અંબિકા ટાઉનશીપ રોડ અને ભારતનગર-૭બીના આવાસો ચિત્રોથી સુશોભિત: ‘સ્વચ્છ ભારત’, ‘પ્રદુષણ નિયંત્રણ’, ‘બેટી બચાવો, બેટી પઢાઓ’ વગેરેનો સંદેશો અપાયો
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અંબિકા ટાઉનશીપ રોડ પર બનાવવામાં આવેલી બે અદ્યતન આવાસ યોજનાઓ પ્રધાનમંત્રી આવાસ યોજના સ્માર્ટ ઘર-૩ અને પ્રધાનમંત્રી આવાસ યોજના પીપીપી આવાસ યોજના ભારતનગર-૭બીની સુંદરતામાં વધારો કરવાની સાથોસાથ “બેટી બચાઓ, બેટી પઢાઓ, “સ્વચ્છ ભારત, “પ્રદુષણ નિયંત્રણ, “સ્કુલ ચલે હમ, “જળ એ જ જીવન, “વૃક્ષો વાવો, વરસાદ
લાવો જેવા સામાજિક જાગૃતિ માટેના સંદેશાઓ આપતા ૭૫ બાય ૨૦ ફૂટના વિશાળ કદના પેઈન્ટીંગ આવાસ યોજનાઓની વિશાળ દિવાલો પર દોરાવવામાં આવ્યા છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, અંબિકા ટાઉનશીપવાળા રોડ પર આ બંને આવાસ યોજનાઓની શાનદાર ઈમારતો પર દોરવામાં આવેલા આ ચિત્રો માટે રાજકોટ મહાનગરપાલિકાએ કોઈ ખર્ચ વહન કરવો પડ્યો નથી. આવાસ યોજનાનું કામ કરનાર એજન્સીનો આ કાર્યમાં સહકાર પ્રાપ્ત થયેલ છે.
મહાનગરપાલિકા દ્વારા વોર્ડ નં ૧૧ માં ટી.પી. ૨૮ (મવડી) એફ.પી. ૧૨/અ પર પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ૧૧૭૬ ઈડબલ્યુએસ પ્રકારના આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. જેમાં એક બેડરૂમ, હોલ રસોડું તથા ટોઇલેટની સુવિધાઓ આપવામાં આવેલ છે. આ આવાસ યોજનામાં ગ્રીન બિલ્ડીંગ સિદ્ધાંતોને આધારિત આવાસોનું નિર્માણ કરવામાં આવેલ છે. આ ઉપરાંત આવાસ યોજનામાં લીફ્ટ, ફાયર, સોલાર, રેઇનવોટર હાર્વેસ્ટિંગ સીસ્ટમ જેવી સુવિધાઓ પણ આપવામાં આવેલ છે.
આ આવાસ યોજનાના બિલ્ડીંગોને સરકારશ્રીની વિવિધ યોજનાઓના સંદેશ સમાજને મળે તે હેતુ દર્શાવતા ચિત્રોથી સુશોભિત કરવામાં આવેલ છે. જેમાં બેટી બચાઓ, બેટી પઢાઓ, સ્વચ્છ ભારત, પ્રદુષણ નિયંત્રણ, સ્કુલ ચલે હમ વિગેરે જેવા સંદેશાઓનો સમાવેશ થાય છે.
ભારતનગર સ્લમ વિસ્તાર માટે પી.પી.પી ધોરણે આવાસ યોજનાની કામગીરી પૂર્ણ થયેલ છે. આ ઝુપડપટ્ટી વિસ્તાર માં રહેતા લાભાર્થીઓને તે જ જગ્યાએ પોતાની માલિકીનું, બે બેડરૂમ હોલ, કિચન સહિતનું માલિકી હક્ક સાથેનું ઘરનું ઘર વિનામૂલ્યે આપવામાં આવેલ છે.
અહીં એક ચિત્ર પૂર્ણ કરતા બે થી ત્રણ દિવસનો સમય લાગ્યો હતો. જેમાં જળ એ જ જીવન, વૃક્ષો વાવો, વરસાદ લાવો વિગેરે જેવા સંદેશાઓનો સમાવેશ થાય છે. ઉપરોક્ત બંને આવાસ યોજનાઓમાં કુલ આઠ ચિત્રો દોરાવવામાં આવ્યા છે.