21 જુન વિશ્વ યોગ દિનની દિવ્ય ઉજવણીમાં સામેલ થવા મેયર બિનાબેન આચાર્ય, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની,આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરનો લોકોને અનુરોધ
રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ દર વર્ષે વિશ્વ યોગ દિનની ઉજવણી કરવામાં આવે છે. જે અનુસંધાને આગામી 21 જુન 2019ના રોજ પણ વિશ્વ યોગા દિનની ઉજવણી કરવાનું આયોજન કરવામાં આવેલ છે. વિશ્વ યોગ દિનની ઉજવણીમાં ભાગ લેવા ઇચ્છુક લોકો માટે ઓનલાઈન રજીસ્ટ્રેશનની સુવિધા પણ રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવી છે જેનો સૌ નાગરિકો લાભ લઇ શકે છે. આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની તમામ વોર્ડ ઓફીસ, સિવિક સેન્ટરએથી રજીસ્ટ્રેશન માટેના ફોર્મ મળશે, જે ફોર્મ 19 જુન સુધીમાં પરત કરવાના રહેશે. રજીસ્ટ્રેશન થયેલ ફોર્મના તમામ લાભાર્થીઓને રાજકોટ મહાનગરપાલિકા તરફથી સર્ટીફીકેટ આપવામાં આવશે. ભારતની અદભૂત સંસ્કૃતિને સમગ્ર વિશ્વે અદકેરો આદર આપ્યો છે ત્યારે ભારતમાં વિશ્વ યોગ દિવસની ઉજવણીનો અનેરો થનગનાટ હોય તે સ્વાભાવિક છે. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં યોજાનાર યોગ કાર્યક્રમ માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવવા માટે ઇચ્છુક નાગરિકો http://rmc.gov.in/rmcwebsite/frmyoga registration.aspx
આ લિંક પર નાગરિકો રજીસ્ટ્રેશન કરાવી શકશે તેમ મેયર બિનાબેન આચાર્ય, ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઈ કાનગડ, મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાની, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, દંડક અજયભાઈ પરમાર અને આરોગ્ય સમિતિ ચેરમેન જયમીનભાઇ ઠાકરે જણાવ્યું હતું.
યોગની ઉજવણીમાં દીવ્યાંગો, થેલેસેમિયા, અને ડાયાબીટીસ ધરાવતા લોકો માટે અલગ વ્યવસ્થા કરવામાં આવેલ છે. તેમજ યોગમાં ભાગ લેવા માટે યોગમાં જોડાનારએ ચટ્ટાઈ સાથે લાવાની રહેશે. એક્વા યોગમાં ભાગ લેનાર બહેનોને મહાપાલિકા વતી સ્વીમિંગ કોસ્ચુયુમ આપવામાં આવશે. યોગથી આરોગ્ય તંદુરસ્ત રહે છે અને શરીરમાં નવો સંચાર ઉત્પન થાય છે. આજના દોડધામના સમયમાં યોગથી તન,મનને શાંતિ મળે છે. જેથી 21 જુન 2019ના રોજ રાજકોટ શહેરના તમામ શહેરીજનોને ભાગ લેવા અપીલ કરેલ છે.
27 સપ્ટેમ્બર 2014ના રોજ સયુંકત રાષ્ટ્રસંઘની 69મી સામાન્ય સભાને સંબોધતી વખતે માન. પ્રધાનમંત્રીએ વિશ્વ સમુદાયને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ અપનાવવા માટે વિનંતી કરતા તા.11 ડીસેમ્બર 2014ના રોજ સયુંકત રાષ્ટ્ર સામાન્ય સભાએ દરખાસ્તને સંમતિ આપી 21 જુનને આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સ્થાપિત કરવા કરવામાં આવેલ ઠરાવ અનુસંધાને સમગ્ર વિશ્વમાં યોગ દિવસ ઉજવવામાં આવે છે. જે ભારત માટે અત્યંત ગૌરવની વાત છે.