લસિત મલિંગાએ ૪ વિકેટો ખેડવી લંકાની જીતમાં આપ્યો સિંહફાળો
ટાઇટલ ફેવરિટ ઇંગ્લેન્ડને મેચ જીતવા ૧૦૬ રનની જરૂર હતી અને તેની ૭ વિકેટ હાથમાં હતી. બીજી તરફ શ્રીલંકાની ટીમ હતી જે આ મેચમાં ફાઇટ આપશે તેવી પણ કોઈને ગણતરી ન હતી. જોકે લંકાના અનુભવી બોલર લસિથ મલિંગાએ ઇંગ્લેન્ડના જો રૂટ(૫૭ રન) અને જોસ બટલર (૧૦ રન)ને આઉટ કરીને મેચનું રૂપ બદલી નાખ્યું હતું. તેના આ પ્રદર્શન થકી વર્લ્ડકપની ૨૭મી મેચમાં લીડ્સ ખાતે શ્રીલંકાએ ઇંગ્લેન્ડને ૨૦ રને હરાવ્યું હતું. રૂટના આઉટ થયા પછી ઇંગ્લેન્ડનો અન્ય કોઈ બેટ્સમેન સેટ થઇને ટીમને ફિનિશિંગ લાઈન ક્રોસ કરાવી શક્યો ન હતો. તેમણે ૪૨ રનમાં છેલ્લી ૫ વિકેટ ગુમાવી હતી. લંકા માટે ઓફ સ્પિનર ડી સિલ્વાએ એક જ ઓવરમાં ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને આઉટ કરીને ઇંગ્લેન્ડના લોવર ઓર્ડરની કમર તોડી હતી. ઇંગ્લિશ ટીમ તરફથી ઓલરાઉન્ડર બેન સ્ટોક્સે ૮૯ બોલમાં અણનમ ૮૨ રન કર્યા હતા, પરંતુ તે ઇનિંગ્સ મેચ જીતાડવા પૂરતી સાબિત ન થઇ હતી.
ધનંજય ડી સિલ્વાએ એક જ ઓવરમાં ક્રિસ વોક્સ અને આદિલ રાશિદને આઉટ કર્યા હતા. બંને અનુક્રમે ૨ અને ૧ રને આઉટ થયા હતા. તે પહેલાં જોસ બટલર ૧૦ રને લસિથ મલિંગાની બોલિંગમાં એલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો પરંતુ અમ્પાયરનો નિર્ણય ફેરવી શક્યો ન હતો. જો રૂટ ૫૭ રને લસિથ મલિંગાની બોલિંગમાં ડાઉન ધ લેગ કીપર પરેરાના હાથે કેચ આઉટ થયો હતો. ઓઇન મોરનગ ૨૧ રને ઈસરૂ ઉડાનાની બોલિંગમાં રિટર્ન કેચ આઉટ થયો હતો. ઓપનર જેમ્સ વિન્સ મલિંગાની બોલિંગમાં સ્લીપમાં મેન્ડિસના હાથે કેચ આઉટ થયો હતો. તેણે ૧૮ બોલમાં ૧૪ રન કર્યા હતા. તે પહેલાં જોની બેરસ્ટો શૂન્ય રને લસિથ મલિંગાની બોલિંગમાં અલબીડબ્લ્યુ થયો હતો. તેણે રિવ્યુ લીધો હતો, પરંતુ અમ્પાયર્સ કોલ આવતાં તેને પાછું જવું પડ્યું હતું.