સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં આજે મધ્યરાત્રીએ ‘વાયુ’ વાવાઝોડુ ત્રાટકશે: ‘વાયુ’ નબળુ પડવાના બદલે વેરી સિવિયર સાયકલોન સ્ટ્રોમમાં ફેરવાયું હોય ભારે તબાહી મચાવે તેવી આશંકા
સૌરાષ્ટ્ર-કચ્છમાં સર્વત્ર ભારે પવન સાથે પાંચથી સાત ઈંચ વરસાદની આગાહી: દરિયાકાંઠાના નાગરિકોની સુરક્ષા માટે આર્મી, એનડીઆરએફ સહિતની ૭૦ બચાવ ટુકડીઓ કાર્યરત: કોઈપણ આપાતકાલીન સ્થિતિને ૫હોંચી વળવા સરકાર સજજ
અરબી સમુદ્રમાં લક્ષદ્વિપ પાસે ડીપ ડીપ્રેશનના કારણે સર્જાયેલું ‘વાયુ’ વાવાઝોડુ હવે સિવિયર સાઈકલોનમા ફેરવાયું છે. આ વાવાઝોડુ ૧૮ કીમીની ઝડપે સૌરાષ્ટ્ર-કચ્છ તરફ આગળ વધી રહ્યું હોય આજે મધ્યરાત્રી ૧૨ વાગ્યા બાદ વહેલી સવાર પહેલા દીવ- વેરાવળ વચ્ચેના દરિયા કિનારે ત્રાટકવાની સંભાવના વ્યકત કરાય છે. આ વાવાઝોડુ ૧૨૦ થી ૧૪૫ કિ.મી. ઝડપે ભારે પવન સાથે ત્રાટકવાનું હોય દરિયાકાંઠાના વિસ્તારોમાં અતિશય તબાહી સર્જે તેવી શકયતા છે. આ વાવાઝોડાની અસરનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત ગુજરાતના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની પણ આશંકા હોય હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર-કચ્છને રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ વાવાઝોડાથી દરિયાકાંઠાના ત્રણ લાખને સીધી અસર થવાની સંભાવના હોય રાજય સરકાર દ્વારા તેમનં સ્થળાંતર કરવાનો આજ સવારથી પ્રારંભ કરી દેવામાં આવ્યો છે.
આ લખાય છે ત્યારે વેરાવળથી ૩૫૦ કીમી દૂર દરિયામાં રહેલુ વાયુ વાવાઝોડુ નબળુ પડવાના બદલે સિવિયર સાઈકલોનમાં ફેરવાયું છે. જેના કારણે આ વાવાઝોડુ ૧૨૦ થી ૧૪૫ કીમીની ઝડપે ભારે પવન સાથે ત્રાટકવાની સંભાવના છે. આ વાવાઝોડુ સૌરાષ્ટ્ર-કચ્છનાં દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે તબાહી મચાવે તેવી સંભાવના છે. જેથી દરિયાકાંઠા વિસ્તારના ૪૦૮ ગામોમાં રહેતા ત્રણ લાખ જેટલા નાગરીકોનું આજ સવારથી સ્થળાંતર કરવાનો પ્રારંભ કરી દેવામાં આવ્યો છે. આ તમામ નાગરીકોને સુરક્ષીત ખસેડવા માટે આર્મીની ૩૪ ટીમો, એનડીઆરએફની ૧૫ ટીમો, એસડીઆરએફની ૧૧ ટીમોને કામે લગાડી દેવામાં આવી છે. ઉપરાંત પુનાથી ભટીંડાથી એનડીઆરએફની વધારે ૨૦ ટીમોને સૌરાષ્ટ્ર-કચ્છ તરફ રવાના કરી દેવામાં આવી છે. કોઈપણ મુશ્કેલ સ્થિતિને પહોચી વળવા કેન્દ્ર સરકારે સેનાની ત્રણે પાંખોને હાઈએલર્ટ પર રાખી દીધી છે.
આ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્ર-કચ્છના મોટાભાગના વિસ્તારોમાં ભારે પવન સાથે પાંચથી સાત ઈંચ વરસાદ પડવાની સંભાવના વ્યકત કરવામાં આવી છે. જેને લઈને સૌરાષ્ટ્ર-કચ્છના તમામ આઠેય જિલ્લાઓમા આજ અને કાલ બે દિવસ સુધી તમામ શાળા કોલેજોમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. જયારે દરિયાકાંઠાના તમામ વિસ્તારોમાં બે નંબર સિગ્નલ મુકીને બે દિવસ પહેલા માછીમારોને દરિયા નહી ખેડવા તાકીદ કરાય હતી.
ઉપરાંત આ વાવાઝોડાની અસરનાં કારણે હાલ દીવ, વેરાવળ, પોરબંદર, વગેરે દરિયાકિનારે બે થી ત્રણ મીટરના મોજા ઉછળવાની શરૂઆત થઈ ગઈ છે. જેથી વાવાઝોડાની રૌદ્રરૂપની પ્રથમ નિશાની સમજીને તંત્ર દ્વારા દરિયા કિનારે રહેતા તમામ જિલ્લાઓના લોકોનું આજ સવારથી સ્થળાંતર શરૂ કી દેવામા આવ્યું છે. આ વાવાઝોડાની અસરના કારણે મુંબઈનો દરિયામાં ભારે ભરતી આવી છે. ભારે મોજા સાથે દરિયાના પાણીનું લેવલ કિનારાને સમાંતર પહોચી ગયું છે.
