વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં કૂલ 1001 વીજ ફીડરો બંધ પડી ગયા હતા: વીજ કંપનીની કૂલ 632 ટીમો યુદ્ધના ધોરણે વીજળી પુન:વત્ કરવા કામે લાગી
અરબી સમુદ્રમાં ઉદ્દભવેલા વાયુ વાવાઝોડાના પરિણામે તીવ્ર ગતિથી કૂંકાયેલા પવનને પરિણામે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ખોરવાયેલા વીજ પુરવઠાને તાબડતોબ પુન:સ્થાપિત કરી દેવામાં આવ્યો હોવાનું ઊર્જા મંત્રી સૌરભભાઇ પટેલે કહ્યું છે. વાયુ વાવાઝોડાના પ્રકોપને કારણે સૌરાષ્ટ્રના તટીય વિસ્તારોમાં કૂલ 1001 વીજ ફીડરો બંધ પડી ગયા હતા અને તે પૈકી 870 વીજ ફીડરો તાકીદના ધોરણે દુરસ્ત કરી ચાલુ કરી દેવામાં આવ્યા છે.
વાયુ નામના સમુદ્રી તોફાનની રાજકોટ ઉપરાંત સૌરાષ્ટ્ર સાગર તટીય વિસ્તારોમાં થનારી સંભવિત અસરને નિવારવા રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંનો તાગ મેળવવા રાજકોટ આવેલા ઊર્જા મંત્રી પટેલે પત્રકારો સાથે વાતચીત કરતા કહ્યું કે, વીજ પુરવઠાની દ્રષ્ટિએ વેરાવળ, સુત્રાપાડા, માંગરોળ, ચોરવાડ, કેશોદ, પોરબંદર, દ્વારકા, જામનગર, ઓખા, કોડીનાર, રાજુલા, મહુવા, મુન્દ્રાઅને માંડવીને ખાસ અસર પહોંચી હતી. વીજ કંપનીની કૂલ 632 ટીમો યુદ્ધના ધોરણેવીજળી પુન:વત કરવા કામે લાગી હતી. તા.13ના સાંજના 8 વાગ્યાની સ્થિતિએ 131 ફીડરો દુરસ્ત કરવાના બાકી છે. ઉત્તર ગુજરાત વીજ કંપનીના બંધ પડેલા 15 ફિડર પણ આજ રાત સુધીમાં ચાલુ થઇ જશે.
જેમાં પોરબંદરમાં 53, જૂનાગઢમાં 28, જામનગરમાં 17, ભાવનગરમાં 9, બોટાદના એક, અમરેલીના 20અને સુરેન્દ્રનગરના 3 બંધ ફીડરો આજ મોડી રાત સુધીમાં ચાલું કરી દેવામાં આવશે. તે જ પ્રકારે 61 ટ્રાન્સફોર્મર અને416 પોલક્ષતિગ્રસ્ત થયા હતા. જ્યારે, 59.8 કિલોમિટરની હાયપર ટેન્શન લાઇન, 29.31 કિ. મિ. એમટી લાઇનને નુકસાન પહોંચ્યું છે. આ લાઇનો અને પોલને પવનની વધુ ગતિ, વૃક્ષો પડવાને કારણે નુકસાન થયું છે. 4.5 કિ. મિ.ની એચટી લાઇનઅને 0.70ની એમટી લાઇન તત્કાલ રિપેર કરવામાં આવી છે.
મંત્રી પટેલે જેટકો અંગે માહિતી આપતા કહ્યું કે, જામનગર તાલુકાના ચંદ્રગઢ તથા પીપળી 66 કેવી સબ સ્ટેશન બપોરના સમયે બંધ થયા બાદ ચાર કલાકમાં તેને રિપેર કરવામાં આવ્યા હતા. કોડીનાર તાલુકામાં બંધ પડેલા ઘાટવડ અને આલીદર સબ સ્ટેશન બંધ થયા છે. તેને ફરી ચાલુ કરવાની કામગીરી પૂરજોશમાં ચાલુ છે. તેને વૈકલ્પિક લાઇનથી વીજ પુરવઠો આપવાનું કામ પ્રગતિમાં છે. તેમણે વીજ કંપનીના કર્મચારીઓના સામુહિક પ્રયત્નોથી થયેલી કામગીરીને બિરદાવી હતી. બહારની ટીમોને તા. 14 બપોર સુધી રોકવામાં આવશે.
રાજકોટ જિલ્લામાં 4.54 લાખ ફૂડ પેકેટ બનાવવા માટે સામાજિક, શૈક્ષણિક, ધાર્મિક સંસ્થાઓને સહયોગ મળ્યો છે. રાહત અને બચાવની કામગીરીમાં આવી સંસ્થાઓએ સરકાર સાથે કદમથી કદમ મીલાવી કામ કર્યું છે. રાજ્ય સરકાર તેમના સહયોગને બિરદાવે છે.
પત્રકારો સાથે સંવાદ વેળાએ સૌરાષ્ટ્ર-કચ્છ ભાજપના પ્રવક્તા રાજુભાઇ ધ્રુવ, પીજીવીસીએલના એમડી ભાવિન પંડ્યા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.