ગૌ હત્યા નિષેધના કડક અને અસરકારક કાયદાના ગુજરાતમાં અમલીકરણ બદલ ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રીનું ગૌરવપૂર્ણ સન્માન
ગૌ હત્યા નિષેધના કડક અને અસરકારક કાયદાના ગુજરાત રાજ્યમાં અમલીકરણ બદલ રાજકોટ રાજ્ય ફાઉન્ડેશન અને ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીનું રાજકોટ ખાતે ગૌરવપુર્ણ સન્માન કરવામાં આવ્યું હતું. સૌરાષ્ટ્રના વિવિધ રાજવી પરિવારો આ કાર્યક્રમમાં સહભાગી બન્યા હતા. મુખ્યમંત્રીએ પોતાના અભિવાદનને ગૌ માતાના ગૌરવનું સન્માન ગણાવી જણાવ્યું હતું કે, ગાય માતા ભારત વર્ષની શ્રધ્ધાનું પ્રતિક છે. એ આપણા જીવન સાથે જોડાયેલી પરંપરા છે. આવી ગૌ માતાનું રક્ષણ કરવાની લોકલાગણીને ધ્યાને રાખી રાજય સરકાર દ્વારા ગૌ હત્યા નિષેધનો કડક કાયદો અમલમાં મુકવામાં આવ્યો છે.
આ સંદર્ભમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ જણાવ્યું કે, આવા પ્રકારનો કડક કાયદો અમલમાં મુકનાર ગુજરાત ભારતમાં પ્રથમ રાજ્ય છે. ગૌ હત્યા કરનાર તત્વોને આજીવન કેદ તથા સાંજે ૭ થી સવારના ૭ કલાક દરમ્યાન ગાયોની હેરાફેરી કરનાર વાહનોને રાજ્યસાત કરવાનો નિયમ અમલમાં મુકવામાં આવ્યો છે.
ગૌ રક્ષા માટે શહિદ થયેલા નરબંકા વીર હાથીજી મહારાજ, વીર વચ્છરાજ, કાળાજી ગોહિલનું સ્મરણ કરતાં ‚પાણીએ જણાવ્યું કે, ભુતકાળમાં ગૌ રક્ષા માટે ક્ષત્રીય વીરો પોતાના પ્રાણની આહૂતી આપીને ઇતિહાસના પાને અમર થઇ ગયા છે. ક્ષત્રીયો ધર્મ નિષ્ઠા, સત્ય પરાયણતા, સંસ્કૃતિ રક્ષણના સંસ્કાર ધરાવે છે. આવા ક્ષત્રીય સમાજ દ્વારા મારૂ સન્માન થયું તેથી મારો મારા કર્મ પ્રત્યે વિશ્વાસ વધ્યો છે. ઉજ્જવળ ઇતિહાસને પુન:સ્થાપિત કરવાની જવાબદારી શાસકોની છે એમ મુખ્યમંત્રીએ ઉમેર્યું હતું.
‚પાણીએ કહ્યું કે, રાજય સરકાર દ્વારા ટુંકા સમયમાં ૨૪ કાયદાઓ પ્રજાહિતમાં પારિત કરવામાં આવ્યાં છે. તેમાં પ્રબળ રાજકિય ઇચ્છા શક્તિથી ગૌ હત્યા નિષેધનો કાયદો પસાર કરી મુળભુત ભારતીય માનબિંદુઓને પુન:સ્થાપિત કરવાનો સંદેશો આપ્યો છે.
મુખ્યમંત્રીએ રાજકીય કાવાદાવામાં ગાય માતાની જાહેરમાં હત્યા કરી તેનું માંસ ખાવાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી પશુસંરક્ષણમાં રાજનીતી ન લાવવા ભારપુર્વક જણાવ્યું હતું. ક્ષત્રીય સમાજના વિવિધ સંગઠનો દ્વારા મુખ્યમંત્રીનું ગૌરવપૂર્ણ અભિવાદન કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રીએ ગૌ સંરક્ષણ સાથે જોડાયેલા ક્ષત્રીય પરિવારોનું સન્માન પણ કર્યું હતું.
