સૌરાષ્ટ્ર સહિત રાજ્યમાં જૂન માસના અંતમાં નેઋત્યનું ચોમાસુ વિધિવત રીતે બેશે તેવી શકયતા
અરબી સમુદ્રમાં સર્જાયેલા ‘વાયુ’ નામના વાવાઝોડાનો ખતરો હાલ ગુજરાત પર ઓછો થઈ ગયો છે. પરંતુ તેની અસર નેઋત્યના ચોમાસા પર પડે તેવું લાગી રહ્યું છે. વાવાઝોડાના કારણે રાજ્યમાં ચોમાસુ 8 થી 10 દિવસ પાછુ ઠેલાય તેવી સંભાવના હવામાન વિભાગના સૂત્રોએ વ્યકત કરી છે. રાજ્યમાં 15 જૂન બાદ ચોમાસુ બેસે તેવી સંભાવના હતા પરંતુ હવે વાવાઝોડાની અસરના કારણે હવે જૂન માસના અંતમાં ચોમાસુ બેસે તેવી સંભાવના જણાય રહી છે.
હવામાન વિભાગના સૂત્રો પાસેથી પ્રાપ્ત થતી વધુ વિગત મુજબ રાજ્યમાં નેઋત્યના ચોમાસાનો વિધિવત આરંભ થાય તે પૂર્વે જ વાયુ નામનુ વિનાશક વાવાઝોડુ સક્રિય થવાના કારણે ચોમાસાની સીસ્ટમ પર અસર થવા પામી છે. ગત સપ્તાહે કેરળમાં નેઋત્યના ચોમાસાનું આગમન થયું. સામાન્ય રીતે કેરળમાં ચોમાસુ બેસ્યાના 15 દિવસ પછી ગુજરાતમાં ચોમાસુ બેસી જતુ હોય છે પરંતુ જે રીતે અરબી સમુદ્રમાં ‘વાયુ’ વાવાઝોડુ સર્જાયું છે તેના કારણે રાજ્યમાં ચોમાસાની સીસ્ટમ થોડી વિખેરાઈ જશે. જો કે આ વાવાઝોડાની અસરના કારણે દરિયાકાંઠા વિસ્તારમાં સારો એવો વરસાદ પણ વરસી શકે છે. એટલું જ નહીં રાજ્યના અન્ય વિસ્તારોમાં પણ વાવાઝોડુ સારો વરસાદ આપી શકે છે.
‘વાયુ’ની સૌથી વધુ અસર ઉત્તર ભારતના રાજ્યમાં થશે કારણ કે અહીં હિટવેવનો પ્રકોપ જારી છે. આ વાવાઝોડુ ઉત્તર ભારતમાં ચોમાસાની સીસ્ટમ ખોરવાઈ જશે અને સામાન્ય કરતા ઓછો વરસાદ પડે તેવી શકયતા પણ વ્યકત કરવામાં આવી છે.