દુધ ઉત્પાદકોને રૂા.૨૦ કરોડ ‘મિલ્ક ફાઈનલ ભાવ’ની રકમ ચૂકવવાની જાહેરાત કરતા સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયા
રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ની ૫૮ મી વાર્ષિક સાધારણ સભા જામકંડોરણા ખાતે જિલ્લા કક્ષાની સહકારી સંસ્થાઓનાં સંયુકત ઉપક્રમે ગુજરાત સરકારના કેબીનેટ મંત્રી અને રાજકોટ ડિસ્ટ્રીકટ કો.ઓપ. બેંક લી.ના પ્રમુખ જયેશભાઈ રાદડીયાના પ્રમુખ સ્થાને યોજાયેલ હતી. જેમાં જિલ્લાની વિવિધ સહકારી મંડળીઓ, દુધ મંડળીઓનાં વિશાળ સભાસદોએ હાજરી આપી હતી.
આ ૫૮ મી વાર્ષિક સાધારણ સભા સમક્ષ રાજકોટ જિલ્લા સહકારી દુધ ઉત્પાદક સંઘ લી.ના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ રાજકોટ જિલ્લા દૂધ સંઘનો અહેવાલ અને હિસાબ રજૂ કરતા જણાવ્યું કે સંઘે તેનું ઐતિહાસીક ટર્નઓવર રૂા.૮૪૫ કરોડને સર કરી વાર્ષિક દૂધ ઉત્પાદકોને સરેરાશ રૂા. ૬૩૫નો ભાવ ચૂકવતા એટલે કે ગત વર્ષ કરતા સરેરાશ પ્રતિ કિલોએ રૂા૧૦નો ભાવ વધારે ચૂકવવા છતા રૂા. ૬૫૧ લાખનો ચોખ્ખો નફો કરી ૧૫ ટકા શેર ડિવીડંડ ચુકવવાની જાહેરાત કરી હતી.
સંઘના અધ્યક્ષએ પ્રતિ કિલોએ રૂા.૨૦નો વર્ષના અંતે મિલ્કત ફાઈનલ ભાવ ચૂકવવાની જાહેરાત આજની વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સભાસદો સમક્ષ કરતા જણાવ્યું હતુ કે પ્રતિ કિલો ફેટે રૂા.૨૦ અત્યાર સુધીમાં સંઘે પ્રથમ વખત વધુમાં વધુ રકમ ચૂકવેલ છે. આ મુજબ જિલ્લાનાં ૬૫ હજાર દૂધ ઉત્પાદકોએ રૂા.૨૦ કરોડની રકમ ચૂકવવામાં આવશે. જે સંઘની ઐતિહાસીક સિધ્ધી છે.
સંઘના અધ્યક્ષ ગોવિંદભાઈ રાણપરીયાએ તા.૨૧.૬.૧૯ થી દુધના ખરીદ ભાવમાં પ્રતિ કિલો ફેટે રૂા.૨૦નો વધારો કરી હાલના દૂધના ખરીદ ભાવ રૂા.૬૬૦ સામે રૂા. ૬૮૦ ચૂકવવાનો નિર્ણય આજના નિયામક મંડળમાં કરવામાં આવેલ છે. તેવી જાહેરાત કરેલ છે. આ ઉપરાંત સંઘે દુધ ઉત્પાદકોને મદદરૂપ થવા માટે અમૂલ પાવરદાણની ૫૦ કિલોની બેગ ઉપર રૂા.૧૨૦ની સહાય ચૂકવવાનો નિર્ણયની જાહેરાત કરેલ હતી. આ નિર્ણયથી સંઘને માસીક રૂા.૨૦ થી ૨૫ લાખની સહાય અંદાજીત ચૂકવવાની થશે.
વર્ષ દરમિયાન દૂધના સંપાદનમાં ૧૦ ટકાનો વધારો થયેલ છે. સરેરાશ દૈનિક દૂધ સંપાદન ૪.૫૩ લાખ કિલો દૂધનું રહેલ છે.જયારે દૂધના વેચાણમાં ૫ ટકાનો વધારો અને છાશના વેચાણમાં ૭ ટકાનો વધારો થયેલ છે. એ મુજબ અમૂલ દુધનું વેચાણ દૈનિક સરેરાશ ૩.૨૨ લાખ અને છાશનું વાર્ષિક વેચાણ ૨૪૪ લાખ લીટરનું થયેલ છે. વર્ષ દરમિયાન દૂધ ઉત્પાદકોને ગાયના દૂધના પ્રતિ કિલોના ભાવ રૂા.૨૯.૩૯ ભેંસના દૂધનો પ્રતિ કિલોના ભાવ રૂા. ૪૩.૯૦ મીકસ દૂધનો પ્રતિ કિલોના ભાવ રૂા. ૩૯.૪૦ ચૂકવવામાં આવેલ છે.
સંઘના જનરલ મેનેજર વિનોદ વ્યાસે આગામી વર્ષમાં ડેરી વિસ્તૃતિકરણ તેમજ આવનારી જુદી જુદી દુધ અને દુધની બનાવટો ઉપર માહિતી આપતા જણાવેલકે દુધ ઉત્પાદકોને વધુમાં વળતર ચૂકવવા સંઘ તેનો વેપાર વધારવા કટીબધ્ધ બનેલ છે.