૪૬ દિવસ દરમિયાન દેશભરમાંથી દોઢ લાખ યાત્રાળુઓએ યાત્રા માટે કરાવ્યું છે રજીસ્ટ્રેશન
હર..હર..મહાદેવ બર્ફિલા બાબાની જય સાથે વંદે માતરમ અને ભારત માતાની જય સાથે અમરનાથ યાત્રા માર્ગ ઉપર પ્રથમ ૨૨૩૪ યાત્રાળુઓનો સંઘ રવાના થઈ ગયો છે. સોમવારથી શરૂ થયેલી અમરનાથ યાત્રાનાં યાત્રાળુઓ દક્ષિણ કાશ્મીરમાં આવેલા હિમાલય પર જવા રવાના થયા હતા. આજથી શરૂ થયેલી અમરનાથ યાત્રામાં ૪૬ દિવસ દરમિયાન દેશભરમાંથી દોઢ લાખ યાત્રાળુઓએ યાત્રા માટે રજીસ્ટ્રેશન કરાવ્યું છે. આ યાત્રા અનંતનાગ જિલ્લાનાં પહેલગામમાં પરંપરાગત ૩૬ કિલોમીટરનાં રૂટ અને ૧૪ કિલોમીટરનાં રસ્તેથી શરૂ થવા પામી છે. જમ્મુ-કાશ્મીરનાં રાજયપાલનાં સલાહકાર કે.કે.શર્માએ લીલીઝંડી બતાવી ૯૩ વાહનો સાથેનાં જથ્થાને રવાના કર્યા હતા. ભગવતીનગર બેઈઝ કેમ્પમાં કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે શાંતીપૂર્ણ વાતાવરણમાં યાત્રા પુરી કરે તેવી શુભેચ્છા વચ્ચે યાત્રા શરૂ કરવામાં આવી હતી. અમરનાથ યાત્રા સોમવારથી કાશ્મીરનાં બે અલગ-અલગ રૂટ ઉપરથી શરૂ થવા પામી છે અને ૧૫મી ઓગસ્ટ અને રક્ષાબંધન પર્વ સુધી આ યાત્રા ચાલશે. યાત્રાનાં પ્રથમ સંઘમાં ૧૭ બાળકો સહિત ૨૨૩૪ યાત્રાળુઓ બાલતાલ બેઈઝ કેમ્પ તરફ રવાના થયા હતા.
૧૩૦ મહિલાઓ, ૭ બાળકો સહિતનાં ૧૨૨૮ યાત્રાળુઓ પહેલગામનાં રસ્તે રવાના થયા હતા. ૧૦૦૬ ભાવિકોમાં ૨૦૩ મહિલાઓ અને ૧૦ બાળકો સાથે સેવકોએ બાલતાલ તરફનાં રૂટ ઉપર યાત્રા શરૂ કરી હતી. સાંજ સુધીમાં બંને બેઈઝ કેમ્પો પર પહોંચનારા સંઘ કેમ્પમાં રાતવાસો કરશે અને સવારે ફરીથી સંપૂર્ણપણે બરફથી નિર્મિત શિવલીંગનાં હિમાલય પર ચઢવાનું શરૂ કરશે. યાત્રાળુઓની સલામતી માટે આરંભ અને અંતનાં તમામ રૂટ ઉપર સુરક્ષાનાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે. ગત વર્ષે ૨,૮૫,૦૦૦ યાત્રાળુઓએ બર્ફિલાબાબાનાં દર્શન કર્યા હતા. જયારે ૨૦૧૫માં સાડા ત્રણ લાખથી વધુ યાત્રાળુઓએ દર્શન કર્યા હતા. સીઆરપીએફનાં આઈ.જી. એ.વી.ચૌહાણે જણાવ્યું હતું કે, સમગ્ર રૂટ ઉપર અને તમામ વિશ્રામ ગૃહોમાં યાત્રાળુઓ માટે સંપૂર્ણ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. કાશ્મીરીઓની યાત્રાળુઓની મહેમાનગતિ માટે ખુબ જ જાણીતા છે ત્યારે યાત્રામાં જોડાયેલા પશ્ર્ચિમ બંગાળનાં સરસ્વતી મજમુદાર ૧૩મી વખત યાત્રા કરી રહ્યા છે. ચંદીગઢનાં સૈનિકો, મહારાષ્ટ્રનાં નરસિંહગીરી સહિતનાં યાત્રાળુઓ ઉત્સાહભેર યાત્રામાં જોડાયા છે. સાથોસાથ તમામ લોકોએ વ્યવસ્થા અને સલામતીની તકેદારી અંગે સંતોષ વ્યકત કરી જણાવ્યું છે કે, સંગીન વ્યવસ્થા અને જવાનોની ચાપતી નજરથી ભાવિકોને સલામતીનો પુરો ભરોસો છે અને નિર્ભય વાતાવરણમાં પણ તેઓ યાત્રાનો આનંદ મેળવશે.