વેસ્ટ ઝોનમાં 7 મીમી, સેન્ટ્રલ અને ઈસ્ટ ઝોનમાં 4 મીમી વરસાદ: જિલ્લામાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ
વાયુ વાવાઝોડું ફંટાઈ ગયું છે છતાં તેની અસરતળે આજે સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. દરિયાકાંઠા વિસ્તારમાં સવારથી અનરાધાર વરસાદ વરસી રહ્યો છે. રાજકોટ જિલ્લામાં પણ ગત મધરાતથી સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. શહેરમાં સવારે ઝરમર વરસાદ વરસતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી જોકે બપોર બાદ ઉઘાડ નિકળ્યો હતો. શહેરમાં વાતાવરણ દિવસભર ધુપ-છાવ ભર્યું રહેવા પામ્યું હતું.
મહાપાલિકાનાં ફાયર બ્રિગેડ વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર આજે બપોરે સુધીમાં શહેરમાં સેન્ટ્રલ ઝોન વિસ્તારમાં 4 મીમી, વેસ્ટ ઝોન વિસ્તારમાં 7 મીમી અને ઈસ્ટ ઝોન વિસ્તારમાં 5 મીમી જેટલો વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. વહેલી સવારે શહેરમાં મેઘરાજાએ ઝરમરરૂપે હેત વરસાવ્યું હતું જોકે ત્યારબાદ ઉઘાડ નિકળી ગયો હતો. વાતાવરણ વાદળછાયું છે થોડી-થોડીવારે સુર્ય નારાયણ દર્શન પણ આપી રહ્યા છે. રાજકોટ જિલ્લામાં સાર્વત્રિક હળવાથી મધ્યમ વરસાદ પડયો હતો. આજે સવારે પુરા થતાં છેલ્લા 24 કલાક દરમિયાન જિલ્લાનાં ઉપલેટામાં 42 મીમી, કોટડાસાંગાણીમાં 13 મીમી, ગોંડલમાં 24 મીમી, જેતપુરમાં 15 મીમી, જસદણમાં 14 મીમી, જામકંડોરણામાં 18 મીમી, ધોરાજીમાં 30 મીમી, પડધરીમાં 10 મીમી, રાજકોટ ગ્રામ્યમાં 3 મીમી, લોધીકામાં 12 મીમી અને વિંછીયામાં 21 મીમી જેવો વરસાદ પડયો હતો. દરમિયાન સવારે 6:00 વાગ્યાથી લઈ બપોરે 12:00 વાગ્યા સુધીમાં જિલ્લામાં કોટડાસાંગાણી તાલુકામાં 7 મીમી, ગોંડલમાં 10 મીમી, જેતપુરમાં 5 મીમી, જસદણમાં 8 મીમી, જામકંડોરણામાં 1 મીમી, ધોરાજીમાં 9 મીમી, રાજકોટ ગ્રામ્યમાં 2 મીમી અને વિંછીયામાં 6 મીમી જેવો વરસાદ પડયો હતો. આ લખાય રહ્યું છે ત્યારે સમગ્ર રાજકોટ જિલ્લામાં એકંદરે મેઘવિરામ જેવો માહોલ છે.