જામનગરથી રિક્ષાની ચોરી કરી રાજકોટમાં લૂંટ ચલાવતો હોવાની કબૂલાત
જામનગરથી રિક્ષાની ચોરી કરી રાજકોટમાં મહિલા મુસાફરને બેસાડી અવાવ‚ જગ્યાએ લઇ જઇ ધાક ધમકી દઇ ઘરેણા અને રોકડની લૂંટ ચલાવતા જંગલેશ્ર્વરના કોળી શખ્સને યુનિર્વસિટી પોલીસે ઝડપી તેની પાસેથી રિક્ષા અને લૂંટ ચલાવેલો મુદામાલ કબ્જે કર્યો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જામનગર રોડ પર આઇઓસી નજીક ગત તા.૩ જૂન અને તા.૬ જૂને મહિલાને રિક્ષા ચાલકે ધાક ધમકી દઇ માર મારી લૂંટ ચલાવ્યાની ગાંધીગ્રામ અને પ્ર.નગર પોલીસમાં ફરિયાદ નોંધાઇ હતી. મહિલાને લૂંટી લેતા રિક્ષા ચાલકને ઝડપી લેવા ડીસીપી કરણરાજ વાઘેલાના માર્ગ દર્શન હેઠળ પ્ર.નગર અને ગાંધીગ્રામ પોલીસ મથકના ડી સ્ટાફ દ્વારા રાજકોટથી જામનગર સુધીના તમામ સીસીટીવી ફુટેજ ચેક કર્યા હતા અને બાતમીદારોને કામ લગાડયા હતા.
દરમિયાન યુનિર્વસિટી પોલીસ મથકના પી.આઇ. કે.કે.ઝાલા, પી.એસ.આઇ. જાડેજાને મળેલી બાતમીના આધારે જામનગરથી રિક્ષા લઇને રાજકોટ આવી રહેલા જંગલેશ્ર્વરના દિલીપ દેવરાજ ચનીયારા નામના કોળી શખ્સ લૂંટના ગુનામાં સંડોવાયો હોવાની મળેલી બાતમીના આધારે યુનિર્વસિટી પોલીસ મથકના ડી સ્ટાફે ઝડપી લીધો હતો.
દિલીપ ચનીયારાની પૂચપરછ દરમિયા તે જંગલેશ્ર્વર શેરી નંબર ૨૩માં રહેતો હોવાનું અને કડીયા કામ કરતો હોવાનું બહાર આવ્યું છે.
દિલીપ ચનીયારાએ જામનગરથી જી.જે.૧એવાય. ૩૫૯૯ નંબરની રિક્ષાની ચોરી કરી રાત્રે મહિલા મુસાફરને લૂંટ કરવાનો હોવાની અને આ પહેલાં તેને પાંચ દિવસમાં બે મહિલાને લૂંટી લીધાની કબૂલાત આપી છે.
ત્રિકોણ બાગ પાસેથી મહિલા મુસાફરને બેસાડી જામનગર રોડ પર આઇઓસી નજીક લઇ જઇ લૂંટી લીધા હતા તેમજ રેલનગર વિસ્તારની મહિલાને પણ લૂંટી લીધાની કબૂલાત આપી છે. દિલીપ ચનીયારાએ જામનગરની સજુબા સ્કૂલ પાસે અને જી.જી.હોસ્પિટલ પાસેથી રિક્ષા ચોરી લૂંટ ચલાવ્યા બાદ રેઢી મુકી દેતો હોવાની આપેલી કબૂલાતના આધારે પોલીસે રિક્ષા કબ્જે કરી છે. તેમજ તેની સામે જામનગરમાં ત્રણ રિક્ષા ચોરીના ગુનાનોંધાયા છે.