આ પ્રસંગે શિક્ષણ મંત્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ ગૌ હત્યા વિરોધી કાયદો એ ક્ષત્રિય ધર્મ ગૌ બ્રાહમણ પ્રતિપાલ સલગ્ન હોવાનું જણાવતા રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. ગાયનું ભારતીય સંસ્કૃતિમાં અનન્ય મહત્વ છે તેમજ કડક કાયદાની અમલવારી થકી ગાય સંવર્ધન શક્ય બનશે. ગાયનું વૈજ્ઞાનિક મહત્વ પણ હવે સમગ્ર વિશ્વએ સ્વીકાર્યું છે. ત્યારે, ગુજરાત દ્વારા લાવવામાં આવેલ કાયદો સમગ્ર ભારત માટે પ્રેરણારૂપ બનશે, તેમ મંત્રીશ્રીએ વિશેષમાં જણાવ્યુ હતું.
રાજકોટ રાજવી પરિવારના માંધાતાસિંહજીએ પ્રાસંગિક પ્રવચનમાં જણાવ્યું હતું કે, ગાય એ ભારત દેશની સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. ભારતીય પરંપરા મુજબ ગાયમાં ૩૩ કરોડ દેવતાનો વાસ છે. ગાયનું ધાર્મિક તેમજ વૈજ્ઞાનિક મહાત્મ્ય પણ ખુબ જ છે. ગાયનું છાણ-મૂત્ર કુદરતી ખાતર તરીકે ઉપયોગી છે ત્યારે ગાય સંવર્ધન અંગે વાત કરતા માંધાતાસિંહજીએ જણાવ્યું હતું કે ગીર ગાય વિશ્વભરમાં પ્રચલિત અને સ્વિકાર્ય છે. દરેક પરિવાર ગૌ પાલક બની ગૌ સંવર્ધનમાં સહભાગી બને તેમ અનુરોધ કર્યો હતો.
આ પ્રસંગે સિરોહી રાજસ્થાનના મહારાવ રઘુવીરસિંહે ભારત વર્ષની રાજવી કુળની ઈતિહાસ ગાથા, ગૌ-રક્ષા અને પરંપરા અંગે ઊંડાણમાં વાત રજુ કરી હતી. મહામંડલેશ્વર ભારતીબાપુએ આ તકે સરકાર દ્વારા લેવાયેલ ગૌ રક્ષા કાયદા બદલ અભિનંદન પાઠવી આશીર્વચન પાઠવ્યાં હતાં.
ક્ષત્રિય સમાજ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીના અભિવાદન પ્રસંગે સંતો સર્વેશ્રી શેરનાથ બાપુ, ગોંડલના ઘનશ્યામજી મહારાજ, હરિવલ્લભદાસ સ્વામીજી, અપૂર્વ સ્વામીજી, વિરપુરના રઘુરામ બાપા ઉપસ્થિત રહ્યા હતાં.
આ પ્રસંગે ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજા, આઈ. કે. જાડેજા, રાજ્યમંત્રી જયદ્રથસિંહ પરમાર, સાંસદ મોહનભાઈ કુંડારિયા, ધારાસભ્યો જયરાજસિંહ જાડેજા, ગોવિંદભાઈ પટેલ, ભાનુબેન બાબરિયા, કિરીટસિંહ રાણા, મેયર ડો. જૈમનભાઈ ઉપાધ્યાય, મ્યુ. ફાયનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખભાઇ ભંડેરી, શ્રીમતી અંજલીબેન રૂપાણી, નીતિનભાઈ ભારદ્વાજ, કમલેશભાઈ મીરાણી, વાંકાનેર યુવરાજ કેસરીસિંહજી, વિવિધ સ્ટેટના રાજવી પરિવાર સહીત મોટી સંખ્યામાં ક્ષત્રિય પરિવારના સભ્યો હાજર રહ્યા હતાં.