વાવાઝોડું ‘વાયુ’ વેરાવળથી ૭૪૦ કિમી દુર: કાલે સાંજે વધુ તિવ્ર બની સૌરાષ્ટ્ર-કચ્છ પર ત્રાટકશે: ૧૩મીએ સવારે વાવાઝોડું વેરાવળ અને દિવ નજીકથી પસાર થશે: સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી
એનડીઆરએફ, એસડીઆરએફ, નેવી, કોસ્ટગાર્ડ સહિતનાં તંત્ર એલર્ટ: સરકારી અધિકારીઓની રજાઓ રદ: સ્ટેટ ઈમરજન્સી સેન્ટરની વાવાઝોડા પર સતત બાજ નજર
પૂર્વ-મધ્ય અરબી સમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર ડિપ્રેશન અને ત્યારબાદ ડિપ-ડિપ્રેશનમાં પરીવર્તીત થયા પછી ગઈકાલે રાત્રે ૧૧:૩૦ કલાકે વાવાઝોડામાં ફેરવાઈ ગયું છે જેને વાયુ નામ આપવામાં આવ્યું છે. વાયુ નામનું વાવાઝોડું જેટ ગતિએ ગુજરાત ખાસ કરીને સૌરાષ્ટ્ર તરફ આગળ વધી રહ્યું છે. આજે સવારે વાયુ વેરાવળથી માત્ર ૭૪૦ કિલોમીટર દુર હતું જે આવતીકાલ એટલે કે બુધવારે સાંજ સુધીમાં વધુ તીવ્ર બની સૌરાષ્ટ્ર દરિયાકાંઠે ત્રાટકશે જેની અસરતળે સૌરાષ્ટ્ર-કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે. વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં ૧૧૦ કિલોમીટરથી લઈ ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાવાની સંભાવના છે.
વાવાઝોડાનાં કારણે રાજયમાં ભારે વિનાશ સર્જાય તેવી દહેશતનાં પગલે એનડીઆરએફની ૨૬ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ૧૩મીએ સવારે વાયુ વેરાવળ કે દિવ નજીકથી પસાર થવાની સંભાવના છે. એનડીઆરએફ, એસડીઆરએફ, નૈવી અને કોસ્ટગાર્ડ સહિતનાં તંત્રને એલર્ટ પર રાખી દેવામાં આવ્યા છે. સરકારી અધિકારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. સ્ટેટ ઈમરજન્સી સેન્ટર સતત વાવાઝોડા પર અસર રાખી રહયું છે. રાજય સરકારનાં મુખ્ય અધિક સચિવ પંકજકુમારે આજે સવારે ટવીટ કરી એ વાતની માહિતી આપી હતી કે, અરબી સમુદ્રમાં સર્જાયેલું વાયુ નામનું વાવાઝોડું હાલ વેરાવળનાં દરિયાકાંઠાથી ૭૪૦ કિમી દુર છે અને પ્રતિ કલાક ૪૦ કિલોમીટરની ઝડપે આગળ વધી રહ્યું છે. આવતીકાલે બુધવારે સાંજ સુધીમાં આ વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠે ટકરાઈ તેવી સંભાવના જણાઈ રહી છે. હવામાન વિભાગનાં સુત્રોનાં જણાવ્યા અનુસાર અરબીસમુદ્રમાં સર્જાયેલું લો-પ્રેશર કાલે રાત્રે વાવાઝોડામાં પરીવર્તીત થઈ ગયું છે અને હાલ લક્ષદ્વીપનાં ટાપુ પાસે પહોંચ્યું છે જે ઉતર દિશામાં આગળ વધી રહ્યું છે. આ વાયુ નામનું વાવાઝોડું આગામી ૨૪ કલાકમાં તીવ્ર મજબુત બની સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠા સાથે ટકરાઈ તેવી શકયતા જણાઈ રહી છે.
