એક વર્ષમાં ૨૯૯ સેમ્પલો લેવાયા, પરીક્ષણમાં મોટાભાગનાં પાસ: શંકા પડતા આરોગ્ય ચેરમેન જયમીન ઠાકરે રિપોર્ટ મંગાવી ઉંડા ઉતર્યા: મોટા વહીવટની આશંકા
મહાપાલિકાની આરોગ્ય શાખા દ્વારા શહેરમાંથી લેવામાં આવતા ખાદ્ય સામગ્રીનાં મોટાભાગનાં નમુનાઓ પરીક્ષણમાં ૧૦૦ ટકા માર્કસ સાથે ઉર્તિણ થતા હોવાનાં કારણે આરોગ્ય શાખાની કામગીરી સામે ખુદ આરોગ્ય સમિતિ ચેરમેન જયમીન ઠાકરને શંકા ઉભી થતાં છેલ્લા એક વર્ષમાં લેવામાં આવેલા સેમ્પલ અને તેનાં પરીક્ષણનાં રીપોર્ટ મંગાવી તપાસમાં ઉંડા ઉતર્યા છે. સેમ્પલો લીધા બાદ વેપારીઓ સાથે કર્મચારીઓ વહિવટ કરી લેતા હોવાની પણ શંકાઓ ઉદભવી રહી છે.
જાગૃત નાગરિકો જયારે કોર્પોરેશનનાં કોલ સેન્ટરમાં ખાદ્ય-સામગ્રીને લગતી ફરિયાદ નોંધાવે ત્યારે જ કોર્પોરેશનનાં ફુડ વિભાગ દ્વારા સેમ્પલો લેવાની કામગીરી હાથ ધરવામાં આવે છે. મોટાભાગે ઉચ્ચ ગુણવતાવાળી ચીજ-વસ્તુઓનાં સેમ્પલ લેવામાં આવતા હોવાની શંકાઓ સેવાઈ રહી છે. ગત ૧૪/૬/૨૦૧૮ થી ૩૦/૬/૨૦૧૯ સુધીમાં એક વર્ષનાં સમયગાળામાં આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા ૨૯૯ ખાદ્ય સામગ્રીનાં નમુના લેવામાં આવ્યા છે જેમાં મોટાભાગનાં નમુનાં પરીક્ષણમાં પાસ થયા હોવાનું અથવા રીપોર્ટ ન આવ્યા હોવાનો રીમાર્ક કરવામાં આવ્યો છે. આરોગ્ય વિભાગની કામગીરી સામે ખુદ સમિતિ ચેરમેન જયમીન ઠાકરને શંકા પડતા તેઓએ એક વર્ષની કામગીરીનો રીપોર્ટ મંગાવ્યો છે અને આ રીપોર્ટમાં ઉંડા ઉતર્યા છે. સામાન્ય રીતે લોકોની ફરિયાદ મળે ત્યારપછી જ નમુનાં લેવામાં આવતા હોય છે. આવામાં નમુના પરીક્ષણમાં નાપાસ થવા જ જોઈએ પરંતુ કયાં કારણોસર ખાદ્ય-સામગ્રીનાં નમુના પરીક્ષણમાં સંપૂર્ણપણે ઉર્તિણ થઈ જાય છે તે પણ એક જવાબ માંગી લેતો મસમોટો સવાલ છે. આરોગ્ય સમિતિ ચેરમેન સમગ્ર ઘટનામાં ઉંડા ઉતર્યા છે પરંતુ કુલડીમાં ગોળ ન ભંગાઈ જાય અને સંપૂર્ણ હકિકત લોકો સુધી પહોંચે તે પણ આવશ્યક છે.