ભારતમાં 10 વર્ષમાં(2006થી 2016)માં 27.1 કરોડ લોકો ગરીબીની સીમામાંથી બહાર આવ્યા છે. સંયુક્ત રાષ્ટ્રએ ગુરૂવારે જાહેર કરેલા રિપોર્ટ મુજબ ગરીબીના ગ્લોબલ ઈન્ડેક્સ(MPI)માં ભારત સૌથી ઝડપથી નીચે આવ્યું છે. દેશમાં સંપતિઓ, ખાવાનું રાધવાનું ઈંધણ, સ્વચ્છતા અને પોષણ જેવા ક્ષેત્રમાં ખૂબ જ સુધારો થયો છે. આ ક્ષેત્ર ગરીબીના ઈન્ડેક્સને માપવાના માપદંડમાં સામેલ છે.
રિપોર્ટના જણાવ્યા પ્રમાણે 2005-2006માં દેશમાં 64 કરોડ એટલે કે 55.1 ટકા લોકો ગરીબ હતા. 2015-16માં આ સંખ્યા ઘટીને 36.9 કરોડ થઈ છે. ભારતની એમપીઆઈ વેલ્યુ 2005-2006ના 0.283થી ઘટીને 2015-16માં 0.123 રહી છે. એમપીઆઈમાં કુલ 10 માપદંડ સામેલ છે.
આ સિવાય સ્કૂલમાં જવાના વર્ષ અને સ્કૂલમાં હાજરીનો દર પણ ઈન્ડેક્સમાં સામેલ છે. રિપોર્ટમાં વિશ્વના 101 દેશોના સ્ટડીને સામેલ કરવામાં આવ્યો છે. તેમાં 31 ઓછી ઉંમરવાળા, 68 મધ્યમ ઉંમર વાળા અને 2 ઉચ્ચ આવક વાળા દેશ સામેલ છે. રિપોર્ટ મુજબ વિશ્વભરમાં 1.3 અબજ લોકો વિવિધ રીત ગરીબ છે.