ભારતમાં પ્રથમ વખત યોજાઈ રહેલા ઈડિયેટ ફોર ઈન્ડિયામાં સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રતિનિધિત્વ કરશે ધોળકિયા સ્કૂલનો બાળ વૈજ્ઞાનિક
વિકાસશીલ દેશનાં વિકાસનો પાયો તેની શાળાનાં વર્ગખંડોમાં ઘડાય છે. આથી જ ભાવિ ભારતને વિકાસની ટોચ ઉપર લઈ જવા સરકાર દ્વારા અનેક વિધ પ્રયત્નો થઈ રહ્યા છે. શાળા કક્ષાએથી જ વિદ્યાર્થીનું માનસ સંશોધનાત્મક બને તથા ભવિષ્યમાં નવા-નવા સંશોધનો દ્વારા દેશનાં વિકાસમાં પોતાનો સહયોગ આપી શકે તે માટે વિવિધ પ્રકારનાં વિજ્ઞાન મેળાનાં આયોજનો થતાં રહે છે. બાળકોમાં રહેલા સર્જનાત્મક વિચારોને વૈશ્ર્વિક ફલક સુધી પહોંચાડવા રાષ્ટ્રીયકક્ષાએ ઈડિયેટ ફોર ઈન્ડિયાનું આયોજન થઈ રહ્યું છે. જેમાં પ્રાથમિક અને માધ્યમિક કક્ષાનાં હજારો વિદ્યાર્થીઓએ પોત-પોતાનાં વૈજ્ઞાનિક વિચારો ઓનલાઈન સબમીટ કર્યા હતા.
ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, રાજસ્થાન, દાદરાનગર હવેલી તથા ગુજરાત રાજયમાંથી પસંદગી પામેલા ટોપ-૫૧ રિસર્ચ પ્રોજેકટ વેસ્ટ ઝોન કક્ષાનાં સાયન્સ ફેરમાં રજુઆત પામશે. જે આગામી ૧૧ થી ૧૪ જુન દરમિયાન અમદાવાદ ખાતે યોજાશે. આ સાથે સમગ્ર રાજકોટવાસીઓ અને ધોળકિયા શાળાનાં પરિવારમાં પણ ખુશીની લહેર પ્રસરી ગઈ છે કારણકે ગુજરાતમાંથી પસંદગી પામેલા ટોપ-૧૦ પૈકી એક પ્રોજેકટ રાજકોટની ધોળકિયા સ્કુલનો બાળ વૈજ્ઞાનિક જેનીલ છત્રાલાએ તૈયાર કર્યો છે. જે સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાંથી પસંદગી પામેલો એક માત્ર પ્રોજેકટ છે. આમ હરહંમેશ વિજ્ઞાન ક્ષેત્રે ગુજરાત અને ભારતનું પ્રતિનિધિત્વ કરતી ધોળકિયા સ્કુલ ફરી એકવાર રાજકોટને એવોર્ડ અપાવશે. કે.જી.ધોળકિયા સ્કુલમાં ધો.૧૨ સાયન્સમાં અભ્યાસ કરતા સાથે સાથે સંશોધન કાર્ય પણ ચાલુ રાખનાર જેનીલ હરેશભાઈ છત્રાલા ફરી એક વખત વિજ્ઞાનક્ષેત્રે પસંદગી પામ્યા છે. આ અગાઉ પણ તેઓ વર્ષ ૨૦૧૬માં અમેરિકામાં યોજાયેલ આંતરરાષ્ટ્રીય વિજ્ઞાન મેળામાં ભારતને બ્રોન્ઝ મેડલ અપાવી ચુકયા છે અને ધો.૧૨ (સાયન્સ)નાં અભ્યાસની સાથે સૌરાષ્ટ્ર-કચ્છનું પ્રતિનિધિ કરવા વેસ્ટ ઝોન સાયન્સ ફેરમાં જશે.
જેનીલે પર્યાવરણને હાનીકારક એવા વાયુ પ્રદુષણને દુર કરવા માટે નવી ડિઝાઈનનું સાયલેન્સર તૈયાર કર્યું છે જે હાલ વપરાતા સાયલેન્સરનાં સ્થાને જોડવાથી પ્રદુષિત વાયુની માત્રામાં ઘટાડો કરવા માટે સક્ષમ છે. આ માટે તેઓએ ધાતુની એક નળાકાર એક કેન્ડલ તૈયાર કરેલ છે જેની સપાટી છિદ્રાળું છે આ કેન્ડલની અંદર બેન્ટોનાઈટ પાવડર, ભોગાવો, રેતી, શંખજીરું, સિલીકોન, મેગ્નેશિયમ, સફેદ મારબલ પાવડર, કાર્બન પાવડર તથા ગ્રેફાઈટનાં ફાઈન પાઉડરમાંથી તૈયાર કરેલ પોરસ મટીરીયલ ભરવામાં આવ્યું છે. જેથી દહન પામેલું બળતણ વાયુ સ્વપે સરળતાથી મુકત થઈ શકે સાથે-સાથે ગાળણ ક્રિયા દ્વારા પ્રદુષણ ઓછું કરી શકાય. જેનીલ છત્રાલા છેલ્લા દોઢ વર્ષથી આ સંશોધન કાર્ય કરી રહેલ છે અને વિવિધ પ્રકારનાં ટુ-વ્હીલર પર ટેસ્ટીંગ કરી તેમનાં પીયુસી સર્ટીફીકેટ દ્વારા સાબિત કર્યું કે, પ્રદુષણની માત્રામાં ઘટાડો થાય છે.