પાકિસ્તાને ન્યુઝીલેન્ડને ૬ વિકેટે આપી મ્હાત: પાક.ની સેમીફાઈનલમાં પહોંચવાની આશા જીવંત
૨૦૧૯ વિશ્વકપમાં અનેકવિધ ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યાં છે. ત્યારે સેમીફાઈનલમાં પહોંચવા માટે જે ટીમો છે તે પણ ખૂબજ મહેનત કરી રહી છે. ત્યારે પાકિસ્તાન જે રીતે ટૂર્નામેન્ટમાંથી બહાર ફેંકાઈ જવાની આશા સેવવામાં આવતી હતી તેના પર જાણે પૂર્ણ વિરામ મુકવામાં આવ્યો હોય તેવું પણ લાગી રહ્યું છે. વાત એવી પણ સામે આવે છે કે, ૧૯૯૨ના વિશ્વકપમાં જે રીતે પાકિસ્તાન લીગમાંથી આઉટ થવાની ભીતિમાંથી બહાર નીકળી જે રીતે વિશ્વકપ ઈમરાન ખાનની સુકાનીમાં જીત્યો હતો તેવી જ સ્થિતિનું નિર્માણ શું ૨૦૧૯ના વિશ્વકપમાં થશે કે કેમ ? એ પણ જોવાનું રહ્યું.
૧૯૯૨ અને ૨૦૧૯ના વિશ્વકપમાં પાકિસ્તાન માટે ઘણી સમાનતા જોવા મળી રહી છે ત્યારે તે જોતા પાકિસ્તાનના ક્રિકેટપ્રેમી અને ક્રિકેટરસીકોમાં એ વાત સામે આવે છે કે પાકિસ્તાનની ટીમ ફિનીકસ પક્ષીની જેમ ૧૯૯૨માં થયેલી જીતનું પુનરાવર્તન ફરી ૨૦૧૯માં કરશે. ત્યારે પાકિસ્તાન અને ન્યુઝીલેન્ડ સામે મેચમાં જે રીતે પાકિસ્તાને છ વિકેટે જીત હાંસલ કરી તે જોતા એ વાત સ્પષ્ટ થઈ રહી છે કે, પાકિસ્તાન સેમીમાં પહોંચવાની આશા હજુ પણ જીવંત છે.
ન્યુઝીલેન્ડે પ્રથમ દાવમાં ૬ વિકેટ ગુમાવી ૨૩૭ રન કર્યા હતા જેમાં જેમ્સ નિસમે ૯૭ રન અને કોલીન્ડી ગ્રાન્ડહોમે ૬૪ રન કર્યા હતા. ત્યારે ૨૩૮ના લક્ષ્યનો પીછો કરવા ઉતરેલી પાકિસ્તાની ટીમે ૫ બોલ બાકી રહેતા મેચ જીતી હતી. જેમાં હરીશ સોહેલે ૬૮ રન નોંધાવ્યા હતા. જેમાં બાબર આઝમે પોતાની કેરીયરની સર્વશ્રેષ્ઠ ઈનીંગ રમતા ૧૨૭ બોલમાં ૧૧ ચોગ્ગાની મદદથી ૧૦૧ રન બનાવી નાબાદ રહ્યો હતો. તેને મેન ઓફ ધ મેચ તરીકે પણ ઘોષીત કરવામાં આવ્યો હતો.
વર્લ્ડકપની ૩૩મી મેચમાં ન્યુઝીલેન્ડને ૬ વિકેટે પરાજય આપતા પાકિસ્તાન ૭ મેચમાં ૭ પોઈન્ટ મેળવ્યા છે. ત્યારે આગામી ૨ મેચ કે જે પાકિસ્તાન, અફઘાનિસ્તા અને બાંગ્લાદેશ સામે રમશે. જો તેમાં પાકિસ્તાન જીતવામાં સફળ થાય તો તે સેમીફાઈલમાં પહોંચી જશે.
હાલ ન્યુઝીલેન્ડ ૭ મેચમાં ૧૧ પોઈન્ટ છે ત્યારે તેને ઓસ્ટ્રેલીયા અને ઈંગ્લેન્ડ સામે બાકી રહેલી બે મેચમાંથી એક મેચ જીતવી ફરજીયાત છે અને તે બન્ને મેચ હારે તો જો અને તો જેવી સ્થિતિનું નિર્માણ થશે. પાકિસ્તાન તરફથી શાહીન આફ્રીદીએ ૩ વિકેટ ઝડપી હતી જ્યારે સાદાબ ખાન અને મોહમદ આમીને ૧-૧ વિકેટ લીધી હતી.
પાકિસ્તાન જયારે લક્ષ્યાંકને હાંસલ કરવા ઉતર્યું ત્યારે ક્વિઝ તરફથી લોકી ફર્ગ્યુશન, ટ્રેન્ટ બોલ્ટ અને કેન વિલ્યમશને ૧-૧ વિકેટ ઝડપી હતી. ત્યારે એ વાત સ્પષ્ટ છે કે બાકી રહેતા વિશ્વકપના મેચો અતિ રોમાંચક બની રહેશે.