બેનરો ભરચકક વિસ્તારમાં જોખમી હાલતમાં લટકતા હોવાથી જાનહાની થવાનો ખતરો
હળવદના બસ સ્ટેન્ડ રોડ પર આવેલ મોટા કોમ્પ્લેક્સમાં મોબાઈલ કંપનીએ લગાવેલા મસમોટા બેનરો તેજ પવનથી ફાટી ગયા છે.સ્થાનિક.લોકોના જણાવ્યા અનુસાર બે દિવસ પહેલા તેજ પવન ફૂંકતા આ બેનરો ફાટી ગયા હતા.હાલ આ બેનરો જોખમી હાલતમાં લટકે છે.પવન હજુ પણ ચાલુ હોય લટકતા બેનરોના લાકડા,પટરા સહિતની સામગ્રી કોઈની માથે પડે તો અઘટિત ઘટના બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
હળવદના બસ સ્ટેન્ડ રોડ ઉપર આવેલ સ્વાગત કોમ્પ્લેક્સના બેનરો ભારે પવનને કારણે તૂટી અને ફાટી ગયેલી હાલતમાં જોખમી રીતે લટકી રહ્યા છે.સ્થાનિક લોકોએ આ બાબતે જણાવ્યું હતું કે એક મોબાઈલ કંપનીએ પોતાની જાહેરાતના બેનરો આ કોમલેક્સ ફરતે લગાવ્યા હતા પણ બે દિવસ પહેલા જોરદાર પવન ફૂંકતા આ કોમ્પ્લેક્સમાં લગેવેલા બેનરો એકદમ ફાટીને ચીંથરેહાલ થઈ ગયા છે. ફાટી ગયેલા બેનરો જોખમી હાલતમાં હજુ કોમ્પ્લેક્સમાં લટકી રહ્યા છે.આ લટકતા બેનરોના લાકડા,પટરા સહિતનો માલ ગમે ત્યારે નીચે પડે તેવી ગંભીર હાલતમાં છે.જોકે આ બસ સ્ટેન્ડ રોડ સતત ધમધમતો વિસ્તાર છે.ધાગધ્રા તરફ જતો અને હળવદ તરફ આવતો આ એક જ બસ સ્ટેન્ડ રોડ છે. એટલે દરરોજ અહીં હજારો વાહનોની અવરજવર રહે છે.ત્યારે આ લટકતા બેનરોથી અઘટિત ઘટના થવાનો ભય ઝળુંબી રહ્યો છે.આ બાબતે ઇન્ચાર્જ ચીફ ઓફિસર ગિરીશભાઈ સરૈયાએ જણાવ્યું હતું કે, આ ફાટેલા બેનરોને હટાવી દેવાની સૂચના આપી દેવાય છે.અને શહેરમાં અન્ય આવા બીજા જોખમી હાલતમાં બેનરો ધ્યાને આવશે તો તેને પણ દૂર કરાશે.