વિધાનસભામાં કાયદા વિભાગ માટેની અંદાજપત્રીય જોગવાઇઓ પર વિગતો આપતા કાયદા મંત્રી પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું કે, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની ઉત્તમ સ્થિતિનું નિર્માણ થયું છે. કાયદાના શાસનને વધુ અસરકારક બનાવવા આગામી વર્ષ માટે અંદાજપત્રમાં કાયદા વિભાગ માટે કરવામાં આવેલી રૂા. ૧,૬૫૩.૩૫ કરોડની ફાળવણીનો ઉલ્લેખ કરતા કાયદા મંત્રીએ જણાવ્યું કે, ૨૦૦૩-૦૪માં ન્યાયતંત્ર માટેનું બજેટ માત્ર રૂા. ૧૪૦.૧૯ કરોડ હતું, તેમાં ૧,૧૭૯ ટકાનો વધારો કરવામાં આવ્યો છે. તેમાં કાયદાનું કડક સુશાસન પ્રસ્થાપિત કરવાની રાજ્ય સરકારની કટિબધ્ધતા વ્યક્ત થતી હોવાનું કાયદા મંત્રીએ ઉમેર્યું હતું
કાયદા મંત્રીએ જણાવ્યું કે, ૨૦૧૫માં વિવિધ સ્તરની ૮૯૪ કોર્ટો કાર્યરત હતી. છેલ્લા ચાર વર્ષમાં વધુ ૧૩૪ કોર્ટ શરૂ કરવામાં આવી છે. રાજયના ૨૪૯ તાલુકાઓ પૈકી ૨૪૮ તાલુકાઓમાં સિવિલ કોર્ટ શરૂ કરી દેવામાં આવી છે. આગામી નાણાકીય વર્ષમાં અધિક જિલ્લા ન્યાયાધિશની ૧૦ તથા સિનીયર સિવિલ જજની ૩ મળીને ૧૩ તાલુકા કોર્ટ શરૂ કરવામાં આવશે. ન્યાયતંત્રને કાર્યક્ષમ બનાવવા માટે કોર્ટોને માળખાગત સુવિધાઓ આપવા સાથે ન્યાયાધિશ તેમજ સપોર્ટીંગ સ્ટાફ માટે છેલ્લા બે વર્ષમાં ૨૫૯૪ જગ્યાઓ મંજૂર થવાથી રાજ્યની તાબાની અદાલતોમાં મહેકમની સંખ્યા ૧૧,૦૩૦ થઇ છે. આગામી વર્ષમાં વધુ ૬૪૫ જેટલી જગ્યાઓ માટે જોગવાઇ કરવમાં આવી છે. મહિલાઓને ઝડપથી ન્યાય મળી રહે તે માટે ફેમિલી કોર્ટ મહત્વની હોય છે. છેલ્લા બે વર્ષમાં રાજ્યમાં કુલ ૧૪ જિલ્લાઓમાં ફેમિલી કોર્ટ કાર્યરત હતી, તેમાં વધારો કરીને હવે રાજ્યના ૨૯ જિલ્લાઓમાં કુલ ૪૬ જેટલી ફેમિલી કોર્ટ મંજૂર કરવામાં આવી છે. જે પૈકી ૩૮ જેટલી ફેમિલી કોર્ટો કાર્યરત કરીને રાજ્ય સરકારે મહિલાઓ પ્રત્યેની સંવેદનાઓને વાચા આપી છે