પીજીવીસીએલને 17.48 લાખનું અને એસ.ટી.ને આશરે 6.50 લાખની નુકશાની થયાનો અંદાજ
હાલારમાં વાયુ વાવાઝોડાની અસરના પગલે તીવ્ર પવન અને વરસાદથી વીજકંપનીને રૂ.17.48 લાખનું નુકશાન થયું છે. વાયુ વાવાઝોડું ત્રાટકવાની આગાહીના પગલે જામનગર જિલ્લા વહીવટીતંત્ર સાબદું બન્યું હતું. વિજ પુરવઠો પુર્વવત કરવા તંત્ર સતત દોડતુ રહ્યું છે.
વાવાઝોડામાં ખાસ કરીને વીજપોલ,લાઇનને વધુ નુકશાન થતું હોય વીજકંપની દ્રારા પણ અગમચેતીના પગલાં લેવામાં આવ્યા હતાં.
વાયુ વાવાઝોડું ઓમાન તરફ ફંટાઇ ગયું હતું પરંતુ તેની અસર જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં જોવા મળી હતી.કારણે કે બુધવારથી શુક્રવાર સુધી તીવ્ર પવન અને વરસાદના હળવા ભારે ઝાપટા પડતા વીજલાઇન,પોલને વ્યાપક નુકશાન થયું છે.
ત્રણ દિવસ દરમ્યાન હાલારમાં કુલ 558 વીજ ફીડર બંઘ થયા હતાં.જેમાંથી 407 ફીડરમાં વીજપુરવઠો ચાલુ કરવામાં આવ્યો છે.જયારે 151 ફીડર હજુ બંઘ છે.આટલું જ નહીં 546 ગામડાઓમાં વીજપુરવઠો ખોરવાતા અંધારપટ છવાયો હતો.જેમાંથી 508 ગામમાં વીજપુરવઠો પૂર્વવત કરવામાં આવ્યો છે.હજુ 38 ગામડામાં વીજળી ગુલ છે.તેજ પવનને કારણે 82 વીજથાંભલા ધરાશાહી થઇ ગયા હતાં.
જે તમામ ઉભા કરવામાં આવ્યા છે.વાયુ વાવાઝોડાની અસરથી વીજકંપનીને ત્રણ દિવસમાં રૂ.17.48 લાખનું નુકશાન થયાનો અંદાજ છે.
બંધ વીજ ફીડર અને ગામડાઓમાં વીજપુરવઠો પૂર્વવત કરવા વીજકંપનીની ટીમ દ્વારા કાર્યવાહી ચાલી રહી છે.