આઈસીઆઈસીઆઈ બેંકની ૧૪ બ્રાંચ ઉપરાંત તમામ ૬ સિવિક સેન્ટરો ખાતે ફોર્મ વિતરણ શરૂ કરાયું મોટાભાગનાં સેન્ટરો પર લોકોની લાંબી લાઈનો: અનેક સ્થળોએ બબાલ: બંદોબસ્ત માટે પોલીસ ગોઠવવી પડી

the-hassle-of-distributing-the-forms-of-the-housing-scheme-is-as-follows-blows
the-hassle-of-distributing-the-forms-of-the-housing-scheme-is-as-follows-blows

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ સ્માર્ટ ઘર ૧, ૨ અને ૩ અંતર્ગત શહેરમાં અલગ-અલગ જગ્યાએ બનાવવામાં આવનાર ૨૧૭૬ આવાસ માટે આજે સવારથી આઈસીઆઈસીઆઈ બેંકની ૧૪ શાખાઓ પરથી ફોર્મ વિતરણ શરૂ કરતાની સાથે જ ભારે અફરા-તફરી મચી જવા પામી હતી. મોટાભાગની બ્રાંચ પર લોકોની લાંબી લાઈનો લાગી હતી. પરિણામે કોર્પોરેશનનાં તમામ ૬ સિવીક સેન્ટરો ખાતે તાત્કાલિક અસરથી ફોર્મ વિતરણ શરૂ કરવાની ફરજ પડી હતી. શારદાબાગ પાસે આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની શાખામાં ફોર્મ મેળવવા પ્રશ્ર્ને અરજદારો વચ્ચે સામાન્ય મારામારી પણ થઈ હતી. બંદોબસ્ત માટે પોલીસ ગોઠવવાની ફરજ પડી હતી. આગામી ૩૧મી જુલાઈ સુધી ફોર્મ વિતરણ ચાલુ રાખવાનું હોય લોકોને ધીરજ રાખવા મહાપાલિકાનાં પદાધિકારીઓ અને અધિકારીઓ દ્વારા અપીલ કરવામાં આવી છે.

આજે સવારથી આઈસીઆઈસીઆઈ બેંકની ૧૪ બ્રાંચ મારફત સ્માર્ટ ઘર અંતર્ગત બનનાર ૨૧૭૬ આવાસ માટે ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. બેંક ખુલ્લે તે પૂર્વે જ લોકો બેંકની બહાર લાઈનમાં ગોઠવાઈ ગયા હતા. લાઈનમાં ઉભા રહેવા પ્રશ્ર્ને શારદાબાગ નજીક આવેલી આઈસીઆઈસીઆઈ બેંકની શાખા ખાતે અરજદારો વચ્ચે સામાન્ય મારામારી પણ સર્જાય જવા પામી હતી.

સામાકાંઠે પેડક રોડ પર ૪ વોર્ડ વચ્ચે બેંકની એક જ શાખા હોવાનાં કારણે લોકોની કતારો લાગતાં બબાલ સર્જાય હતી. પરીણામે બંદોબસ્ત માટે અહીં પોલીસ બોલાવવાની ફરજ પડી હતી. આઈસીઆઈસીઆઈ બેંકની મોટાભાગની બ્રાંચ પર લોકોની લાંબી કતારો જોવા મળતાં તાત્કાલિક અસરથી કોર્પોરેશન દ્વારા ત્રણેય ઝોન કચેરીનાં સિવીક સેન્ટર ઉપરાંત અમીન માર્ગ, કૃષ્ણનગર અને દેવપરા ખાતે આવેલા સિવિક સેન્ટર પરથી ફોર્મ વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું હતું.

૩૧મી જુલાઈ સુધી ફોર્મ મળશે, લોકો શાંતી જાળવે: મ્યુનિ.કમિશનર

આવાસ યોજના માટેનાં ફોર્મનું વિતરણ થોડા સમય માટે કરવામાં આવનાર છે તેવી અફવામાં ન દોરાવવા મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાની દ્વારા અરજદારોને અપીલ કરવામાં આવી છે. સાથો સાથ એ જણાવવામાં આવ્યું છે કે, ફોર્મનું વિતરણ આગામી ૩૧મી જુલાઈ સુધી ચાલુ રાખવામાં આવશે. આઈસીઆઈસીઆઈ બેંકની ૧૪ શાખા ઉપરાંત આજે ૬ સિવીક સેન્ટર ખાતેથી ફોર્મ વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. લોકો બિનજરૂરી અફરા-તફડી ન મચાવે અને બેંકોની શાખા પર ખોટો ઘસારો ન કરે. નાગરિકો ખુબ જ શાંતીથી અને આરામથી ફોર્મ મેળવે. એક માસ સુધી ફોર્મ વિતરણ અને ફોર્મ સ્વિકારવાની કામગીરી ચાલુ રાખવામાં આવશે.

લેભાગુઓ પાસેથી ફોર્મ મેળવનારનાં ફોર્મ સ્વિકારાશે નહીં: પદાધિકારીઓ

મેયર બીનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન ઉદયભાઈ કાનગડ, બાંધકામ સમિતિનાં ચેરમેન મનિષભાઈ રાડીયા અને હાઉસીંગ કમિટીનાં ચેરમેન જયાબેન ડાંગરે જણાવ્યું છે કે, આજથી પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બનનારા સ્માર્ટ ઘર માટેનાં ફોર્મનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. જે ૩૧મી જુલાઈ સુધી ચાલશે. જે લોકો ફોર્મ મેળવવા કે પરત આપવા માટે ખોટી ઉતાવળ ન કરે. ફોર્મ મેળવવા માટે આધારકાર્ડ સાથે લઈ જવાનું રહે છે. અરજીપત્રક મેળવવા તથા પરત કરવાનાં સ્થળ આઈસીઆઈસીઆઈ બેંક અને સિવીક સેન્ટર છે. લેભાગુ પાસેથી ફોર્મ મેળવવામાં આવશે તો આ ફોર્મ સ્વિકારવામાં આવશે નહીં. કારણકે ફોર્મ આપ્યા બાદ તેનું રજીસ્ટ્રેશન કરવામાં આવે છે.

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.