દરિયાકાંઠાના વિસ્તારોમાં એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફના જવાનો ખડેપગે જ રહેશે
ગુજરાતના માથે તોળાઈ રહેલા વાયુ ચક્રવાતની ખતરનાક યાત્રામાં નવો વણાંક આવ્યો છે. સ્કાયમેટ વેધર વેબસાઈટે દાવો કર્યો છે કે, સાયકલોન વાયુ સૌરાષ્ટ્ર દરિયાકાંઠાથી ખસી શકે તેમ છે. હાલની વાયુની દિશા નોર્થ ઈસ્ટની છે. હવામાન વિભાગના સંકેત મુજબ વાવાઝોડુ પોરબંદરથી લઈ દ્વારકા અથવા ઓખાના કાંઠા વિભાગમાં માત્ર ટચ કરી પસાર થઈ જશે. જો કે, વાયુનો ખતરો હાલ ટળ્યો હોય તેવુ જાણવા મળી રહ્યું છે છતાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિસ્થિતિ ઉપર સતત બાજ નજર રાખી રહ્યાં છે. આ ઉપરાંત સૌરાષ્ટ્રના તમામ દરિયાકાંઠાના વિસ્તારો એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફના જવાનો સતત ખડેપગે જ રહેશે. રાજ્યના તમામ સીનીયર આઈએએસ અધિકારીઓ છેલ્લા 24 કલાકથી સતત કંટ્રોલરૂમ ઉપર નજર રાખી રહ્યાં છે.
વાયુ પોતાની મુસાફરી ચાલુ રાખશે પરંતુ દરિયા કિનારા નજીક તે નબળુ પડીને પસાર થવાની શકયતા હોવાનું સ્કાયમેટે જણાવ્યું છે. હાલમાં વાયુ તોફાનની કેટેગરી-2માંથી ક્ધવર્ટ થઈને કેટેગરી-1માં તબદીલ થઈ ગયું છે. જો કે પવન ફૂંકાવાની ઝડપ હજુ પણ 135 કિ.મી.થી 160 કિ.મી. વચ્ચે રહેવાની સંભાવના છે. જેનાથી નુકશાન થવાની આશંકા વ્યકત કરવામાં આવી છે. હવામાન જાણકારોના જણાવ્યા મુજબ વાયુ વાવાઝોડામાં આ ફેરફારનું કારણ એ જ છે કે, નબળા વાતાવરણ સાથે અથડાશે અને જેના કારણે તેની દિશા અને ગતિમાં ફેરફાર થઈ રહ્યાં છે.ચક્રવાતની સીસ્ટમ ગુજરાત તરફ આગળ વધી રહી છે અને વરસાદ થવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે આવેલા વેરાવળ અને ઓખામાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે સાથે સાથ દ્વારકા, જૂનાગઢ, નલીયા, ગીર સોમનાથ અને રાજકોટમાં પણ ભારે વરસાદ પડી શકે તેવી સંભાવના હાલ દેખાઈ રહી છે. વાયુ વાવાઝોડાનો ખતરો તો ટળ્યો છે પરંતુ હજુ 15મી જૂન સુધી તેની અસર રહેવાની સંભાવના છે. જેને પગલે રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પરિસ્થિતિ પર સતત બાજ નજર રાખી રહ્યાં છે. એનડીઆરએફ, એસડીઆરએફ અને બીએસએફની ટીમ સૌરાષ્ટ્રના દરિયા કાંઠા વિસ્તારમાં સતત ખડેપગે છે.