ઇરાન વેપાર, 5G ટેકનોલોજી અને સંરક્ષણ ક્ષેત્રે અમેરિકાનો હકારાત્મક અભિગમ ઇચ્છે છે!
જી-૨૦ દેશોની બેઠક હાલ જાપાનનાં ઓસાકા ખાતે યોજાઈ રહી છે ત્યારે વડાપ્રધાન મોદી અને અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે પરસ્પર રીતે વ્યાપાર વ્યવસ્થાની વિસંગતતાનાં દ્વિ-પક્ષીય ઉકેલ માટે સહમતી સ્વિકારવામાં આવી હતી. અમેરિકાને ભારતનાં વ્યાપાર, વ્યવહાર વધુ વિસ્તારવાની દિશામાં મહત્વનાં પગલા અન્વયે બંને દેશોનાં વેપાર મંત્રી પિયુષ ગોયલ અને રોબોટ લાઈટહિઝર આવનારા સપ્તાહમાં સત્તાવાર રીતે મળશે અને આ અંગે ચર્ચા-વિચારણા પણ કરશે. નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા આ મુલાકાતમાં વિશ્ર્વહિતમાં ઉત્પાદન અને વ્યાપાર-વાણીજયને વધુ સબળ બનાવવા અનેકવિધ નીતિઓને લઈ આગળ વધવાનો અભિગમ અપનાવાયો હતો. ૨૦૧૭ બાદ સૌપ્રથમ વખત બંને નેતાઓ એક સાથે બેસીને આ મુદાઓનાં ઉકેલ માટે સકારાત્મક અભિગમ અપનાવ્યો હતો.
વિશ્ર્વ આખાને ખબર છે કે, હાલ અમેરિકા અને ચીન વચ્ચે ટ્રેડવોર ચાલી રહ્યો છે. સાથો સાથ ઈરાનની પણ સ્થિતિ ખુબ જ જટીલ બનતી જતી હોય તેવું લાગી રહ્યું છે પરંતુ કયાંકને કયાંક અમેરિકા ઈરાન સામેનું કુણુ વલણ દાખવતું હોય તેવું લાગી રહ્યું છે. વડાપ્રધાન મોદીએ ઈરાન, ૫-જી ટેકનોલોજી, સંરક્ષણ, વેપારો અને ટ્રમ્પનાં વ્યકિતગત પત્રનો ઉલ્લેખ સાથે બીજા દેશો વચ્ચે પરસ્પર સંબંધો અંગે ચર્ચા કરી હતી જેમાં ખાસ કરીને અમેરિકાએ પોતાનાં માલ ઉપર નાખેલા કર હટાવવાની માંગ સાથે વિનંતી પણ કરી હતી. ટ્રમ્પનાં સલાહકારે આ બેઠકની ફળશ્રુતીમાં ડોનાલ્ડ ટ્રમ્પનાં હકારાત્મક અભિગમને આગામી દિવસાથેમાં મહત્વની જાહેરાતોનો નિર્દેશ આપ્યો હતો. સાથો સાથ ટ્રમ્પે વડાપ્રધાનને વધુ જનાધાર મેળવીને પુન: સત્તા પ્રાપ્ત કરવા અંગે અભિનંદન પણ પાઠવ્યા હતા. બંને નેતાઓએ અર્થતંત્રને ઉંડાણપૂર્વકની મજબુતી, વેપાર, ઉર્જા, સંરક્ષણ, સુરક્ષા, આતંકવાદ અને અવકાશ સંશોધન ક્ષેત્રે ભારત-અમેરિકાનાં સંયોગની પણ ચર્ચા કરી હતી. ઓસાકા ખાતે નરેન્દ્ર મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પની ફળશ્રુતી અંગે વિદેશ સચિવ વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, ઈરાન પરનાં અમેરિકાનાં પ્રતિબંધ અંગે ભારતને ઉર્જાક્ષેત્રે વધારાની કિંમતો અને મોંઘા ભાવનું તેલ ખરીદવાની પરિસ્થિતિનાં કારણે અર્થતંત્ર પર ભારણ આવવાનું છે. જે અંગે મહત્વની ચર્ચા પણ કરવામાં આવી હતી. નરેન્દ્ર મોદીએ ડોનાલ્ડ ટ્રમ્પને જણાવ્યું હતું કે, ભારત પરસીયન અખાતમાં શાંતી અને સ્થિરતાનું હિમાયતી છે અને થઈ રહેલા ઘર્ષણ નિવારવા ભારત આશાવાદી પણ એટલું જ છે. ભારતે ઓમાનનાં દરિયામાંથી તેલ જહાજોનાં આવાગમન અંગેની પણ ચર્ચા કરી હતી. સાથોસાથ અમેરિકા અને સાઉદી અરેબીયામાંથી તેલની આયાતની પણ ચર્ચા કરવામાં આવી હતી.
૫-જી ટેકનોલોજી, આઈ.ટી.ક્ષેત્રનો વિકાસ અને વેપાર માટેની ચર્ચાઓ પણ કરવામાં આવી હતી. વિજય ગોખલેએ જણાવ્યું હતું કે, અમેરિકા સાથે એસ.૪૦૦ ખરીદી જેવા મહત્વનાં મુદાઓમાં બંને નેતાઓએ મોટા મને ઉંડાણપૂર્વકની ચર્ચા કરી હતી અને આ બેઠકને પરિણામલક્ષી પણ બનાવવામાં આવી હતી. ભારત અને અમેરિકા વચ્ચે જે બેઠક ઓસાકા ખાતે યોજાઈ હતી તેમાં એ વાતની પણ પુષ્ટિ થઈ રહી છે કે, યુ.એસ.ને જે ભારત સાથેનું ટ્રેડનું ટેન્શન વધી રહ્યું હતું જાણે તેનું નિરાકરણ મળી ગયું હોય તેવું પણ સ્પષ્ટ થઈ રહ્યું છે.