કચ્છના પાંચ શખ્સોને એરગન,છરી અને બેઝબોલના ધોકા સાથે ધરપકડ કરી :લગ્ન સમયે આપેલા રૂા.૩ લાખ પરત આપવાના બહાને લઇ જઇ રૂા.૪ કરોડની ખંડણી પડાવવા કારસો ઘડયો

શહેરના ૧૫૦ ફુટ રીંગ રોડ પર બીગ બજાર પાછળ ગુરૂદેવ પાર્કમાં રહેતા અને ઇન્દિરા સર્કલ પાસે પી.પટેલ આંગડીયા પેઢીના સંચાલકને કચ્છના ગાંધીધામ ખાતે આંગડીયા પેઢીના સંચાલક સાથે છ વર્ષ પહેલાં રૂા.૧૪ લાખના હિસાબના ગોટાળાના પ્રશ્ર્ને ચાલતા વિવાદ અને લગ્ન પસંગે આપેલા રૂા.૩ લાખની ઉઘરાણીના પ્રશ્ર્ને પાંચ શખ્સોએ અપહરણ કરી રૂા.૪ કરોડની ખંડણી પડાવવા માર મારી રહ્યા હત ત્યારે જામનગરના મહિલા કોન્સ્ટેબલના ધ્યાને આવ્યા બાદ પંચકોષી બી ડિવિઝન પોલીસની મદદથી પાંચેય શખ્સોને ઝડપી અપહૃત આંગડીયા પેઢીના સંચાલકને મુક્ત કરાવ્યો છે. પોલીસે પાંચેય શખ્સો પાસેથી એરગન, છરી અને બેઝબોલના ધોકા કબ્જે કર્યા છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગુરૂદેવ પાર્કમાં રહેતા અને ઇન્દિરા સર્કલ પાસે પી.પટેલ આંગડીયા પેઢી ધરાવતા સંજયભાઇ રવજીભાઇ કાચરોલા નામના પટેલ યુવાને ભૂજના ભરતસિંહ રણજીતસિંહ જાડેજા, દિવ્યશ દિલીપ સાદિયા, ગીરીરાજસિંહ જગુભા વાઘેલા, સફુર આમદ પલેજા અને જામજોધપુરના અક્ષય નાથા હેરમા નામના શખ્સોએ ખંડણી પડાવવા રાજકોટથી અપહરણ કરી ભાટીયા લઇ જઇ રહ્યા હોવાની પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

સંજય પટેલ સમગ્ર સૌરાષ્ટ્ર-ગુજરાતના મોટા શહેરોમાં અંગડીયા પેઢી ધરાવે છે. ગાંધીધ્રામ ખાતેની આંગડીયા પેઢી ભરતસિંહ રણજીતસિંહ જાડેજા સંભાળતા હતા તેઓ ૨૦૧૨માં ક્રિકેટના સટ્ટામાં મોટી રકમ હારી જતા આંગડીયા પેઢીની રકમની ઉચાપત કરી હોવાતી બંને વચ્ચે વિવાદ થતા ભરતસિંહ જાડેજાને આંગડીયા પેઢીમાંથી છુટા કરી દેતા તેને ગાંધીધામ ખાતેની આંગડીયા પેઢીના કર્મચારીઓને ધમકાવવાનું શરૂ કરતા ભરતસિંહ જાડેજાથી બચવા આંગડીયા પેઢીનું નામ બદલી નાખ્યું હતુ અને તેના ભાઇ વિરેન્દ્રસિંહને માસિક રૂા.૪૦ હજાર પગારથી નોકરીએ રાખ્યા હતા તેમ છતાં તેઓ અવાર નવાર ધાક ધમકી દેતા હતા.

ભરતસિંહ જાડેજાએ લગ્ન પ્રસંગમાં રૂા.૩ લાખ માગતા તેને ઉછીના આપ્યા હતા તેની અવાર નવાર ઉઘરાણી કરવા છતાં તેઓ પરત આપતા ન હતા અને ગઇકાલે સવારે ભરતસિંહ જાડેજા પોતાના સાગરીતો સાથે જી.જે.૧૨ડીજી. ૫૮૫૯ નંબરની કાર લઇને રાજકોટ આવ્યા હતા અને તેઓને ભાટીયા બોકસાઇડની ખાણેથી લઇને રૂા.૩ લાખ પરત આપી દેશે તેમ કહી સંજયભાઇ પટેલને પોતાની સાથે આવવાનું કહેતા તમામે હોટલમાં ચા-પાણી અને નાસ્તો કરી કારમાં ભાટીયા જવા નીકળ્યા બાદ જામનગર બાયપાસ પર ઢેબા ચોકડી પાસે કાર ઉભી રાખી બેઝબોલના ધોકાથી માર મારી રૂા.૪ કરોડની ખંડણી માટે ધમકી દેતા સંજયભાઇ પટેલ પોતાને બચાવવા બુમાબુમ કરી રહ્યા હતા તે દરમિયાન ત્યાંથી મહિલા કોન્સ્ટેબલ ત્યાંથી પસાર થતા તેઓએ સંજયભાઇ પટેલને છોડાવવા પ્રયાસ કરતા પાંચેય શખ્સોએ મહિલા કોન્સ્ટેલને એરગન બતાવી ધમકી દઇ કારમાં સંજયભાઇ પટેલને લઇ ભાટીયા તરફ જવા નીકળ્યા તે દરમિયાન મહિલા કોન્સ્ટેબલે પંચકોષી બી ડિવિઝન પોલીસને જાણ કરતા પી.એસ.આઇ. પરમાર સહિતના સ્ટાફે નાકાબંધી કરી કારને ઝડપી તેમાં રહેલાં પાંચેય શખ્સોને એરગન, છરી અને ધોકા સાથે ધરપકડ કરી આંગડીયા પેઢીના સંચાલક સંજયભાઇ પટેલને મુકત કરાવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.