ઉપલેટા પંથકમાં ૨ ઈંચ, મેંદરડામાં ૨ ઈંચ, અમરેલી, કુંકાવાવ, વડીયા, ધારી અને ભેંસાણ પંથકમાં ૧-૧ ઈંચ વરસાદ: આજે અષાઢી બીજે વ્હાલો વરસી પડે તેવી આજીજી
જૂન માસમાં નિરાંશ કર્યા બાદ મેઘરાજા જુલાઈ માસમાં પણ અનરાધાર કૃપા વરસાવવામાં રીતસર કરકસર રાખી રહ્યાં છે. સૌરાષ્ટ્રમાં શ્રીકાર વર્ષાની આશ અને આવશ્યકતા વચ્ચે માત્ર છુટી છવાઈ મેઘકૃપા વરસતા જગતાત સો સામાન્ય લોકો પણ નિરાંશ થઈ ગયા છે. આજે અષાઢી બીજના પાવન દિવસે મેઘરાજા વ્હાલ વરસાવે તેવી આજીજી લોકો કરી રહ્યાં છે.
આજે સવારે પુરા તાં છેલ્લા ૨૪ કલાક દરમિયાન રાજ્યના ૨૮ જિલ્લાના ૧૧૯ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. જેમાં સૌથી વધુ વરસાદ બનાસકાંઠાના ધનેરામાં ૭૪ મીમી પડયો છે. જ્યારે મેઘરજમાં ૬૧ મીમી, ડિસામાં ૬૦ મીમી, સુરતમાં ૬૦ મીમી અને જૂનાગઢના મેંદરડામાં ૫૦ મીમી જેટલો વરસાદ પડયો છે. આજે સવારે ૨ કલાકમાં રાજ્યના ૨ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌરાષ્ટ્રમાં અનેક તાલુકાઓમાં વાવણીલાયક વરસાદ વરસી ગયા બાદ હવે ખેડૂતો કાંગડોળે મેઘરાજાની રાહ જોઈ રહ્યાં છે. આવામાં સાવત્રીક કૃપા વરસાવવાના બદલે મેઘરાજા છુટા છવાયો હેત વરસાવી રહ્યાં છે. ગઈકાલે કોટડા સાંગાણી પંથકમાં ૪ ઈંચ જેટલો વરસાદ વરસી ગયો હતો તો અમરેલી, સાવરકુંડલા, કુંકાવાવ, વડીયા, ભેંસાણ અને ધારી પંથકમાં ૧-૧ ઈંચ વરસાદ પડયો હતો.
સૌરાષ્ટ્રમાં આજ સુધી હજુ મૌસમનો માત્ર ૧૭.૧૬ ટકા જેટલો જ વરસાદ પડયો છે. સાવત્રીક વરસાદના અભાવે સૌરાષ્ટ્રના હજુ અનેક વિસ્તારોમાં વાવણી પણ થઈ નથી. આવામાં આજે મેઘરાજા અષાઢી બીજના દિવસે કૃપા વરસાવે તેવું લોકો ઈચ્છી રહ્યાં છે. જો કે, હાલ રાજ્યમાં સાવત્રીક વરસાદ પડે તેવી એક પણ સીસ્ટમ સક્રિય નથી.
કાલાવડના બોડી ગામ પાસે વિજળી પડતા યુવાનનું મોત
કાલાવડના અરલા ગામથી બોડીગામ જવાના રસ્તે મેરવળ નદીના કાંઠે વિજડી પડતા સાવલી ગામના યુવાનનું મોત નિપજતા મુસ્લીમ પરિવારમાં માતમ છવાઈ ગયો હતો.
આ અંગેની વિગત મુજબ કાલાવડ તાલુકાના સાવલી ગામે રહેતો અબ્દુલ કાદીર ઉર્ફે અલ્તાફ હબીબભાઈ સમા ઉ.૨૨ નામનો મુસ્લીમ યુવાન ગઈકાલે સાંજના સમયે પોતાનું બાઈક લઈ જતો હતો ત્યારે અરલા ગામથી બોડીગામ જવાના રસ્તે બોડીગામની સીમમા આવેલ મોરવડ નદીના ઉગમણા કાંઠે પહોચતા વિજળી પડતા યુવાનનેગંભીર હાલતમાં ખાનગી વાહન મારફતે સારવારમાં કાલાવડની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવતા યુવાનને ફરજ પરના તબીબોએ જોઈ તપાસી મૃર્ત જાહેર કર્યો હતો. બનાવ અંગેની જાણ કાલાવડ ગ્રામ્ય પોલીસ મથકે કરવામાં આવતા એ એસઆઈ જે.કે. રાઠોડ એ પ્રાથમિક તપાસ હાથ ધરી છે.