કેન્દ્ર સરકારના સ્માર્ટ સિટી અને અમૃત મિશનની રાજકોટનાં વિકાસલક્ષી પરિવર્તનમાં અતિ મહત્વની ભૂમિકા
કેન્દ્ર સરકારનાં દુરંદેશીપૂર્ણ બની રહેલી બે મહત્વપૂર્ણ મિશન એટલે “સ્માર્ટ સિટી મિશન” અને “અમૃત મિશન”. ભારતના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ તા.૨૪-૬-૨૦૧૫ નાં રોજ “અમૃત મિશન” (Atal Mission for Rejuvenation and Urban Transformation-AMRUT) અને તા. ૨૫-૬-૨૦૧૫ નાં રોજ “સ્માર્ટ સિટી મિશન” લોન્ચ કરી દેશ માટે આધુનિક પ્રગતિ અને દેશવાસીઓની સુખાકારીમાં વૃદ્ધિ માટેના દ્વાર ખોલી આપ્યા હતાં. આ બંને મિશન લોન્ચ થયા તેને આજે ચાર વર્ષ પૂર્ણ થયા છે. રાજકોટ શહેર પણ આ બંને મિશનના પરિણામોનું સાક્ષી બન્યું છે. ભૂતકાળનું રાજકોટ હવે મોડર્ન જમાના સાથે કદમ મિલાવી રહયું છે. શહેરમાં વિવિધ સેક્ટરમાં કરોડો રૂપિયાના જુદાજુદા પ્રોજેક્ટસ રાજકોટ મહાનગરપાલિકાએ હાથ ધર્યા છે. છેલ્લા ચાર વર્ષમાં રાજકોટનાં વિકાસલક્ષી પરિવર્તનમાં અને શહેરની સૂરત બદલાવવામાં સ્માર્ટ સિટી મિશન અને “અમૃત” મિશનની અતિ મહત્વની ભૂમિકા રહી છે. કેન્દ્ર સરકાર તરફથી આ બંને મિશન હેઠળ કરોડો રૂપિયા ફાળવવામાં આવી રહયા છે, જેના ફળ સ્વરૂપે નાગરિકોના જીવનધોરણમાં ઝડપભેર પ્રગતિલક્ષી બદલાવ આવી રહયો છે. લોકોની સુખાકારીમાં વૃદ્ધિ થઇ રહી છે. વહીવટી તંત્ર પણ વધુ ને વધુ સાધન સંપન્ન થતા લોકહિતના કાર્યોને પણ નોંધપાત્ર વેગ પ્રાપ્ત થઇ રહયો છે, તેમ મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું.
મ્યુનિ. કમિશનર શ્રે બંછાનિધિ પાનીએ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા ચાર વર્ષમાં “અમૃત મિશન” અને “સ્માર્ટ સિટી મિશન” હેઠળ હાથ ધરવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટસની પ્રગતિ અંગેની માહિતી જાહેર કરતા એમ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા સ્માર્ટ સીટી પ્રપોઝલ રજુ કર્યા બાદ સ્માર્ટ સિટી મિશન અન્વયે તા.૨૩/૦૬/૨૦૧૭ના રોજ કેન્દ્ર સરકારે જાહેર કરેલા વધુ ૩૦ શહેરોની યાદીમાં રાજકોટ શહેરનો સમાવેશ થયો હતો, અને તેને અત્યારે બે વર્ષ પૂર્ણ થયા છે ત્યારે માત્ર આટલા ટુંકા સમયગાળામાં જ રાજકોટ શહેર વિવિધ પ્રોજેક્ટ્સની પ્રગતિનું સાક્ષી બની ચૂક્યું છે.
કમિશનર વિશેષમાં ઉમેર્યું હતું કે, “સ્માર્ટ સિટી મિશન” અને “અમૃત મિશન” હેઠળ રાજકોટમાં વિવિધ સેક્ટર જેવા કે, પીવાનું પાણી, ડ્રેનેજ, ગાર્ડન, જાહેર પરિવહન, સેઈફ એન્ડ સિક્યોર રાજકોટની થીમ સાથેનો રાજકોટ આઇ-વે પ્રોજેક્ટ, “સેવોત્તમ” પ્રોજેક્ટ, અટલ સરોવર, ન્યુ રેસકોર્સ, ઉપરાંત રોબસ્ટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર વગેરે સેક્ટરમાં નોંધપાત્ર કામો થયા છે અને અનેક કામો થઇ રહયા છે. આ સિલસિલો ભવિષ્યમાં પણ આગળ ધપતો રહેશે અને રાજકોટ શહેર એક નમૂનેદાર સ્માર્ટ સિટી બનીને ઉભરી આવશે એવી આશા વ્યકત કરી હતી.