કોઈપણ પ્રકારની કુદરતી-કૃત્રિમ આપત્તિ સામનો કરવા ગુજરાત સરકાર દ્વારા જબરૂં આગોતરું આયોજન સફળ: લોકોની સલામતિ-સુરક્ષા એ જ ભાજપની પ્રાથમિકતા
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્યની સંવેદનશીલ, અસરકારક, નિર્ણાયક સરકારનાં રાજમાં જનતા આજે ગૌરવ, સંતોષ તેમજ સલામતીની લાગણીનો અનુભવ કરી રહી છે. એક પ્રજાલક્ષી સરકાર, એક પ્રજાસેવક-પ્રજાવત્સલ મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓ કેવા હોય એનું આજે ગુજરાત શ્રેષ્ઠત્તમ ઉદાહરણ બન્યું છે
ગુજરાત-સૌરાષ્ટ્રનાં દરિયા કિનારે ત્રાટકેલા વાયુ વાવાઝોડા સંદર્ભે આગોતરા આયોજન અને વ્યવસ્થાપનની કાબિલેદાદ કામગીરી કરી 60 લાખથી વધુ અસરગ્રસ્ત લોકોને સાવચેતી સાથે સુરક્ષા-સલામતી પ્રદાન કરવા બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી, ભાજપ સરકાર, વિવિધ વિભાગો-તંત્રો, સેના, સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ વગેરેની પ્રસંશા કરતા રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું કે, હાલ વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી ટળી ગયો છે પરંતુ સરકાર-તંત્ર આ અંગે હજુ પણ સતર્ક છે. વાયુ વાવાઝોડાની તમામ નાની-મોટી ખબર રાખવા અને જે-તે તંત્ર, વિભાગ કે તેમના અધિકારીઓને જરૂરી સૂચના આપવા ગાંધીનગર ખાતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં સીધા માર્ગદર્શનમાં સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટરમાં મુખ્ય કંટ્રોલ રૂમ કાર્યરત કરાયો છે. વાયુ વાવાઝોડાની સમગ્ર સ્થિતિ અંગે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી, ગૃહમંત્રી અમિતભાઈ શાહ, હવામાન ખાતા અને ઈસરોની સાથે સતત સંપર્કમાં છે. વાયુ વાવાઝોડાથી ભય, ચિંતા કે ડર પામવાની કોઈ જ જરૂર નથી. ગુજરાત અને તેની તમામ જનતા સુરક્ષિત છે.
રાજુભાઈ ધ્રુવે વધુમાં જણાવ્યું હતું કે, વાયુ વાવાઝોડાની ગંભીરતા પારખી મુખ્યમંત્રીશ્રીનાં આદેશથી અત્યાર સુધીમાં 3 લાખથી વધુ લોકોનું સ્થળાંતર કરાયું છે. 700 જેટલા સ્થળાંતર કેમ્પ બનાવવામાં આવ્યા છે અને સ્થળાંતર થયેલા લાખો લોકો સુધી આશ્રય સાથે ફૂડ પેકેટ્સ અને જરૂરી મેડિકલ સહાય પહોચાડવાની કામગીરી સફળતાપૂર્વક ચાલુ છે. 4 લાખથી વધુ લોકોને સંદેશા પાઠવી વાયુ વાવાઝોડા અંગે સાવચેત કરવામાં આવ્યા છે. ભાજપ દ્વારા પણ વિવિધ સ્થળોએ કંટ્રોલરૂમ શરૂ કરવામાં આવ્યા છે. આ તબક્કે સરકારની સાથોસાથ વિવિધ વિભાગ-તંત્ર, સેના, સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓને પણ દાદ દેવી પડે જેમણે વાયુ વાવાઝોડાની વિકટ પરિસ્થિતિમાં પ્રજાને શક્ય તમામ સહાયતા કરી છે. અલબત્ત ભાજપ સરકારનાં વિવિધ પ્રધાનો-નેતાઓ એ પણ સૌરાષ્ટ્રમાં વાયુ વાવાઝોડા સંભવિત વિસ્તારોમાં પ્રજાની પડખે જઈ તમામ સ્થિતિ પર સતત દેખરેખ રાખી સૌને સાત્વના-સાવચેતી-સલામતી બક્ષી હતી.ભાજપે પ્રદેશ અધ્યક્ષ શ્રી જીતુભાઇ વાઘાણી ના માર્ગદર્શન હેઠળ કંટ્રોલ રૂમ ખોલી કાર્યકર્તાઓ દ્વારા સેવાકાર્યો કરવા માં આવ્યા છે.
