ઘેટા બકરાની માફક વિદ્યાર્થીઓને ખીચોખીચ ભરી નિયમોને નેવે મૂકનાર 22 સ્કુલવાન ડીટેઈન: બે દિવસ વાહન ચેકીંગ હાથ ધરાઈ રૂા.50 હજારનો દંડ કરાયો
સુરત શહેરમાં ટયુશન કલાસીસમાં આગ લાગતા 22 વિદ્યાર્થીઓનાં મૃત્યુ નિપજયા બાદ ગુજરાતભરમા તેના ઘેરા પડઘા પડયા હતા અને તમામ શહેરોની મહાનગરપાલીકા અને નગરપાલીકા દ્વારા ખાસ ચેકીંગ હાથ ધરી ફાયર સેફટીના સાધનો અંગે તપાસ હાથ ધરી અનેક ટયુશન કલાસના સંચાલકો સામે કાર્યવાહી કરવામાં આવ્યા બાદ રાજયના આર.ટી.ઓ તંત્રને પણ સરકાર દ્વારા આદેશો કરવામાં આવતા જીવતા બોંબ સમાન વિદ્યાર્થીઓને ઘેટા બકરાની માફક સ્કુલવાનમાં ભરી મોતને આમંત્રણ આપી સ્કુલવાનના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં તંત્ર દ્વારા લાલ આંખ કરવામાં આવી છે.
રાજકોટ શહેરમાં ગઈ તા. 10 જૂનથી તમામ સ્કુલમાં વેકેશન પૂર્ણ થઈ જતા શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યુ હતુ ત્યારે ગુજરાતમાં વાયુ વાવાઝોડાનો ખતરો મંડરાતા રાજય સરકાર દ્વારા સાવચેતીના ભાગ રૂપે અને વાવાઝોડામાં બાળકોને હાની ન પહોચે અને કોઈ સ્કુલ કે શાળામાં કોઈ દૂરઘટના ન સ ર્જાય તે માટે સાવચેતીના ભાગ રૂપે તમામ શાળા સ્કુલ કોલેજોમાં બે દિવસ રજા જાહેર કરવામાં આવી હતી.
ત્યારબાદ શુક્રવારે ‘વાયુ’ વાવાઝોડાનો ખતરો ટળી જતા શનિવારના રોજ ફરી સ્કુલ, કોલેજોમાં શિક્ષણ કાર્ય શરૂ કરી દેવામાં આવ્યું હતુ ત્યારે સ્કુલમાં વિદ્યાર્થીઓ ને લેવા મુકવા જવા માટે સ્કુલવાનનો ઉપયોગ કરતા વિદ્યાર્થીઓની સલામતીનાં ભાગરૂપે શનિવારે સવારથી જ રાજકોટ આર.ટી.ઓ તંત્ર દ્વારા સ્કુલવાનના સંચાલકો સામે લાલ આંખ કરી સઘન વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ.
શહેરમાં અનેક સ્થળોએ આરટીઓની અલગ અલગ ટીમો બનાવી વાહન ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતુ જેમાં મોદી સ્કુલ, પાઠક સ્કુલ, એસએનકે, ક્રિશ્ર્ના સ્કુલ સહિતના વિસ્તારોમાં વિદ્યાર્થીઓને મૂકવા આવતા સ્કુલવાનનું ચેકીંગ આટીઓ દ્વારા હાથ ધરવામા આવ્યું હતુ.
માસુમ ભૂલકા (વિદ્યાર્થીઓ)ને સ્કુલવાનમાં ઘેટા બકરાની માફક ખીચોખીચ ભરી નિકળતા અને નિયમોને નેવે મૂકી એલપીજી, અને સીએનજી ગેરકાયદે કીટ ફીટ કરી સ્કુલવાનનો વ્યવસાય કરતા તત્વો સામે આરટીઓ તંત્ર દ્વારા લાલ આંખ કરી સઘન ચેકીંગ હાથ ધરી શનિવાર અને સોમવારની વહેલી સવારે આરટીઓની ટીમો દ્વારા સ્કુલવાનનું ચેકીંગ હાથ ધરી 32 કેસો કર્યા હતા જેમાં 22 જેટલી સ્કુલવાનને ડીટેઈન કરવામાં આવી હતી. અને 10 જેટલી સ્કુલવાનની સામે કાર્યવાહી કરી રૂા.50 હજારથી વધુનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
સ્કુલવાન ચેકીંગ દરમ્યાન આરટીઓનાં ઈન્સ્પેકટર એ.એ. પરમાર તથા ઈન્સ્પેકટર કે.એમ. સોલંકી સહિતના સ્ટાફે અલગ અલગ ટીમો બનાવી કાર્યવાહી હાથ ધરી શહેરનાં માર્ગો પર જીવતા બોમ્બ સમાન દોડતી અને નાનાનાના ભૂલકાઓનો જીવના જોખમ સમાન 22 જેટલી વાનને ડીટેઈન કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.