મેઈન્ટેનન્સ અને સફાઈની કામગીરી સબબ આજે વોર્ડ નં.૮, ૧૦, ૧૧, ૧૨ અને ૧૩માં વિતરણ ઠપ્પ
મેઈનટેનન્સ અને સફાઈની કામગીરીનાં બહાનાતળે આજે મહાપાલિકા દ્વારા શહેરનાં પાંચ વોર્ડનાં અનેક વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હોવાનાં કારણે અઢી લાખ લોકો તરસ્યા ટળવળ્યા હતા. છેલ્લા બે માસમાં તંત્ર દ્વારા એક યા બીજા કારણોસર રાજકોટવાસીઓ પર ૬ વખત પાણીકાપનો કોરડો વિંઝવામાં આવ્યો છે. આજે ભરચોમાસે પાણીકાપ ઝીંકી દેવાતા લોકોમાં જબરો દેકારો બોલી ગયો હતો.
પુનિતનગરનાં પાણીનાં ટાંકાની સફાઈની કામગીરી હાથ ધરવાની હોવાનાં કારણે આજે વોર્ડ નં.૮ (પાર્ટ), વોર્ડ નં.૧૦ (પાર્ટ), વોર્ડ નં.૧૧ (પાર્ટ), વોર્ડ નં.૧૨ અને વોર્ડ નં.૧૩ (પાર્ટ)માં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું છે. અંદાજે અઢી લાખ લોકોને આજે પાણી વિના તરસ્યા રહેવાનો વારો આવ્યો છે. મહાપાલિકાનાં વિપક્ષી ઉપનેતા મનસુખભાઈ કાલરીયાએ શાસકો પર આકરા પ્રહારો કરતાં જણાવ્યું હતું કે, છેલ્લા બે મહિનામાં મેયર બીનાબેન આચાર્યનાં મત વિસ્તાર એવા વોર્ડ નં.૧૦ સહિતનાં અલગ-અલગ વોર્ડમાં મહાપાલિકા દ્વારા એક યા બીજા કારણોસર પાણીકાપ લાદવામાં આવ્યો છે. જેમાં ગત બીજી મેનાં રોજ મેઈનટેનન્સની કામગીરીનાં બહાનાતળે, ૧૮ જુનનાં રોજ ટાંકામાં પાણીનું લેવલ ઘટી જવાના કારણે, ૨૦મી જુનનાં રોજ વાલ્વ ખરાબ થઈ જવાનાં કારણે મેઈનટેનન્સની કામગીરી સબબ, ૫ જુલાઈનાં રોજ કાલાવડ રોડ પર ક્રિસ્ટલ મોલ પાસે પાણીની પાઈપલાઈનમાં ભંગાણ સર્જાવાનાં કારણે, ૭ જુલાઈનાં રોજ પુષ્કરધામ રોડ અને જે.કે.ચોકમાં લાઈન તુટી જવાનાં કારણે લાગુ વિસ્તારોમાં પાણી વિતરણ બંધ રાખવામાં આવ્યું હતું. જયારે આજે મેઈનટેનન્સ અને મુખ્ય પાઈપલાઈનની જોડાણની કામગીરી સબબ પાણીકાપ ઝીંકવામાં આવ્યો છે. વોર્ડ નં.૧૦માં વારંવાર પાણીકાપ ઝીંકી દેવામાં આવતો હોવાનાં કારણે લોકોએ ભારે હાલાકી ભોગવવી પડે છે. વોર્ડનાં અનેક વિસ્તારોમાં ધીમા ફોર્સથી પાણી વિતરણથી સમસ્યા લગભગ રોજીંદી બની જવા પામી છે છતાં તંત્ર તેની ગંભીર નોંધ લેતું નથી.