સૌરાષ્ટ્રમાં ૧૨ થી લઈ ૧૪ જુન સુધી ૧૧૦ કિલોમીટરથી લઈ ૧૨૦ કિલોમીટરની ઝડપે પવન ફુંકાશે અને દરિયાકાંઠા વિસ્તાર જેવા કે પોરબંદર, ગીર-સોમનાથ, દેવભૂમિ દ્વારકા, જામનગર, અમરેલી, ભાવનગર, કચ્છ સહિતનાં વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ એટલે કે અમુક સ્થળોએ ૬ ઈંચથી લઈ ૧૦ ઈંચ સુધી પણ વરસાદ વરસે તેવી પ્રબળ સંભાવના જણાઈ રહી છે. વાવાઝોડાનાં કારણે રાજયમાં ચોમાસાની સીઝનને પણ અસર થાય તેવી શકયતા હાલ નકારી શકાતી નથી. ૧૩મી જુને વાયુ નામનું આ વાવાઝોડું પોરબંદર અને મહુવાનાં દરિયા વચ્ચેથી એટલે કે વેરાવળ કે દિવ નજીકથી પસાર થાય તેવી સંભાવના જણાઈ રહી છે. હાલ વાવાઝોડું ખુબ જ મજબુત છે અને આગામી ૨૪ કલાકમાં વધુ મજબુત બને તેવી શકયતા છે. આ વાવાઝોડાનાં કારણે સૌરાષ્ટ્રમાં વિનાશ સર્જાય તેવી પણ ભીતિ વ્યકત કરવામાં આવી છે.
વાયુ વાવાઝોડું સૌરાષ્ટ્રનાં દરિયાકાંઠામાં સક્રિય થઈ રહ્યું હોય રાજયભરમાં એલર્ટ આપી દેવામાં આવ્યું છે. માછીમારી કરવા માટે દરિયામાં ગયેલી ૩૯૩ બોટને પરત બોલાવી લેવામાં આવી છે. હાલ હજી સૌરાષ્ટ્રનાં દરિયામાં ૧૫ જેટલી બોટ છે તેઓને વાયરલેસ દ્વારા મેસેજ મોકલી પરત બોલાવવાની કાર્યવાહી કરવામાં આવી છે. એનડીઆરએફની ૨૬ ટીમો તૈનાત કરી દેવામાં આવી છે. ગુજરાતની ૧૧ ઉપરાંત અન્ય રાજયો જેવા કે મહારાષ્ટ્ર અને પંજાબમાંથી એનડીઆરએફની ૧૫ ટીમોને બોલાવી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર-કચ્છમાં અલગ-અલગ જીલ્લાઓમાં એનડીઆરએફની ૧૧ ટીમો આજે સવારે ગાંધીનગરથી રવાના કરી દેવામાં આવી છે. જયારે વડોદરા અને ગાંધીનગર ખાતે એનડીઆરએફની ૪ ટીમો સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે. તમામ જિલ્લાનાં કલેકટર તથા સિનિયર અધિકારીઓની રજાઓ રદ કરી તેઓને તાબડતોબ ફરી ફરજ પર હાજર થઈ જવા આદેશ આપી દેવામાં આવ્યો છે. હાલ રાઉન્ડ ધી કલોક વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. રાજય સરકાર દ્વારા વિવિધ વિભાગોને એલર્ટ પર મુકી દેવામાં આવ્યા છે.
વાયુ વાવાઝોડાની અસર આજે સવારથી થોડી ઘણી માત્રામાં જોવા મળી રહી છે. અમદાવાદ સહિત રાજયનાં અનેક સ્થળોમાં વાતાવરણમાં પલટો જોવા મળી રહ્યો છે જયારે પોરબંદર અને સુરતનાં દરિયામાં ઉંચા મોજા ઉછળી રહ્યા છે. સૌરાષ્ટ્રમાં આવતીકાલથી ૧૪મી જુન સુધી ભારેથી અતિભારે વરસાદની આગાહી પણ આપવામાં આવી છે.