સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વેપાર-ઉદ્યોગ સંગઠનોની મીટીંગ મળી: ધંધાર્થીઓને આયાત-નિકાસ, જીએસટી, એકાઉન્ટીંગ અંગેના કલાસીસની માહિતી અપાઈ

ખોડલધામ ટ્રસ્ટ-કાગવડ પ્રેરિત સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન રાજકોટમાં ઘણા વર્ષોથી યુવાનોને સરકારી નોકરી અને કારકિર્દી ઘડતર માટે માર્ગદર્શન પૂરું પાડી રહ્યું છે. સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા યુપીએસીસી, જીપીએસસી, વર્ગ-3ની સ્પર્ધાત્મક પરીક્ષાઓ તેમજ સાંસ્કૃતિક પ્રવૃતિઓ, યોગા સેન્ટર, ફિઝિયોથેરાપી સેન્ટર વગેરે સેવાકીય પ્રવૃતિઓ કરવામાં આવી રહી છે. જ્યારે હવે સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન દ્વારા વેપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોને મદદરૂપ થવા માટે આયાત-નિકાસ, જીએસટી અને ટેલી એકાઉન્ટીંગને લગતા ક્લાસ શરૂ કરવામાં આવનાર છે. આ અંગે રાજકોટના સરદાર ભવન ખાતે વ્યાપાર-ઉદ્યોગ સંગઠનોની ખાસ મિટિંગ મળી હતી. જેમાં મોટી સંખ્યામાં વેપાર ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોએ હાજર રહીને માર્ગદર્શન મેળવ્યું હતું.

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીના અધ્યક્ષ સ્થાને મળેલી મિટિંગમાં ખોડલધામ ટ્રસ્ટના ચેરમેન નરેશભાઈ પટેલ, સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના પ્રમુખ હર્ષદભાઈ માલાણી, સ્પીપાના ડાયરેક્ટર શૈલેષભાઈ સગપરિયા, પીઆઈ ડો. નિલેશભાઈ ઘેટિયા, ખોડલધામના ટ્રસ્ટીઓ,  સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ, સોમનાથ લેઉવા પટેલ સમાજ અતિથિ ભવનના ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા.

ધંધાર્થીઓને આયાત-નિકાસ, જીએસટી તથા એકાઉન્ટીંગ અંગે જરૂરી માર્ગદર્શન મળી રહે તે માટે આ મિટિંગમાં માર્ગદર્શન અપાયું હતું.. આ મિટિંગમાં આશિષભાઈ અકબરી દ્વારા એક્સપોર્ટ-ઈમ્પોર્ટ અંગેના ક્લાસીસ અંગે માર્ગદર્શન અપાયું હતું. જ્યારે ધર્મેશભાઈ સૂચક દ્વારા જીએસટી અને ટેલી એકાઉન્ટીંગના ક્લાસીસ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.માત્ર લેઉવા પટેલ જ નહીં પરંતુ વ્યાપાર-ઉદ્યોગ સાથે સંકળાયેલા તમામ સમાજના લોકોને આયાત-નિકાસ સાથે જીએસટી, એકાઉન્ટીંગને લગતું કાયદાકીય માર્ગદર્શન મળી રહે તે માટે રાજકોટના સરદાર પટેલ કલ્ચરલ ફાઉન્ડેશન ખાતે દર શનિ-રવિવારે ખાસ ક્લાસીસનું આયોજન કરવામાં આવેલ છે.  આ ક્લાસીસમાં નિવૃત અધિકારીઓ ઉપરાંત સંબંધિત વિભાગોના નિષ્ણાતો પ્રેક્ટીકલ સાથે માર્ગદર્શન આપશે. વ્યાપાર-ઉદ્યોગ ક્ષેત્રને વેગ મળે અને નવા સાહસિકોને યોગ્ય દિશા સાથે માર્ગદર્શન મળી રહે તેવા ઉમદા હેતુ સાથે આ ક્લાસીસ શરૂ કરવામાં આવ્યા છે. આ ક્લાસીસની પ્રથમ બેચ ટૂંક જ સમયમાં શરૂ થવા જઈ રહી છે જેથી જેમણે આ ક્લાસીસમાં કોચિંગ મેળવવું હોય તેઓએ તાત્કાલિક સરદાર પટેલ કલ્ચરલ ભવનની મુલાકાત લેવી અથવા ફોન નંબર: 0ર81-ર365099 પર સંપર્ક કરી વધુ માહિતી મેળવવી તેમ ખોડલધામ ટ્રસ્ટની યાદીમાં જણાવાયું છે.

કુલપતિ ડો.નીતિન પેથાણીના હસ્તેગુજરાતની કલા અને સાંસ્કૃતિક વારસોપુસ્તકનું વિમોચન

જીપીએસસી, યુપીએસસી તથા વર્ગ-3 સહિત વિવિધ સરકારી સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે ખાસ માર્ગદર્શન મળી રહે તે માટે ડો. નિલેશભાઈ ઘેટિયા લિખિતગુજરાતની કલા અને સાંસ્કૃતિક  વારસોનામના પુસ્તકનું સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીતિનભાઈ પેથાણીના હસ્તે વિમોચન કરવામાં આવ્યું.. આ પુસ્તકસ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતાં વિદ્યાર્થીઓ અને સામાન્ય  જ્ઞાન વધારવા માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અન્ય પુસ્તકો કરતાં વધુ સચોટ અને સારી માહિતી વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવા માટે નિષ્ણાંતો પાસે પુસ્તક તૈયાર કરીને પ્રકાશિત કરવામાં આવ્યું છે. આ પુસ્તક અમદાવાદ, ગાંધીનગર, ભાવનગર, જૂનાગઢ અને રાજકોટના વિવિધ બુક સ્ટોર પર મળી રહેશે. અથવા રાજકોટમાં આ પુસ્તક મેળવવા માટે શ્રી સરદાર પટેલ કલ્ચરલ ભવનનો સંપર્ક કરવો.

 

 

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.