મુખ્યમંત્રીએ બલિદાન દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીને આપી ભાવાંજલિ: કટોકટીના કાળા દિવસોની સંઘર્ષ ગાથાઓની કાર્યકરોને વાકેફ કર્યા
રાજયના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ વડોદરા ખાતે જણાવ્યું હતુ કે, કાશ્મીર આપણું કમીટમેંટ છે અને કાશ્મીરને વિશેષાધિકાર આપતી ૩૭૦મી કલમ હટાવવી એ આપણા ચૂંટણી ઢંઢેરાનું વચન છે. તેમણે ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત ભારતીય જનતા પક્ષના કાર્યકરોને ‘હમ લાયે હૈ તૂફાન સે કશ્તી નિકાલ કે’ ની પંક્તિઓ યાદ દેવડાવતા દેશની લોકશાહીને ઉની આંચ નહીં આવવા દઇએ તેવો મક્કમ સંકલ્પ કરવા અનુરોધ કરવાની સાથે દેશ માટે રાજય માટે લોકો માટે સતત જવાબદારીનું ભાન અને ધ્યાન રાખીને કામ કરવાની ભારપૂર્વક ભલામણ કરી હતી.
મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીજીએ વડોદરા મહાનગર ભારતીય જનતા પક્ષ આયોજિત બલિદાન દિવસ-કટોકટી દિવસની ઉજવણી પ્રસંગે ભારતીય જનસંઘના આદ્યસ્થાપક અને કાશ્મીર માટે બલિદાન આપનારા શ્યામાપ્રસાદ મુખર્જીને ભાવસભર અંજલિ આપી હતી. કાશ્મીરને ભારતનો અભિન્ન હિસ્સો બનાવી રાખવા તેમણે આપેલી કુરબાનીની ભૂમિકા આપી હતી.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, શ્યામાપ્રસાદજીના કાશ્મીરમાં થયેલા રહસ્યમય મૃત્યુ પછી દેશમાં જે આંદોલનો થયાં, તેના પરિણામે કાશ્મીરમાં ભારતીય રાષ્ટ્રધ્વજ અને ભારતીય બંધારણનો સ્વીકાર થયો. કાશ્મીરના મુખ્ય પ્રધાનને મળેલો પ્રધાનમંત્રીનો દરજ્જો નાબૂદ થયો અને તે મુખ્યમંત્રી તરીકે ઓળખાયા. શ્યામાપ્રસાદજીએ કાશ્મીરમાં બે નિશાન, બે વિધાન અને બે પ્રધાન નહીં ચલાવવાનો દેશને કોલ આપ્યો હતો. એમણે સંઘર્ષો અને બલિદાનથી એ કોલ સાકાર કરી બતાવ્યો.
મુખ્યમંત્રીએ ઇન્દિરા ગાંધીએ લાદેલી કટોકટી દરમિયાન જાતે ભોગવેલા એક વર્ષના કારાવાસના કઠીન દિવસોનું વર્ણન કર્યું હતુ. તેમણે કટોકટી કાળ દરમિયાન દેશમાં થયેલા અત્યાચારોની વિગતો આપવાની સાથે જણાવ્યું કે, કટોકટી લાદીને ઇન્દિરા ગાંધીએ લોકશાહીની હત્યા કરી હતી., ગળે ટૂંપો દિધો હતો. તેમણે નવી પેઢીને કોંગ્રેસના કાળા કરતૂતોની અને જનસંઘ સહિતના પક્ષોએ તેની સામે લોકશાહીને બચાવવા કરેલા સંઘર્ષોની જાણકારી આપવા પર ભાર મૂક્યો હતો.
મુખ્યમંત્રીએ જણાવ્યું કે, મેં જ્યારે ૧૯૭૭માં પ્રથમવાર સંસદની મુલાકાત લીધી ત્યારે મને થયું હતુ કે, આપણા વિચારોવાળા સાંસદોથી ભરેલી હોય એવી સંસદ એક દિવસ જરૂર બનશે. મને આનંદ છે કે એક ફકીર જેવા ત્યાગી નરેન્દ્રભાઇ મોદીને લોકોએ ખોબલે ખોબલે મત આપ્યા છે. આજે જનસંઘ-ભારતીય જનતા પક્ષના વિચારોને વરેલા સાંસદોથી ભરેલી સંસદની કલ્પના સાકાર થઇ છે.
તેમણે જણાવ્યું કે, આ વખતની લોકસભાની ચૂંટણીઓમાં કાશ્મીરનો પ્રશ્ન મહત્વનો મુદ્દો બન્યો. દેશની જનતામાં ચર્ચા જાગી હતી કે કાશ્મીરને બચાવવું હોય તો નરેન્દ્ર મોદીને પ્રધાનમંત્રી બનાવવા પડે અને એટલે જ લોકોએ ભાજપને ખોબે ખોબે મત આપ્યા છે.
મુખ્યમંત્રીએ મુત્સદીથી દેશને જોડવામાં સરદાર સાહેબની ભૂમિકા અને કાશ્મીરને પેચીદી સમસ્યા બનાવવામાં જવાહરલાલ નહેરૂની જવાબદારીની વિગતવાર જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે, નહેરૂએ અપીઝમેંટ નીતિ અનુસાર કાશ્મીરને ૩૭૦મી કલમની ભેટ આપી હતી. તેમણે શ્યામાપ્રસાદ મુખર્જીના પ્રખર હિન્દુવાદી, દેશભક્ત જીવનની ઝાંખી કરાવી હતી.