નિયતી બ્રાન્ડ દ્વારા પાણીનાં કોઈપણ જાતનાં પરીક્ષણ કે બીએસઆઈની મંજુરી વિના મીનરલ વોટરની બોટલો બનાવાતી હતી: ફુડ લાયસન્સ નંબર પણ બનાવટી: પાણીનો જથ્થો સીઝ
શહેરનાં વોર્ડ નં.૩માં રેલનગર પાસે સંતોષીનગર વિસ્તારમાંથી આજે મહાપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગ દ્વારા બનાવટી મીનરલ વોટર બનાવતું કારખાનું ઝડપી લેવામાં આવ્યું હતું. કોઈપણ જાતનાં પરીક્ષણ કે બીએસઆઈની મંજુરી વિના મીનરલ વોટરનું ઉત્પાદન કરવામાં આવતું હતું. આજે દરોડા દરમિયાન પાણીનાં સેમ્પલ લઈ મીનરલ વોટરનો જથ્થો સીઝ કરી દેવામાં આવ્યો હતો.
આ અંગે પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ આરોગ્ય શાખા સંલગ્ન ફુડ વિભાગને ફરિયાદ મળી હતી કે, સંતોષીનગરમાં રહેતા દિવ્યેશ પી.ભટ્ટ નામનાં વ્યકિત દ્વારા આજીડેમ રીંગ રોડ નજીક રામનગર-૧માં નિયતી બેવર્જીસ નામનું કારખાનું ચલાવવામાં આવે છે જયાં નકલી મીનરલ વોટરનું ઉત્પાદન કરવામાં આવે છે તેવી ફરિયાદનાં આધારે આરોગ્ય શાખા દ્વારા દરોડો પાડવામાં આવ્યો હતો. પેકેજ મીનરલ ડ્રીંકીંગ વોટર બનાવવા માટે સ્થળ પર બોરનાં પાણીનું પરીક્ષણ કરાવવામાં આવતું ન હતું એટલું જ નહીં મીનરલ વોટર બનાવવા માટે ઉત્પાદન કેન્દ્રમાં બીએસઆઈ કે એફએસએસએઆઈનાં નિયમોનું કોઈ જ પાલન કરવામાં આવતું ન હતું. નિયતી બ્રાન્ડનાં નામે ૨૫૦ એમએલ, ૫૦૦ એમએલ અને ૧ લીટરનાં પેકેજનાં પાણીનું ઉત્પાદન કરવામાં આવતું હતું. પાણીની બોટલ પર કોઈપણ જાતની મંજુરી વગરનાં ફુડ લાયસન્સ તથા બીએસઆઈનાં આઈએસઆઈ નંબર દર્શાવી લોકો સાથે છેતરપિંડી કરવામાં આવતી હતી. રોજ ૭૦ થી ૧૦૦ પાણીની બોટલનાં કાર્ટુનનું વેચાણ કરવામાં આવતું હતું. ચેકિંગ દરમિયાન સ્થળ પર પાણીની બોટલનો જથ્થો સીઝ કરવામાં આવ્યો હતો અને સેમ્પલ લઈ પરીક્ષણ અર્થે મોકલવામાં આવ્યા છે.