આચારસંહિતનાં કારણે એપ્રિલ માસનાં બોર્ડમાં પેન્ડિંગ રખાયેલી ૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવાશે: પ્રથમ રૂપાબેન શીલુનાં એસ્ટેટને લગતા પ્રશ્ર્ન અંગે ચર્ચા થશે
રાજકોટ મહાનગર પાલિકામાં આગામી ૧૯મી જુનનાં રોજ મેયર બીનાબેન આચાર્યનાં અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે જેમાં ગત એપ્રિલ માસનાં બોર્ડમાં લોકસભાની ચુંટણીની આચારસંહિતનાં કારણે પેન્ડીંગ રાખવામાં આવેલી ૯ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. બોર્ડનાં પ્રશ્ર્નોતરીકાળમાં ભાજપ અને કોંગ્રેસનાં ૧૯ કોર્પોરેટરોનાં ૩૬ સવાલો અંગે ચર્ચા થશે.
જનરલ બોર્ડનાં પ્રશ્ર્નોતરી કાળમાં કોર્પોરેટર રૂપાબેન શીલુ, ઘનશ્યામસિંહ જાડેજા, સંજયભાઈ અજુડીયા, નિતીનભાઈ રામાણી, જાગૃતિબેન ડાંગર, જયમીનભાઈ ઠાકર, જયાબેન ટાંક, મનસુખભાઈ કાલરીયા, અંજનાબેન મોરઝરીયા, અશ્ર્વિન ભોરણીયા, મુકેશ રાદડિયા, વિજયાબેન વાછાણી, શિલ્પાબેન જાવીયા, મનિષભાઈ રાડિયા, મીનાબેન પારેખ, ડો.દર્શિતાબેન શાહ, માસુબેન હેરભા, જોશનાબેન ટીલાળા અને ઉર્વશીબા જાડેજા સહિત ભાજપ અને કોંગ્રેસનાં કુલ ૧૯ કોર્પોરેટરોએ એસ્ટેટ, ગાર્ડન, બાંધકામ, વોટર વર્કસ, ફાયર બ્રિગેડ, આવાસ, ટ્રાફિક, ટીપી, આરોગ્ય, મહેકમ, રોશની અને ટેકસ શાખાને લગતાં અલગ-અલગ જે ૩૬ પ્રશ્ર્નો પુછયા છે તેની ચર્ચાઓ થશે. જયારે બોર્ડનાં એજન્ડામાં અલગ-અલગ આવાસ યોજનાનું નામકરણ કરવા, રૈયા રોડ બ્રિજનું શહિદ બ્રિજ નામકરણ કરવા, ભાવનગર રોડ પહોળો કરવા માટે લાઈન ઓફ પબ્લીક સ્ટ્રીટ એકટ હેઠળ કપાતમાં ગયેલી મિલકતોનાં અસરગ્રસ્તોની વૈકલ્પિક વળતર આપવામાં ફેરફાર કરવા, મહાત્મા ગાંધી મ્યુઝિયમ માટે એસપીવીની રચના કરવા તથા બોર્ડ ઓફ ડાયરેકટરની નિમણુક કરવા, મ્યુનિસિપલ બોન્ડ ઈસ્યુ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરને પાવર ડેલીગેટ કરવા તથા સફાઈ કામદારોની ભરતી કરવા માટેનાં નવા નિયમો નિયત કરવા સહિતની ૧૦ દરખાસ્તો અંગે નિર્ણય લેવામાં આવશે. જનરલ બોર્ડમાં સવાલોની સટાસટી બોલે તેવા એંધાણ વર્તાય રહ્યા છે.