યોગ એ એક પ્રાચીન શારિરીક, માનસિક અને આધ્યાત્મિક પ્રણાલી છે. સમગ્ર વિશ્વને યોગની ભેટ આપનાર બીજું કોઈ નહિ પણ આપણો ભારત દેશ છે. યોગ શબ્દ સંસ્કૃતની યુજ અધાતુમાંથી મળે છે. જેનો અર્થ જોડાણ કરવું કે એક કરવું થાય છે. યોગ એ શરીર અને આત્મના જોડાણનો પ્રતિક છે. યોગ એ આધ્યાત્મિક શિસ્ત છે. આજે યોગ એ સમગ્ર વિશ્વમાં જુદા-જુદા સ્વરૂપે કરાય છે અને તેની લોકપ્રિયતા પણ દિન-પ્રતિદિન વધી રહી છે.યોગ એ સદીઓથી ચાલી આવતી આપણી ભારતીય સંસ્કૃતિનો એક ભાગ છે. હિંદુ, બૌદ્ધ અને જૈન ધર્મમાં યોગને ધ્યાનાવસ્થા સાથે જોડવામાં આવેલ છે.
ભારતના માનનીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ સૌપ્રથમ સંયુક્ત રાષ્ટ્રની સભામાં યોગ વિશે ચર્ચા કરી હતી. ૨૧મી જૂનનો દિવસ એ ઉત્તરીય ગોળાર્ધમાં સૌથી લાબો દિવસ છે અને આ જ કારણે પ્રધાનમંત્રી મોદીએ ૨૧મી જૂન ને વિશ્વ યોગ દિવસ મનાવવા માટે સૂચન કર્યું. ત્યારબાદ, આ બાબતે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા ઠરાવ પસાર કરવામાં આવ્યો જેમાં દુનિયાના મોટા ભાગના દેશોએ સહમતિ દર્શાવી અને વર્ષ ૨૦૧૫ થી ૨૧ મી જૂન એ વિશ્વ યોગ દિવસ તરીકે મનાવવાનું નક્કી થયું.
આ સંદર્ભે આ વર્ષે ૨૧મી જુને યોગગુરૂ સ્વંયમ યોગ કરશે. આ પ્રસંગે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી તેમજ અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં અંદાજે ૩.૫ લાખથી વધુ લોકો યોગ માટે જોડાશે. બાબા રામદેવ અમદાવાદના જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે ભવ્ય યોગ શિબિર કરશે અને એક સાથે યોગ કરીને વિશ્વ વિક્રમ સ્થાપિત કરશે. સ્વસ્થ ગુજરાત સમૃદ્ધ ગુજરાત બનાવવા લોકો કટિબદ્ધ બનશે.
આ સાથે રાજ્યના દરેક જિલ્લા તથા તાલુકા મથકોએ પણ એકઠા થઈ લોકો યોગ કરશે. લોકોને શારીરિક, માનસિક અને બૌદ્ધિક સ્વાસ્થ માટે યોગને રોજિંદા જીવનમાં અપનાવવા માટે અપીલ કરવામાં આવે છે. યોગ એ આપણા જીવનમાં હકારાત્મક પરિવર્તન લાવી આપણા સુખી જીવનના સ્તરને સુધારવાનું કાર્ય કરે છે.