ભાજપ અને કોંગ્રેસના ૧૮ કોર્પોરેટરોએ ૩૩ પ્રશ્ર્નો રજુ કર્યા: ભાજપના નગરસેવક અશ્ર્વિન ભોરણીયાનો પ્રશ્ર્ન પ્રથમ ક્રમે: બોર્ડમાં ૧૩ દરખાસ્તો પર લેવાશે નિર્ણય
રાજકોટ મહાનગરપાલિકામાં આગામી ૧૭મી જુનના રોજ સવારે ૧૧ કલાકે મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાયના અધ્યક્ષ સ્થાને જનરલ બોર્ડની બેઠક મળશે. જેમાં દબાણ અને પાણી પ્રશ્ર્ને ધડબડાટી બોલે તેવા એંધાણ વર્તાય રહ્યા છે. ભાજપના ૧૦ કોર્પોરેટરોએ ૧૩ પ્રશ્ર્નો અને કોંગ્રેસના ૮ કોર્પોરેટરોએ ૨૦ પ્રશ્ર્નો બોર્ડની પ્રશ્ર્નોતરીકાળમાં રજુ કર્યા છે પ્રથમ ભાજપના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયાના એસ્ટેટ શાખાને લગતા પ્રશ્ર્ન પર થશે.
૧૭મી જુને મળનારી જનરલ બોર્ડની બેઠકમાં ૩૩ પ્રશ્ર્નો પૈકી સૌથી વધુ પ્રશ્ર્નો એસ્ટેટ શાખાને લગતા ૬ પ્રશ્ર્નો છે. જયારે વોટર વર્કસ શાખાને લગતા ૫ પ્રશ્ર્નોને બોર્ડના પ્રશ્ર્નોતરીકાળમાં દબાણ અને પાણી પ્રશ્ર્ને ભાજપ અને કોંગ્રેસના નગરસેવકો અધિકારીઓ પર તડાપીટ બોલાવશે. વોર્ડમાં કોર્પોરેટર અશ્ર્વિનભાઈ ભોરણીયા, રેખાબેન ગજેરા, મનસુખભાઈ કાલરીયા, બીનાબેન આચાર્ય, સીમીબેન જાદવ, ‚પાબેન શીલુ, જયાબેન ડાંગર, અંજનાબેન મોરજરીયા, અજય પરમાર, ગાયત્રીબા વાઘેલા, જયમીન ઠાકર, શિલ્પાબેન જાવીયા, જાગૃતિબેન ડાંગર, દલસુખભાઈ જાગાણી, મુકેશભાઈ રાદડીયા, વશરામભાઈ સાગઠીયા, ઘનશ્યામસિંહ જાડેજા અને ઉર્વશીબા જાડેજા સહિત કુલ ૧૮ કોર્પોરેટરોએ ૩૩ પ્રશ્ર્નો રજુ કર્યા છે. જનરલ બોર્ડમાં નગર રચના યોજના ક્રમાંક-૪ (રૈયા)ના શોપીંગ સેન્ટર હેતુના અંતિમ ખંડ નં.૫૧૫ની જમીન હિન્દુસ્તાન પેટ્રોલીયમ કોર્પોરેશન લીમીટેડને રેસીડેન્સ કોલોની સામે લીઝ ઉપર આપવા, મહાપાલિકાના અધિકારી/કર્મચારીઓ માટે આવાસ યોજના, નગરચના યોજના રાજકોટ નં.૨ (નાનામવા) અંતિમના આખરી ખંડ નં.૫૧૧ સ્કૂલ એન્ડ પ્લેગ્રાઉન્ડના હેતુ માટે અનામત પ્લોટની જમીન ‘કોમ્યુનિટી હોલ’ બનાવવા માટે હેતુફેર કરવા, રાજકોટની નગર રચના યોજના નં.૮ (આખરી)ના આખરીખંડ નં.૧૮૧ પૈકીની જમીન બી ડિવીઝન પોલીસ સ્ટેશન બનાવવા આપવા શરતમાં સુધારો કરવા, વ્યાજની રકમમાં વળતર આપવા, નિયમિત કરદાતાઓને વિશેષ વળતર આપવા, મુખ્યમંત્રી ગૃહ યોજના અંતર્ગત બનાવવામાં આવેલ શોપીંગ સેન્ટરની દુકાનો જાહેર હરરાજીથી વેંચાણ આપી દસ્તાવેજ કરવા, રાજકોટ ડર્મેટોલોજીસ્ટ એસોસીએશનને નિયત સમય મર્યાદા પહેલા પુ.પ્રમુખ સ્વામી ઓડીટોરીયમ તથા બાજુમા આવેલ પ્લોટ ફાળવવા, ચાલુ નોકરીએ અવસાન પામેલ કર્મચારીના વારસદારને ખાસ કિસ્સામાં રહેમરાહે નોકરી આપવા, રાજકોટ મહાનગરપાલિકાના કોમ્પ્યુટર (ઈ.ડી.પી.) વિભાગમાં નવી જગ્યાઓ ઉપસ્થિત કરવા, હયાત સ્ટાફ સેટઅપમાં ડાયરેકટર આઈ.ટી.ની લાયકાત સુધારવા તથા ડે.ઈ.ડી.પી.મેનેજરનું નામાધિભાન તથા પગાર ધોરણ સુધારવા, સુરક્ષા વિભાગના સુરક્ષા અધિકારીની જગ્યાની લાયકાત તથા પગારધોરણમાં સુધારો કરવા, હિસાબી શાખાના હયાત સ્ટાફ સેટઅપમાં રહેલ જગ્યાઓની લાયકાત અને જગ્યાઓમાં સુધારો કરવા તથા કર્મચારીઓને અપાતા ગણવેશ શેડયુલ અદ્યતન કરવા તેમજ બુટ-ચંપલ તથા રેઈનકોટ/રેઈનસુટના સ્પેસીફીકેશન સુધારવાનું મંજુર કરવાની દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવશે.