ભારતીય સંસ્કૃતિની જાળવણીમાં સૌથી મોટો ફાળો શિક્ષણનો છે. ઋષિમુની અને સંતોની ભૂમિ એવા ભારતમાં એક સમયે ગુરૂફૂળો હતા જ્યાં બાળકનો સર્વાંગી વિકાસ થતો. અભ્યાસથી લઈને અન્ય દરેક કળામાં પારંગત બનવાની તાલીમ ગુરૂકુળમાં અપાતી.
સમયની સાથે શિક્ષણમાં પણ બદલાવ આવ્યો. આધુનિક ટેકનોલોજી અને ડિજિટલ યુગનો વ્યાપ વધતા શિક્ષણમાં ધરમૂળ પરિવર્તનો થયા અને આવા પરિવર્તનને લઈને આખી શિક્ષણપ્રથા, માળખું અને માધ્યમો બધુંજ બદલાયું. આજે આખો ટેક્નોલોજી પર આધારિત છે . જે દેશ ટેકનોલોજી ક્ષેત્રે આગળ હોય એ દેશ વિકાસશીલ ગણાય છે. આજની શાળાઓમાં પણ ટેકનોલોજી દ્વારા આધુનિકરણ કરી બાળકોને વિદેશી શિક્ષણની હરોળનું શિક્ષણ આપવાની જાણે કે હોડ લાગી છે. માતાપિતા ઉચામાં ઉંચી ફી ભરીને પોતાના બાળકને અદ્યતન સગવડોથી સજ્જ એવી હાઈટેક સ્કૂલમાં ભણાવવા માટે સતત ચિંતિત હોય છે. શાળાની ફી જેટલી ઉંચી એટલી સગવડો વધારે અને એટલી જ એ હાઈટેક. કેટલીકવાર આવી શાળાઓમાં અભ્યાસ કરતા બાળક માટે દયાભાવ જન્મે કે જે બાળકનું બાળપણ માટી સાથે વિતવું જોઈએ એને આ આધુનિક શાળાઓ ’ડસ્ટ-ફી કલાસરૂમ’ ના નામે સંસ્કૃતિથી અલગ કરી રહ્યા છે.
આજના સમયમાં શિક્ષણનું સ્તર વૈશ્વિક બન્યું હોવાથી આપણાં બાળકો પર અભ્યાસ અને ટેકનોલોજીનું ભારણ વધ્યું છે અને આવા ભારણને પહોંચી વળવા એવી શાળાઓ પણ આવશ્યક બની છે. ભણતર સખત ભાર વાળું બનતું ચાલ્યું. બાળક દફ્તરના ભારથી ઝુકતું ચાલ્યું. ભણતરની સાથે સાથે અન્ય પ્રવૃત્તિમાં પણ બાળક આગળ રહે એ હેતુથી માતાપિતા અને શાળાઓએ અન્ય પ્રવૃત્તિઓનું શિક્ષણ આપવાનું શરૂ કર્યું. જે પ્રવૃત્તિ બાળક માટે રમત અને આનંદ હતી એ પ્રવૃત્તિને આપણે શિક્ષણ બનાવી બાળક માટે ભાર ઉભો કર્યો. દરેક દેશ અને ત્યાંની શિક્ષણપ્રણાલી અલગ છે . દેરક દેશનાં બાળકોનો ઉછે અને આઈકયુ લેવલ પણ અલગ છે એ હિસાબે વૈશ્વિક શિક્ષણના લીધે આપણું બાળક ભણતરના ભાર નીચે કચડાઈ રહ્યું છે. આ બધા પછી ધીમે ધીમે ભાર વગરના ભણતરનો કોન્સેપ્ટ આવ્યો પરંતુ આ ’ભાર’ એટલે માત્ર વજન. બાળકોને સ્કૂલબેગ ઘરે ન લાવવી, પુસ્તકો માટે શાળામાં જ લોકર આપવા એવી સગવડો કરવામાં આવી . આ આખાય કોન્સેપ્ટમાં ક્યાંય બાળકનો માનસિક ભાર ઓછો કરવાની વાત છે જ નહીં.
આધુનિક શિક્ષણ પદ્ધતિથી વાલીઓનો આર્થિક બોજો અને બાળકનો માનસિક બોજો વધ્યો છે એ વાત તદ્દન સત્ય છે . આજે હવે ઘણા વિચારકો ફરી પાછો ગુરૂકુળ યુગ લાવવાની જહેમત કરી રહ્યા છે. ઘણી શાળાઓ શરૂ થઈ રહી છે જ્યાં શિક્ષણ ખરેખર ભણવા નહિ માણવા જેવું હોય. અદ્યતન છતાં પરંપરા જાળવીને બનાવાયેલા વર્ગખંડો , આપણાં ધર્મ, વેદ, ઋષિમુનિઓ અને આપણી સંસ્કૃતિ સાથે જોડાયેલા નામ આપીને બનાવાયેલ વિભાગો, બાળકને આપણી યજ્ઞ અને હવનનું મહત્વ સમજાવતી અને શીખવતી પ્રાર્થના પદ્ધતિ વગેરે જેવી અનેક બાબતોની બારીકાઈથી કાળજી લઈને બાળક સંપૂર્ણ ભારતીય શીખન મેળવે એવા ઉત્તમ પ્રયાસો થઈ રહ્યા છે. ગુરુફૂળનું શિક્ષણ, માહોલ અને મૂલ્યો બધુજ જળવાય એ કાળજી રાખીને ચાલતી આવી પાઠશાળાઓમાં બાળકના સર્વાંગી વિકાસ પર વધુ ધ્યાન અપાય છે. આવી શાળાઓમાં બાળકને નાનામાં નાનું કામ શીખવવામાં આવે છે. બાળક એકપણ નાના કામ માટે બીજા પર આધારિત ન રહે એ રીતે એનું ઘડતર કરવામાંઆવી શાળાઓ સતત વ્યસ્ત છે.
આજનાં સમયમાં આપણાં બાળકોને આપણી સંસ્કૃતિ મુજબનું શિક્ષણ મળે અને એ શિક્ષણ માત્ર ભણતર જ નહિ બની રહેતા ખરેખર બાળકને ઉપયોગી થાય એ પ્રયાસ સરાહનીય છે. આગળ જતાં બાળક એના જીવનની કોઈપણ મુશ્કેલીમાં પોતાનો માર્ગ કાઢી શકે એ જ ખરેખર શિક્ષણનો અર્થ છે. માત્ર માર્કશીટ નહિ, કેરેક્ટરશીટ પણ એટલીજ મહત્વની છે. આવી શાળાઓમાં લગભગ દિવસના દસ કલાક અપાતા શિક્ષણમાં અભ્યાસના દરેક વિષયને અલગ રીતે ભણાવવા અને સમજાવવામાં આવે છે જેના લીધે બાળક સરળતાથી વધુ સારું ગ્રહણ કરી શકે. આ પ્રકારે અભ્યાસ કરવા માટે શિક્ષકો માટે પણ ખાસ તાલીમવર્ગો લેવાય છે. એકંદરે આ શાળાઓમાં બાળક રોજિંદા નાના કામ પણ સરળતાથી શીખીને પોતાના કર્યો જાતે કરવા ટેવાય એ પ્રયાસ થાય છે. ’કોઈ કામ નાનું નથી’ એ વિદેશી કોન્સેપ્ટ બાળકના મગજમાં બેસાડવા માટે આ પ્રકારની શાળાઓમાં બલ્બના ફ્યુઝ બાંધવાથી લઈને નળ રીપેર અને ટાયર પંક્ચર સહિતના કામો પણ શીખવવામાં આવે છે.
