ભારતનાં આગામી મેચો માટે રોહિતનું પ્રદર્શન બનશે ખુબ જ ઉપયોગી
ભારતનાં ભૂતપૂર્વ સુકાની અને ભૂતપૂર્વ સિલેકટર દિલીપ વેંગ્સરકરે પાકિસ્તાન સામેનાં મેચમાં રોહિત શર્માએ ફટકારી સદીને સર્વશ્રેષ્ઠ અને લાજવાબ ગણાવી હતી. આ તકે દિલીપ વેંગ્સરકરે જણાવ્યું હતું કે, રોહિત શર્મા હાલ ખુબ જ પરીપકવ થઈ ગયો છે અને છેલ્લાં ઘણા સમયથી ક્રિકેટ રમી રહ્યો છે જેનાથી તેનાં અનુભવમાં પણ વધારો જોવા મળ્યો છે. રોહિત વિશ્ર્વનાં નામાંકિત ક્રિકેટરોમાંનો એક છે તે વાતમાં કોઈ જ શંકાને સ્થાન નથી.
ઈન્ડિયન ટેનિસ ક્રિકેટ લીગનાં લોન્ચીંગ સમયે દિલીપ વેંગ્સરકરે જણાવ્યું હતું કે, રોહિતે 140 રનની ઈનીંગ જે રમી હતી તે સર્વશ્રેષ્ઠ અને ભારત માટે ઉપયોગી અને મહત્વપૂર્ણ રહી હતી. શિખર ધવનની અવેજીમાં રોહિત શર્મા સાથે બેટીંગ કરવામાં આવેલા કે.એલ.રાહુલ સાથે એક સારી ભાગીદારી નોંધાવી ટીમને 300 પ્લસ સ્કોર સુધી પહોંચાડવામાં રોહિત શર્માનો ભાગ મહત્વપૂર્ણ રહ્યો હતો. ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ અતિ રોમાંચક હોવાનાં કારણે તેનાં ઓપનર શિખર ધવન ન હોવાનાં કારણે તે કયાંકને કયાંક માનસિક રીતે હારી ગયેલો હોય તેવું માનવામાં આવ્યું હતું પરંતુ તે વાતને ખોટી સાબિત કરતાં રોહિત શર્માએ તેનાં કેરીયરની એક સારામાં સારી ઈનીંગ રમી હતી.
સાઉથ આફ્રિકા સામે પણ રોહિત નાબાદ 122 રન નોંધાવ્યા હતા તે પણ એટલા જ મહત્વપૂર્ણ સાબિત થયા હતા. વેંગ્સરકરે ટીમ ઈન્ડિયાનાં ખેલાડીઓની તારીફ કરતાં જણાવ્યું હતું કે, વર્લ્ડકપ કેમ્પેઈનમાં ભારત જે રીતે હકારાત્મક અભિગમ સાથે રમી રહ્યું છે તે કાબીલે તારીફ છે અને ભારત-પાકિસ્તાન વચ્ચેનો મેચ જે રમાયો તે પણ ખુબ જ રોમાંચક સાબિત થયો હતો. અંતમાં તેઓએ માહિતી આપતાં જણાવ્યું હતું કે, ટીમ માટે વિરાટ કોહલી, રોહિત શર્મા અને કે.એલ.રાહુલ ખુબ જ સારા ફોમમાં ચાલી રહ્યા છે જેથી આવનારા ભારતનાં મેચોમાં તેઓનું પ્રદર્શન ખુબ જ સારું રહેશે અને ટીમને ફાઈનલ સુધી પહોંચાડવામાં ખુબ જ મદદરૂપ થશે. નંબર-4 અને નંબર-5ની પોઝીશન વિશે તેઓએ માહિતી આપતા જણાવ્યું હતું કે, આ પોઝીશન માટે ટીમ દ્વારા યોગ્ય નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી પરંતુ વિજય શંકર જે રીતે પ્રદર્શન કરી રહ્યો છે તે જોતાં બાકીનાં તમામ મેચોમાં તે સારું પ્રદર્શન કરશે તે ખુબ જ ઉપયોગી અને મહત્વપૂર્ણ બની રહેશે.