ખાનગી કોલેજોમાં NOCન અપાતા વિદ્યાર્થીઓમાં રોષ
વિદ્યાર્થીઓ જ્યારે કોલેજમાં એડમીશન લે ત્યારે બાયંધરી પત્ર લખાવી લેવાય છે કે, ‘૩ વર્ષ સુધી અન્ય કોલેજમાં ટ્રાન્સફર નહીં મળે’
કોલેજ ટ્રાન્સફર માટે NOCની મુશ્કેલી છતાં કુલપતિ-ઉપકુલપતિ નથી કરતા કોઈ કાર્યવાહી
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાંથી અન્ય કોલેજમાં ટ્રાન્સફર માટે NOC ન અપાતા વિદ્યાર્થીઓમાં આંતરીક રોષ ફાટી નીકળ્યો છે. જૂનાગઢની નરસિંહ મહેતા યુનિવર્સિટીએ કોલેજ ટ્રાન્સફર માટે NOCનો નિયમ દૂર કર્યો છે ત્યારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી આ પ્રકારનો નિર્ણય શા માટે ન લઈ શકે તેઓ સવાલ અહીં ઉપસ્થિત થયો છે.
તાજેતરમાં જ જૂનાગઢની ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા પરિપત્ર જારી કરવામાં આવ્યો છે કે યુનિવર્સિટી સંલગ્ન કોલેજોમાં કોલેજ ટ્રાન્સફર કરવા ઇચ્છુંક વિદ્યાર્થીએ NOC( નો ઓબજેક્શન સર્ટિફિકેટ) મેળવવાનું રહેશે નહીં અને કોલેજ દ્વારા પણ તેની માંગણી કરવી નહીં ત્યારે આખા સૌરાષ્ટ્રમાં જૂનાગઢ યુનિવર્સિટી એવી પ્રથમ યુનિવર્સિટી બની છે કે જેને કોલેજ ટ્રાન્સફર માટે NOCનો નિયમ દૂર કર્યો છે ત્યારે રાજ્યની પ્રથમ એ ગ્રેડ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં એન.ઓ.સીનો નિયમ દૂર થયો નથી.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન ખાનગી કોલેજોમાં જ્યારે વિદ્યાર્થી પ્રથમ વર્ષે સ્નાતક અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવે ત્યારે જ વિદ્યાર્થી પાસેથી બાયંધરી પત્ર લખાવી લેવાય છે કે , ’ ૩ વર્ષ સુધી અન્ય કોલેજમાં ટ્રાન્સફર નહીં મળે’. હાલ મોટાભાગની ખાનગી કોલેજોના સંચાલકો છાત્રોને એન.ઓ.સી ન આપી દાદાગીરી કરી રહ્યા છે. તેમાંથી કેટલાક સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સિન્ડિકેટ અને સેનેટ સભ્યો પણ છે જેને લીધે કુલપતિ ડો. નીતિન પેથાણી અને ઉપકુલપતિ ડો.વિજય દેસાણી ઘોર બેદરકારી દાખવી વિદ્યાર્થીઓના પ્રશ્ન દૂર કરવાને બદલે માનીતા કોલેજ સંચાલકોને છાવરવાનું કૃત્ય કરી રહ્યા છે.
કોલેજના વિદ્યાર્થીઓને અન્ય કોલેજમાં ટ્રાન્સફર થવા માટે એન.ઓ.સી ન મળતું હોવાના પ્રશ્ન બાબતે કુલપતિ અને ઉપકુલપતિ માહિતગાર છે તેમ છતાં પણ કોઈ નિર્ણય લેતા નથી જેથી વિદ્યાર્થીઓની એકજ માંગ છે કે કોલેજ ટ્રાન્સફર માટે એન.ઓ.સીનો નિયમ દૂર કરવામાં આવે.