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્યની સંવેદનશીલ, અસરકારક, નિર્ણાયક સરકારનાં રાજમાં જનતા આજે ગૌરવ, સંતોષ તેમજ સલામતીની લાગણીનો અનુભવ કરી રહી છે. એક પ્રજાલક્ષી સરકાર, એક પ્રજાસેવક મુખ્યમંત્રી અને રાજ્યના મંત્રીઓ કેવા હોય એનું આજે ગુજરાત શ્રેષ્ઠત્તમ ઉદાહરણ બન્યું છે. ગુજરાતમાં વાવાઝોડાની જે સંભવિત સ્થિતિ ઉપસ્થિત થઈ હતી તે વિકટ સ્થિતિમાં સરકારે ભરેલા પગલામાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની નિષ્ઠા જોઈ શકાય છે જે અનન્ય છે. ખરા અર્થમાં લોકહિતલક્ષી શાસનનો પરિચય વિજયભાઈ રૂપાણી અને તેમની સરકારે આપ્યો છે. આથી અત્યાર સુધીમાં વાયુ વાવાઝોડાની ગંભીર અસર વચ્ચે એક પણ જાનહાની થયાના કે કોઈપણ વ્યક્તિને ઈજા પહોચ્યાનાં અધિકૃત સમાચાર પ્રાપ્ત થયા નથી. માત્ર વ્યક્તિ જ નહીં પરંતુ કોઈ પ્રાણી પણ વાયુ વાવાઝોડામાં જાન ન ગુમાવે કે તેને હાનિ ન પહુંચે તે માટે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા ગીર સોમનાથમાં સિંહોની સલામતી માટેના પગલાં લેવા આદેશ કરવામાં આવતા વેરાવળ રેન્જના દરીયા કિનારા નજીક રહેતાં સિંહોને સલામત અને ઊંચાણવાળી જગ્યા પર ખસેડવામાં આવ્યા હતા. સાથે જ વનવિભાગને એલર્ટ કરી ભારે પવન અને વરસાદની સ્થિતિમાં વૃક્ષો ધરાશાયી થાય તો તાત્કાલિક ધોરણે રાહત કામગીરી કરવા સૂચના આપવામાં આવી હતી. ટૂંકમાં નાનામાં નાની બાબતનું ધ્યાન-કાળજી વાયુ વવાઝોડા બાબતે રાખી સરકારે નહિવત જાનમાલ નુકસાન થાય તે માટેના નક્કર પગલાં ભર્યા હતા.
ગુજરાતનાં દરિયા કિનારે આવેલું વાયુ વાવાઝોડા સમક્ષ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનાં નેતૃત્વમાં રાજ્ય સરકાર-તંત્ર કોઈપણ પ્રકારની આપાતકાલીન પરિસ્થિતિને પહોંચી વળવા તમામ સ્તરે સાબદું-સક્ષમ સાબિત થયુ છે. ભવિષ્યમાં પણ આ પ્રકારની કોઈ આફત ને પહોચી વળવા ભાજપ સરકાર સક્ષમ અને શક્તિશાળી છે. વાયુ વાવાઝોડાને લીધે આવનારા સમયમાં વરસાદ ની અતિ વૃષ્ટિ કે અનિયમિતતા ની સંભાવના જો ઉભી થાય તો જળ વ્યવસ્થાપનની કામગીરી નું પણ માઈક્રોપ્લાનિંગ કરવા ની પણ સૂચના મુખ્યમંત્રી વિજયભાઈ દ્વારા તંત્ર ને કારી દેવાઈ છે આગોતરું આયોજન દ્વારા પાણી સમસ્યા ન સર્જાય અને વરસાદી પાણીનો યોગ્ય સંગ્રહ થઈ શકે એવું રાજુભાઈ ધ્રુવે જણાવ્યું હતું અને અખબારો, ઇલેક્ટ્રોનિક માધ્યમો,સોશિઅલ મીડિયા, સરકાર ના સંબધિત તમામ વિભાગો ના અધિકારી-કર્મચારીઓ,સામાજિક સેવા સંસ્થાઓ-કર્મીઓ જાહેર જનતા જનાર્દન નો આભાર માન્યો હતો તથા ભગવાન સોમનાથ મહાદેવ તથા પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીકૃષ્ણ ના ચરણો માં પ્રજા ને સંકટ માંથી ઉગારી રક્ષા કરવા માટે કોટી કોટી વંદન કર્યા હતા.