આજે ઉચ્ચસ્તરીય બેઠક બાદ વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કર્યા પછી જ આગળ શું કરવું તેનો નિર્ણય લેશે રાજ્ય સરકાર: 11 જિલ્લામાં હજુ એનડીઆરએફ અને આર્મીની ટીમ તહેનાત: ઓખાના દરિયે 9 નંબરનું સિગ્નલ
ગુજરાત અને ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠે જે વાયુ નામનું વિનાશક વાવાઝોડુ ત્રાટકવાનું હતું તેણે દિશા ફેરવતા ગુજરાત પર સંકટ ટળી ગયું છે. ભારેથી અતિભારે વરસાદની આગાહી વચ્ચે આજે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, અમરેલી અને ગીર-સોમનાથ જિલ્લામાં તંત્રને એલર્ટ રાખવામાં આવ્યું છે. 11 જિલ્લાઓમાં હાલ એનડીઆરએફ અને આર્મીની ટીમ તૈનાત છે. આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં ઉચ્ચસ્તરીય બેઠક મળશે જેમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિ અંગે સમીક્ષા કર્યા પછી સરકાર હવે શું કરવું તેનો નિર્ણય લેશે. ઓખાના દરિયા કિનારે 9 નંબરનું ભયજનક સિગ્ન લગાવાયું છે.
વાયુ વાવાઝોડાનો ખતરો ગુજરાત પરથી સંભવત: સંપૂર્ણપર્ણે ટળી ગયો છે. છતાં સરકાર કોઈપણ જોખમ ઉઠાવવા માંગતી નથી. આજે સતત ત્રીજા દિવસે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા કોલેજો બંધ રાખવામાં આવી છે. વાયુ વાવાઝોડાની અસર તળે આજે સૌરાષ્ટ્રમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલ રાતથી દરિયાકાંઠા વિસ્તારમાં ભારે વરસાદ વરસી રહ્યો હોય રાજ્ય સરકાર દ્વારા સૌરાષ્ટ્રના ચાર જિલ્લાઓ પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા અને અમરેલીમાં તંત્રને સાવચેત રહેવા તાકીદ કરવામાં આવી છે. આટલું જ નહીં રાજ્યના જે 11 જિલ્લાઓમાં વાવાઝોડાની સંભવિત અસરના કારણે એનડીઆરએફ, એસડીઆરએફ અને આર્મીની જે ટીમને સ્ટેન્ડ ટુ રાખવામાં આવી હતી તેને આજે પણ જે તે સ્થળે તૈનાત રાખવામાં આવી છે. રાજ્ય સરકાર અલગ અલગ જિલ્લાના કલેકટર અને વહીવટી તંત્ર સાથે હજુ સતત એલર્ટમાં છે. વાવાઝોડાની અસરના કારણે આજે ભારે પવન સાથે વરસાદની સંભાવનાને કારણે આજે અસરગ્રસ્ત જિલ્લાઓમાં શાળા-કોલેજો બંધ રાખવામાં આવી છે. દરમિયાન આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઉપસ્થિતિમાં એક ઉચ્ચસ્તરીય બેઠક મળશે જેમાં વાવાઝોડાની વર્તમાન સ્થિતિનું નિરીક્ષણ અને સમીક્ષા કર્યા બાદ રાજ્ય સરકાર યોગ્ય નિર્ણય લેશે. આજે સવારે 8 વાગ્યા સુધી સૌરાષ્ટ્ર-કચ્છના તમામ જિલ્લામાં સલામતી અને સાવચેતી માટે તંત્રને સ્ટેન્ડ ટુ રહેવાની સુચના આપવામાં આવી હતી. જો કે, સૌરાષ્ટ્રમાં ગત મધરાતથી વરસાદ પડી રહ્યો હોય હજુ સમગ્ર તંત્ર એલર્ટ પર છે. ચાર જિલ્લામાં વધુ તકેદારી રાખવામાં આવી રહી છે. વાયુ વાવાઝોડાના કારણે રાજ્યમાં જે 2.75 લાખ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે તેઓને હજુ જ્યાં સુધી વાતાવરણ કલીયર નહીં થાય ત્યાં સુધી આશ્રય સ્થાનો પર જ રાખવામાં આવશે.