5 જુલાઈનાં રોજ 2019-20નું બજેટ થશે રજુ તે પૂર્વે આ બેઠક બની રહેશે ખુબ જ મહત્વપૂર્ણ: 21મી જુનનાં રોજ યોજાશે જીએસટી કાઉન્સીલની બેઠક
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં નેતૃત્વમાં રચાયેલી 7મી લોકસભા માટેનું સામાન્ય બજેટ માટે નાણા મંત્રાલય દ્વારા શરૂ કરવામાં આવેલી કવાયત દરમિયાન નરેન્દ્ર મોદી 20મી જુને નાણા મંત્રાલયનાં તમામ 5 વિભાગોનાં વરીષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી દેશનાં વિકાસદરને આગળ વધારવાની રણનીતિ અને રોજગાર સર્જન માટે ભાવી આયોજનો વિશે ચર્ચા કરશે. વડાપ્રધાન કાર્યાલયનાં આધારભૂત સુત્રોમાંથી મળતી વિગતો મુજબ 20મી જુને જીએસટી કાઉન્સીલની મળનારી બેઠક વડાપ્રધાનનાં આ કાર્યક્રમને લઈ એક દિવસ મુલતવી રાખવામાં આવી છે જેથી જીએસટી કાઉન્સીલની બેઠક 21મી જુનનાં રોજ યોજાશે. નાણા મંત્રાલયનાં તમામ વિભાગોનાં તમામ વરીષ્ઠ અધિકારીઓ સાથે મહેસુલી આવક વધારવા, જીડીપીની તરકી માટે લેવા જવા પગલાઓ અને પાંચ વર્ષ દરમિયાન 6.8 ટકાનાં તળીયે ચાલ્યા ગયેલા વૃદ્ધિદરનાં સુધારા માટે ચર્ચા કરાશે.
નાણા મંત્રાલય 2019-20નાં બજેટની તૈયારીને અંતિમ ઓપ આપી રહ્યું છે. નાણામંત્રી નિર્મલા સીતારામન 5 જુલાઈનાં રોજ પ્રથમ બજેટ રજુ કરવાનાં છે ત્યારે નરેન્દ્ર મોદીની આ બેઠક અતિ મહત્વની બની રહેશે. મોદી સરકારની બીજી નવી ટર્મ અને કાર્યકાળનાં પ્રથમ 100 દિવસનાં લક્ષ્ય માટે સરકાર ભારે ગંભીર છે ત્યારે વડાપ્રધાનની આ બેઠક ખુબ જ મહત્વની ગણવામાં આવે છે. નરેન્દ્ર મોદી પોતે નાણામંત્રાલય હેઠળનાં પાંચ વિભાગો જેવા કે આર્થિક બાબતો, મહેસુલ ખર્ચ, આર્થિક સેવાઓ, ડિપાર્ટમેન્ટ ઓફ ઈન્વેસ્ટમેન્ટ, રોકાણ અને જાહેર સંપતિ વ્યવસ્થાપન વિભાગ દ્વારા પાંચ મહત્વનાં ખાતા સાથે વડાપ્રધાન બેઠક યોજશે. આર્થિક બાબતોનો વિભાગ દેશની અર્થ વ્યવસ્થા અંગે પ્રેઝન્ટેશન પણ રજુ કરશે. જેમાં આર્થિક વૃદ્ધિદર, રોજગારીની ઉપલબ્ધી, મહેસુલ વિભાગમાં કર આધારીત આવક વધારવાનાં સંભવિત પગલાઓ, જીએસટીને વધુ લોકભોગ્ય બનાવવા માટેનાં પગલા, ખર્ચમાં બચત સહિત વિવિધ યોજનાઓમાં ખર્ચની કરકસરનાં પગલે આ બેઠક ખુબ જ મહત્વપૂર્ણ બની રહેશે.