વડાપ્રધાન મોદી અમેરિકાના પ્રવાસે જઈને ન્યુયોર્ક અને હ્યુસ્ટનની મુલાકાતે જનારા છે.
ભારત અમેરિકા વચ્ચેના રાજકીય વેપારી સંબંધો અને ટ્રમ્પ સરકાર સાથેની નિકટતા અને અમેરિકામાં વસતા ભારતીયો સાથેની સંવેદનનું માહોલ વચ્ચે મળનારી સંયુકત રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના અવસરે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકામાં વસતા ભારતીયો સાથે પણ સંવાદ કરશે.
ન્યયોર્ક ખાતે રાષ્ટ્રસંઘની સામાન્ય સભાના સત્રની બેઠકમાં વડાપ્રધાન હાજરી આપશે. સપ્ટે ૨૦, ૨૧, ૨૨, ૨૩ દરમિયાન યોજાનારી આ બેઠક દરમિયાન વડાપ્રધાન એક દિવસનો સમય ફાળવીને હ્યુસ્ટનની મુલાકાત લઈ ટેકસાસમાં વસતા ભારતીય અમેરિકનો મળશે ટેકસાસમાં વસતા ભારતીયો એ યોજેલા એક સમારંભમાં વડાપ્રધાન હાજરી આપશે.
હજુ વડાપ્રધાનની વોશિંગ્ટન ડીસીની મુલાકાતનો કાર્યક્રમ નકકી થયો નથી પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમેરિકાના ટ્રમ્પ અને વિશ્ર્વની કેટલીક મોટી હસ્તીઓને યુએનની બેઠક દરમ્યાન મળશે. વડાપ્રધાને ભૂતકાળમાં ન્યુયોર્ક, વોશિંગ્ટન ડીસીની મુલાકાત લીધી હતી પરંતુ ૨૦૧૫માં તેમણે ખાસ સંતફ્રાંસીસકો, સિલીકોનવેલી અને ફેસબુક અને ટેલસાની ખાસ મુલાકાત લીધી હતી. ત્યારબાદ અમેરિકામાં વસ્તી ભારતીય સમુદાય દ્વારા વડાપ્રધાનને ઉષ્માભર્યું આમંત્રણ આપવાની પરંપરા ચાલુ કરી હતી તે દરમિયાન ઉપરાષ્ટ્ર પતિ વેંકૈયા નાયડુએ શિકાગો અને એનર્જી હબ ગણાતા ટેકસાસની મુલાકાત લીધી હતી. ટેકસાસમાં અઢી લાખથી વધુ ભારતીયોનો વસવાટ છે.
વડાપ્રધાન આવતા અઠવાડીયે અમેરિકા જવાના છે. ત્યારે વડાપ્રધાનની આગતા સ્વાગતા માટે બિન નિવાસી ભારતીયોએ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હયુસ્ટનમાં ભારતીય મૂળના લોકોને સંબોધન કરશે. શિકાગો અને હ્યુસ્ટન અમેરિકાના એવા બે શહેરો છે. જયાં બિન નિવાસી ભારતીયોના સંબોધન માટે વડાપ્રધાનનો કાર્યક્રમ થઈ શકે છે. અલબત વડાપ્રધાનના કાર્યક્રમનો કેવી રીતે ગોઠવાયો છે. તેની કોઈ સતાવાર જાહેરાત થઈ નથી. અલબત વડાપ્રધાન ૨૩મી સપ્ટેમ્બરે જલવાયું પરિવર્તન અને ગ્લોબલ વોર્મિંગ વિષય પર યોજાનારી બેઠકમાં સવિશેષ સંબોધન કરશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના આ અવસરની ઉભી થયેલી તકના અવસરને લઈને હ્યુસટનમાં વસતા ભારતીય મૂળના લોકોમાં ભારે ઉત્સાહ પ્રવર્તી રહ્યો છે.