વાવાઝોડા વાયુની કોઈપણ પરિસ્થિતિને પહોચી વળવા ગુજરાતમાં તંત્રને હાઈએલર્ટ કરાયું છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગઈકાલે જણાવ્યું હતુ કે દરિયાકાંઠાના વિસ્તારોમાં રહેતા પરિવારોને સુરક્ષીત રીતે સ્થળાંતર કરી દેવામાં આવશે હાલમાં વાયુ વેરાવળ દરિયાકાંઠાથી ૩૫૦ કીમી દૂર છે અને આગામી ૧૨ કલાકમાં આ દબાણ પ્રચંડ વાવાઝોડામાં પરીવર્તીત થઈને આજે મધ્યરાત્રીએ રાજયના દરિયાકાંઠાના વિસ્તારોમાં ત્રાટકશે. હવામાન વિભાગે આ વાવાઝોડાને ધ્યાને લઈ સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા વિસ્તારોમાં ભારે વરસાદ અને ૧૫૦ કીમી ની ઝડપે તોફાની પવન અને ભારે વરસાદની આગાહી કરી છે. ગુજરાત સરકારે આ આગાહીના પગલે તંત્રને એલર્ટના આદેશો જરી કરી દીધા છે.
સૌરાષ્ટ્ર અને કચ્છ વિસ્તારોમાં નેશનલ ડિઝાસ્ટર, રિસ્પોન્સ ફોર, એનડીઆરએફના જવાનોને તૈનાત કરી દેવામાં આવ્યા છે. દરિયા કિનારે માછીમારોને જયાં સુધી સરકાર છૂટ ના આપે ત્યાં સુધી દરિયામાં ન જવાની તાકીદ કરવામાં આવી છે.
વાયુના સવિશેષ પ્રભાવ જૂનાગઢ, પોરબંદર, જામનગર, દ્વારકા, રાજકોટ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથમાં રહેશે. વેરાવળ, દીવ, પોરબંદર, મહુવાનાં કાંઠાળા વિસ્તારોમાં ૧૫૦ કીમીની ઝડપે પવન ફૂંકાવાની આગાહી કરવામાં આવી છે. ગુજરાત સરકારે વાયુની આગાહીના પગલે સાવચેતીના પગલાના ભાગરૂપે દરિયાકાંઠા વિસ્તારમાંથી કોઈપણ પ્રકારની જાનહાની ન થાય તે માટે તંત્રને સાબદુ કરી ૩ લાખથી વધુના સ્થળાંતર કરવાની કવાયત હાથ ધરી છે. ગૃહમંત્રી અમિત શાહે મંગળવારે ડિઝાસ્ટર મેનેજમેન્ટના પદાધિકારીઓ સાથે ઉચ્ચ સ્તરીય બેઠક યોજીને વાયુના ઓછામાં ઓછી જાનહાની અને ટોલરેન્સ જળવાય તે માટે ૨૪ કલાક કંટ્રોલ રૂમ ચાલુ રાખી વાવાઝોડા દરમિયાન વિજળી, ટેલીફોન, આરોગ્ય, પાણી જેવી જીવન જરૂરી સેવાઓ યથાવત અને પુન: બહાલ કરવા માટે સાબદા રહેવા તાકીદ કરી હતી. ગૃહમંત્રી અમિતશાહની આ બેઠકમાં ગૃહસચિવ, વિવિધ મંત્રાલયોના સચિવો ભુસ્તર વિભાગ અને હવામાન ખાતાના અધિકારીઓ અને ગૃહમંત્રાલયના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.
રાષ્ટ્રીય આપતી વ્યવસ્થાપન સમિતિના અધ્યક્ષ અને કેબીનેટ સચિવ પી.કે. સિંહા ગુજરાતના મુખ્ય સચિવને મળ્યા હતા અને ગુજરાત અને કેન્દ્ર શાસીત પ્રદેશમાંથી સંભવિત વાવાઝોડાની અસરવાળા વિસ્તારોમાંથી ત્રણ લાખ લોકોનું સ્થળાંતર કરી તેમને ૭૦૦ રાહત કેમ્પોમાં રાખવાની વ્યવસ્થા કરવામા આવી છે. તમામ પદાધિકારીઓએ રાષ્ટ્રીય આપતી વ્યવસ્થાપક સમિતિ સાથે વિડિયો કોન્ફરન્સથી બેઠકો, યોજી હતી ગૃહમંત્રાલય, સીટી રેલવે, ટેલીફોન વિભાગ, સંરક્ષણ, ઈસરીઝ, હવામાનવિભાગ ડિઝાસ્ટર મેનેજમેન્ટ વિભાગ વિડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. રાજયમાં વાયુ વાવાઝોડા પગલે એનડીઆરએફની ૩૯ ટીમો તૈનાત કરી સેના અને વાયુદળ સ્ટેન્ડ ટુની પોજીશન લઈ લીધી છે. અમિતશાહ કેન્દ્રીય મંત્રીઓ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે મિટિંગ યોજીને છેલ્લી સ્થિતિની સમીક્ષા કરનારા છે.