પર્યાવરણ બચાવવાની ઝુંબેશમાં રાજકોટની હરિવંદના કોલેજનો પ્રથમ પ્રયાસ
હાલ વિશ્વભરમાં દિન પ્રતિદિન વૃક્ષો કપાઈ રહ્યા છે અને પર્યાવરણને ગંભીર અસર પહોંચી રહી છે ત્યારે રાજકોટની હરિવંદના કોલેજે નવા શેક્ષણિક સત્રમાં પ્રવેશ લેતા વિદ્યાર્થીઓને વૃક્ષના છોડનું વિતરણ કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓને પર્યાવરણ બચાવવાની પ્રેરણા પણ અપાઈ હતી.
હાલ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અને સંલગ્ન કોલેજોમાં વિદ્યાર્થીઓના પ્રવેશની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે અને અભ્યાસ શરુ કરી દેવામાં આવ્યો છે ત્યારે રાજકોટ નજીકના મુજકા ગામ પાસે આવેલ હરિવંદના કોલેજ દ્વારા એક ઉત્તમ કાર્ય હાથ ધરવામાં આવ્યું છે જે અંતર્ગત એફ.વાય બી.સી.એ અને બીએસ.સી આઇટીના 500 જેટલા વિદ્યાર્થીઓને વૃક્ષનો છોડ આપી પર્યાવરણ બચાવવાનો સંદેશો પૂરો પાડ્યો હતો.
હરિવંદના કોલેજના સંચાલક સર્વેશ્વરભાઈ ચૌહાણએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, પર્યાવરણ બચાવવુંએ આપણા સૌ કોઈની ફરજ છે અને તેના ભાગરૂપે જ આ વર્ષે હરિવંદના કોલેજ દ્વારા કોલેજ પ્રવેશોત્સવની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે તેના ભાગરૂપે જ વિદ્યાર્થીઓને એક વૃક્ષ આપવામાં આવ્યું છે. આગામી 2 વર્ષમાં આ તમામ વિદ્યાર્થીઓ આ વૃક્ષના નાનકડા છોડને વટવૃક્ષ બનાવવા માટે આહવાન પણ કરાયું છે.
હરિવંદના કોલેજની એફ.વાય.બી.સી.એમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનેએ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, આજે અમારું મો મીઠું કરાવી તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું અને એક વૃક્ષનો છોડ આપવામાં આવ્યો અને સંદેશો આપવામાં આવ્યો કે આ વૃક્ષને ઉછેરી તેમજ તેનું જતન કરી વટવૃક્ષ બનાવો અને પર્યાવરણ બચાવવામાં ફાળો આપો. અને આજના આ કાર્યક્રમથી મને ખુબજ પ્રેરણા મળી છે આ વૃક્ષનું હું જાતે જતન કરી તેનો ઉછેર કરીશ.