નવા શૈક્ષણીક સત્રના પ્રારંભે શિક્ષક અને વિદ્યાર્થીઓ વચ્ચેના મંથનમાં શિક્ષકને હંમેશા જ્ઞાન પિરસવામાં જ રસ હોય ત્યારે વિદ્યાર્થીને જ્ઞાનનો વારસો મેળવવામાં રસ હોય
નવા શૈક્ષણિક સત્રના પ્રારંભે સમય ને ન કોઈએ બાંધ્યો છે,ન કોઇ બાંધી શક્યું છે. ગઈ કાલ સુધી ઘરમાં કિલ્લોલ કરતાં બાળકો આજથી શાળાઓમાં આનંદ સાથે વિદ્યારંભ કરી રહ્યાં છે. સુંદર રીતે રજાના દિવસો પરિવાર સાથે, ફરવા લાયક સ્થળોની મુલાકાતમાં કંઈક અલગ પ્રવૃત્તિમાં વ્યસ્ત રહીને પસાર કર્યાં બાદ આજે ફરી એ બાળકો પરિવારથી દુર એક શાળા રુપિ પરિવાર સાથે જોડાયા છે. ભૂલકાઓને પોતાપણું મનાય એવા પ્રયાસો સાથે શૈક્ષણિક નૂતન વર્ષનો આરંભ કરી રહ્યા છે. ત્યારે આવા જીવનના પાયા સમાન સુંદર કાર્યારંભ વેળાએ એક વિદ્યાર્થીના વિચારો જાણીએ.
વેકેશનમાં અમે પરિવારજનો, મિત્રો સાથે ખૂબજ આનંદ કર્યો. કંઈક સારું નવું શિખ્યા, અમારી શક્તિ પ્રમાણે વડીલોને મદદરુપ થયા. એમની પાસેથી સારા નવા વિચારો મેળવ્યા, જીવનના એવા પાઠ શિખ્યા કે એની પરિક્ષા ક્યારે આવે એ નક્કી ન હોય. અમારા ગુરુજનો પાસે જે ભણીએ છીએ એનું નક્કી હોય કે આ દિવસોમાં પરિક્ષા લેવાશે, આવા પ્રશ્નો હશે. પરંતુ જીવનની પરિક્ષામાં ટાઈમટેબલ નથી હોતા.
હવે શાળાના એટલે કે ભણતરના દિવસોનો પ્રારંભ થઇ ચુક્યો છે, ત્યારે હું મારા એક નાના પરિવારને છોડીને મારી શાળાના એક વિશાળ શાળા પરિવાર સાથે નવાવિચારો, નવા કાર્યોથી જીવન ઘડતરનો પ્રારંભ કરીશ.
ભગવાનનો આભાર માનું કે આવા અતિ ઉત્તમ આધુનિક સમયમાં મને ભણવાની તક આપી કારણકે દુનિયાભરમાં ધણા મારા જેવડા બાળકો ભણી પણ નથી શકતા. કોઈને પૈસા ની સમસ્યા હોય, શારીરિક સમસ્યા હોય પરંતુ સંપૂર્ણ સુખ આપી આવો જ્ઞાનવારસો મેળવવાની તક આપી છે.
આ શુભારંભ પ્રસંગે એક શિક્ષકના વિચાર મંથનને ! જાણે એવું લાગે છે, મે મારા જીવનની સાચી દુનિયામાં પ્રવેશ કર્યો છે. કેમકે એક શિક્ષકને હંમેશા કંઈક નવું શિખવામાં અને એ પ્રાપ્ત થયેલ જ્ઞાન ને પિરસવામાં જ રસ હોય છે.
અમારો પૂર્ણ પ્રયત્ન હોય છે કે, અમે એ નાના પંખી સમાન બાળકોને એની નાની પાંખોથી ઉડતા શિખવીએ. અમારા પાસે હોય એ બધું એને આપવાનો પ્રયત્ન કરીએ. ભણતરની સાથે ગણતર, શિક્ષણની સાથે સંસ્કાર યુક્ત જીવન વ્યવહાર, સારી રીતે બેસતા તો જરૂર પડે ત્યાં ઊભા રહેવાનું, સતત પ્રગતિના પંથે દોડવાનું તો ક્યાં અટકવું એ પણ શિખવીએ. સાથે સાથે પોતાના આગવા વિચાર યુક્ત મુક્ત ગગનમાં ઉડતા પણ શિખવીએ. આવા મહત્વ ના પ્રસંગે એકવાત જરૂર કહીશ કે શિક્ષક જ એક એવું વ્યક્તિત્વ છે જે એમ વિચારે કે આ મારાથી પણ આગળ વધે.