બાળકના ઘડતરમાં સંસ્કૃતિની છાંટ જાળવી રાખવાના હેતુથી ચાલતી આવી શાળાઓનું કાર્ય ઘણુંજ ઉમદા છે અને સાથોસાથ પડકારરૂપ પરંતુ સવાલ એ ઉઠે કે આ બધામાં અભ્યાસક્રમનું શુ? એ વાત તો સનાતન સત્ય છે કે ગુરૂકુળ પદ્ધતિથી ચાલતી શાળાઓના બાળકને પણ આખરેતો અન્ય અભ્યાસલક્ષી શાળાના બાળકો સાથેજ હરીફાઈમાં ઉતરવાનું છે. એકસાથે અનેક જાતનું શિક્ષણ મેળવતું બાળક અભ્યાસક્રમમાં અન્ય શાળાના બાળક કરતાં પાછળ રહી ગયું તો શું? સામાજિક મૂલ્યો અને સંસ્કૃતિ સાથે જોડાઈ રહેતું બાળક આગળ જતાં રોજગરથી વંચિત તો નહીં રહી જાય ને?
આપણે સૌ જાણીએ છીએ કે આજના સમયમાં માત્ર અભ્યાસક્રમજ નથી બદલાયો પરંતુ લોકોની માનસિકતા, અપેક્ષા અને જરૂરિયાતો પણ બદલાઈ છે. આજનું શિક્ષણ રોજગારલક્ષી થયું છે. ’માર્કશીટ બોલતી હૈ’ સિવાય કોઈ વાતનું આજના સમયમાં મહત્વ નથી. આવકના સ્ત્રોત ઉભા થઇ શકે એ જ શિક્ષણ સાચું શિક્ષણ છે એવી એક માનસિકતા દરેકના મનમાં ઘર કરી ગઈ છે. કોઈ શાળા, સમાજ, વિદ્યાર્થી કે વાલી સક્ષમ નથી કે બાળકનો સર્વાંગી વિકાસ કરી સાથોસાથ ઉત્તમ રોજગારની તકો પુરી પાડે.
શાળામાં નળ રીપેર કરતું બાળક વિજ્ઞાનમાં નબળું હશે તો એમના વાલીને ચાલશે ખરું?
આપણે શિક્ષણપ્રથા અને બદલીએ છીએ, શિક્ષણનો અર્થ પણ બદલી રહ્યા છીએ પરંતુ લોકોની માનસિકતા? એ કોણ બદલશે? કદાચ એ પણ બદલાશે પરંતુ રોજગાર તો પાયાની વાત છે. સંસ્કાર,સંસ્કૃતિના મૂલ્યો જાળવીને તમામ નાનામોટા કામ જાતે કરતો પુરુષ જો આર્થિક રીતે ઘર ચલાવવામાં નષ્ફળ જાય તો એનામાં રહેલા તમામ ગુણોનું મૂલ્ય શું? સમાજ બદલાયો છે અને માનસિકતા પણ. શિક્ષણ પદ્ધતિ ચોક્કસ બદલાવ માંગે છે પણ સાથે જીવવા માટે જરૂરી અર્થોપાર્જનથી દૂર લઈ જતું શિક્ષણ નવી સમસ્યા સર્જે એ સંભવ છે.
દેશને જરૂર છે શિક્ષણની સાથે માનસિક બદલાવની. ઓછી આવક અને નીચું જીવનધોરણ આજના સમયમાં શક્ય નથી . આજે સારી લાગતી આવી શાળાઓ આવતીકાલે રોજગારના પ્રશ્નો ન સર્જે એ પણ આપણે વિચારવું રહ્યું.
મિરર ઇફેક્ટ :
ગુરૂકુળ પ્રકારની શિક્ષણપ્રથા કદાચ નૈતિક રીતે ઉત્તમ સમાજની રચના કરી શકે પરંતુ અર્થોપાર્જનના મુદ્દાની અવગણના દેશના અન્ય પ્રશ્નો ચોક્કસપણે વધારશે.